(એજન્સી) ઈન્દોર, તા.૨
મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક શો દરમ્યાન હિન્દુ દેવતાઓ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે અસભ્ય ટિપ્પણી કરવા બદલ ભાજપના એક ધારાસભ્યના પુત્રની ફરિયાદના આધારે ગુજરાતના સ્ટેન્ડ અપ કોમેડિયન મુન્નવર ફારૂકી અને અન્ય ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી, એમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે, ઈન્દોરના ૫૬ દુકાન વિસ્તારમાં આ કોમેડિ શો યોજાયો હતો. ભાજપના ધારાસભ્ય મલિની લક્ષ્મણ સિંહ ગોરના ૩૬ વર્ષીય પુત્ર એકલવ્ય સિંહ ગોરે આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ગોરે જણાવ્યું હતું કે, તેઓ અને તેના સહયોગીઓ આ શોમાં દર્શકો તરીકે ગયા હતા. જ્યાં કોમેડિયને આ મજાક ઉડાવી હતી. ગોર અને તેના સહયોગીઓએ કોમેડિયનની ટિપ્પણી સામે વાંધો નોંધાવ્યો હતો. તેમણે શો દરમ્યાન હંગામો પણ કર્યો હતો અને શો અટકાવવા પણ દબાણ કર્યું હતું. ઈન્દોરના ટુકોગંજ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ કમલેશ શર્માએ જણાવ્યું હતું કે, શુક્રવારે મોડી રાત્રે કોમેડિયન મુન્નવર ફારૂકી તેમજ અન્ય ચાર સામે પોલીસ કેસ નોંધવામાં આવ્યો હતો. મુન્નવર ફારૂકી ગુજરાતના જૂનાગઢ જ્યારે અન્ય ચાર લોકો ઈન્દોરના રહેવાસી છે. એકલવ્ય ગોરની લેખિત ફરિયાદના આધારે આ પાંચેય સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. ફરિયાદ સાથે વિવાદાસ્પદ વિડિયો પણ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પાંચેયની ધરપકડ કરવામાં આવી હતી. ફરિયાદ મુજબ, હિન્દુ દેવતાઓ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મજાક ઉડાવવામાં આવી હતી. ધરપકડ કરવામાં આવેલા અન્ય ચાર શખ્સોની ઓળખ એડવિન એન્થોની, પ્રહર વ્યાસ, પ્રિયમ વ્યાસ અને નલિન યાદવ તરીકે કરવામાં આવી હતી. તમામ લોકો સામે ભારતીય બંધારણની કલમ ૨૯૫-એ અને કલમ ૨૬૯ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.