અમદાવાદ, તા.૧૮ કચ્છમાંથી ચીનની ભાષામાં લખેલા સંદેશ સાથે એક કબૂતર મળી આવતા કચ્છ પોલિસ દોડતી થઇ છે. પુલવામા આંતકી હુમલા બાદ ગુજરાતમા હુમલા થવાના ઇનપુટ મળતા હાઇએલર્ટ આપી દેવામાં આવ્યું છે. આવા સમયે કચ્છમાંથી શંકાસ્પદ કબૂતર મળી આવતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઇ ગઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ ભુજ નજીક શેખપીર ત્રણ રસ્તા પાસે ચાઇનીઝ ભાષામાં લખાણ સાથે પગમાં બાંધેલી વિશિષ્ટ રીંગ સાથે એક કબૂતર મળી આવ્યું છે. આ લખાણને કારણે કબૂતરે પશ્ચિમ કચ્છ પોલિસને દોડતી કરી દિધી છે. પોલિસે કબૂતરને પકડી ભૂજમાં સરકારી વેડરનિટી ડોકટર પાસે મોકલી તપાસ આરંભી છે. પોલિસે કબૂતરના પગે બાંધેલી રિંગના આંકડા અને ચાઇનીઝ લખાણ અંગે ઇન્ટરનેટ પર ચેંકિગ હાથ ધર્યું છે. પ્રાથમિક તપાસમાં આ કબૂતરનો ચીનમાં બર્ડ રેસિંગમાં ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. તેમ છતાં સુરક્ષા એજન્સીઓ કોઇપણ જાતનું જોખમ લેવા તૈયાર નથી. એટલે કબૂતર ખરેખર કયા ઉદ્દેશથી કચ્છ આવ્યું તે દિશામાં તપાસ તેજ કરાઇ છે.