Site icon Gujarat Today

હિંમતનગરની ખાનગી હોસ્પિ.ના નવ ડોક્ટર સહિત ૩૬ કર્મીઓ હોમ ક્વોરન્ટાઈનમાં

હિંમતનગર, તા.૧૭
અરવલ્લી જિલ્લા ભિલોડા તાલુકાના કુશાલપુર ગામના એક ૭૦ વર્ષના વૃદ્ધ મહિલાને થોડા દિવસ અગાઉ હાર્ટએટેક આવતા તેમને સારવાર માટે હિંમતનગરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. દરમિયાન આ વૃદ્ધાને કોરોનાનો ચેપ લાગ્યો હોવાથી તેણીને અમદાવાદ મોકલી અપાયા હતા જ્યા આ વૃદ્ધાનું શુક્રવારે વહેલી સવારે મોત નિપજ્યું હતું. દરમિયાન આ હકીકતને લઈને સાબરકાંઠાના વહીવટી તંત્રએ તાબડતોબ હિંમતનગરની આ ખાનગી હોસ્પિટલના નવ ડોક્ટરો અને સહિત પેરામેડિકલ અને સ્વીપર સહિત ૩૬ કર્મચારીઓને શુક્રવારે હિંમતનગરની કોવિડ હોસ્પિટલમાં ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે.
વૃદ્ધાને સારવાર માટે હિંમતનગરની આવિષ્કાર હોસ્પિટલમાં સારવાર માટે રખાયા હોવાથી તંત્ર દ્વારા અગમચેતીના પગલા રૂપે શુક્રવારે આવિષ્કાર હોસ્પિટલના નવ ડોક્ટરો સહિત પેરામેડિકલ અને સ્વીપર મળી ૩૬ કર્મચારીઓને સહકારી જીન વિસ્તારમાં આવેલ કોવિડ હોસ્પિટલ (મેડિસ્ટાર)માં ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા હતા. જે અંગે ડો.વિપુલભાઈ જાનીએ જણાવ્યું હતું કે આવિષ્કાર હોસ્પિટલના સ્ટાફને ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યો છે. અને સરકારની ગાઈડ લાઈન્સ મુજબ આગળની કામગીરી કરાઈ રહી છે. જિલ્લા આરોગ્ય કેન્દ્રના અધિકારી ડો.ચિરાગભાઈ મોદીના જણાવાયા મુજબ સરકારની ગાઈડ લાઈન્સ મુજબ આવિષ્કાર હોલ્પિટલના સ્ટાફને ક્વોરન્ટાઈન કરાયા બાદ બપોર પછી તેમની તપાસ કરવામાં આવી હતી. જેમાં કોઈ શંકાસ્પદ વિગતો બહાર આવી નથી તેમ છતા આ કર્મચારીઓ પૈકી દર્દીના વધુ સંપર્કમાં આવેલા ડોક્ટર તથા પેરામેડિકલ સ્ટાફના સેમ્પલ લઈને તપાસ માટે મોકલી અપાશે

Exit mobile version