(એજન્સી) બૈરૂત, તા.ર૯
ઇઝરાયેલના હુમલામાં શહીદ થયેલા હસન નસરુલ્લાહના સ્થાને લડાકુ સંગઠન હિઝબુલ્લાહના નવા વડા તરીકે નઈમ કાસમની નિમણૂક કરવામાં આવી છે. ગઈકાલે સંગઠન દ્વારા નવા વડા તરીકે નઇમ કાસમના નામની જાહેરાત કરવામાં આવી હતી. તેઓ હસનની જગ્યાએ હવે સંગઠનની કમાન સંભાળશે. તેઓ લાંબા સમયથી હસન નસરુલ્લાહના સહાયક તરીકે કામગીરી કરી રહ્યા હતા અને એમની ગેરહાજરીમાં એટલે કે એમની શહીદી બાદ તેઓ સંગઠનના કાર્યકારી વડા તરીકે કામગીરી કરી રહ્યા હતા. આજે સંગઠનની સુરા કાઉન્સિલ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે શેખ નઈમ કાસમની સંગઠનના નવા વડા તરીકે નિમણૂક કરવામાં આવી રહી છે. જ્યાં સુધી આખરી વિજય ન મળે ત્યાં સુધી હસનની નીતિઓને ચાલુ રાખવાનો નિર્ધાર સંગઠન દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.