Sports

હું યુવા ખેલાડીઓની ટીકા કરવામાં નથી માનતો એટલે કોમેન્ટ્રી નથી કરતો : યુવરાજ સિંહ

નવી દિલ્હી,તા.૨૧
ટીમ ઈન્ડિયાનો ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ખેલાડી યુવરાજ સિંહ લોકડાઉન દરમિયાન સોશિયલ મીડિયા પર છવાયેલો છે. તે પોતાના નિવેદનોના કારણે ઘણો ચર્ચામાં છે. તાજેતરમાં યુવરાજે સિંહે કહ્યું હતું કે ટીમ ઇન્ડિયામાં હાલ સિનિયર્સ ખેલાડીઓનું સન્માન નથી થતું. ત્યારે હવે યુવરાજ સિંહે વધુ એક ચોંકવનારો અને મોટો ખુલાસો કર્યો છે.
મીડિયા રિપોર્ટ મુજબ સોમવારે ઇન્સ્ટાગ્રામ પર મોહમ્મદ કૈફ સાથે લાઇવ ચેટ દરમિયાન યુવરાજ સિંહે નામ લીધા વગર પોતાના વિરોધી કોમેન્ટેટર્સ પર નિશાનો સાધ્યો છે. મોહમ્મદ કૈફે જ્યારે યુવરાજ સિંહને પૂછ્યું કે શું તે પણ કોમેન્ટ્રી કરવા અંગે વિચારી રહ્યો છે. ત્યારે જવાબ આપતા યુવીએ કહ્યું કે,‘કોમેન્ટ્રી બોક્સમાં તમે લોકો સહન કરી શકો છો, પરંતુ હું અમુક લોકોને સહન નથી કરી શકતો. જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે હું કરીશ કોમેન્ટ્રી.’
રિપોર્ટ પ્રમાણે આ સિવાય યુવરાજે કહ્યું કે,‘હું મોટી ટુર્નામેન્ટ્‌સમાં કોમેન્ટ્રી કરવા માંગુ છું. હું હંમેશા કોમેન્ટ્રી નથી કરી શકતો. મારી અંદર આટલી હિમ્મત નથી. હંમેશા ક્રિકેટની વાત કરવી મારી માટે શક્ય નથી.’ ઉપરાંત યુવીએ કહ્યું કે,‘હું યુવા ખેલાડીઓની ટીકા કરવી યોગ્ય સમજતો નથી. કારણ કે હું તેમની જગ્યાએ રહી ચૂક્યો છું. લોકો ટીકાઓ કરે છે તો મને દુઃખ થાય છે. આ પણ એક કારણ છે કે હું કોમેન્ટ્રી નથી કરવા માંગતો. પરંતુ મને કોચ બનવું પસંદ છે. હું કોમેન્ટ્રી કદાચ નહીં કરું. એક-બે વર્ષ પછી આ અંગે વિચાર કરીશ.’ આ લાઇવ ચેટ દરમિયાન યુવી અને મોહમ્મદ કૈફે સાથે રમેલી મેચ અને તે સમયને પણ યાદ કર્યો હતો.