જામનગર, તા.૩૧
જામનગર નજીકના હાપામાં આવેલા મારૂતિ કંપનીના શો-રૂમ પાછળના પરિશ્રમ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં અંગ્રેજી શરાબનો ગંજાવર જથ્થો લાવવામાં આવ્યો છે અને તે જથ્થો કટીંગ કરી જુદા-જુદા સ્થળે રવાના કરવામાં આવનાર છે તેવી બાતમી મળતા આજે વહેલી સવારે રાજકોટ રેન્જના આઈજી સંદીપ સિંઘની ટીમ-આરઆર સેલનો સ્ટાફ પીએસઆઈ એમ.પી. વાળાના વડપણ હેઠળ હાપા તથા આજુબાજુના વિસ્તારોમાં ગોઠવાઈ ગયો હતો તે દરમ્યાન કટીંગ શરૂ થયું હોવાની પાકી વિગત મળી જતાં આરઆર સેલના સ્ટાફે આ કારખાનાને ઘેરો ખાલી અંદર ચકાસણી કરતા તેના એક ખૂણામાં થપ્પો મારીને રાખવામાં આવેલી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબ ભરેલી ૧૧૭૬ પેટી મળી આવી હતી.
આરઆર સેલના સ્ટાફે મૂળ ધ્રોલના હમાપર ગામના વતની અને હાલમાં ટાટા કાર્ગો શો-રૂમ પાસે હાપામાં વસવાટ કરતા વિપુલ કેશુભાઈ આહિર, આઈશર સાથે આવેલા ડ્રાઈવર હરિયાણા રાજ્યના અંબાલાના નારાયણગઢના સોતલી ગામના અમિરસિંઘ હરબંસસિંઘ લખાના, બીજા ડ્રાઈવર ગુરૂપ્રિતસિંઘ સુખવંતસિંઘ લખાના, દિલ્હીના માયાપુરી વિસ્તારના રહેવાસી રાજેશ કશ્મીરીલાલ ગીલ્હોત્રા, પ્રવિણકુમાર તિલકરાજ દત્તા, ઉત્તરપ્રદેશના ઈટાવા તાલુકાના બુડેલા ગામના સુભાષ રામસિંગ સુનેરિયા, હાલમાં રાજકોટમાં રહેતા મૂળ આંધ્રપ્રદેશના રામનજીનેયુલુ નાગરાજ વાલ્મિકી તથા સુરેશ નાગન્ના મહાદીગા નામના આઠ શખ્સોની સ્થળ પરથી અટકાયત કરી હતી. જ્યારે રાજકોટના રામાંજન ઉર્ફે રામુભાઈ, કારખાનાવાળા જીતેશ નાગદાન મકવાણા ઉર્ફે જીતુ તથા જામનગરના જશુભા જાડેજા અને તેની સાથેના અન્ય શખ્સોને અને હરિયાણાના અંબાલામાંથી ઉપરોકત શરાબ ખરીદ કરી તેને જામનગર સુધી મોકલનાર પાર્થ શર્મા નામના શખ્સોને ફરાર જાહેર કરવામાં આવ્યા છે.
રેપીડ રિસ્પોન્સ સેલના હે.કો. સંદીપસિંહ ડી. ઝાલાએ ખુદ ફરિયાદી બની તમામ આરોપીઓ સામે પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે એક અંદાજ મુજબ રૂા.પ૦ લાખની કિંમતનો શરાબનો જથ્થો, છ વાહન, મોબાઈલ મળી કુલ રૂા.૭૫ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.