૧૯૮૪ના શીખ વિરોધી રમખાણો દરમિયાન સરસ્વતી વિહાર વિસ્તારમાં બે વ્યક્તિઓની હત્યા સાથે સંબંધિત આ કેસ છે
(એજન્સી) તા.૭
દિલ્હીની એક કોર્ટે રાષ્ટ્રીય રાજધાનીના સરસ્વતી વિહાર વિસ્તારમાં બે વ્યક્તિઓની હત્યાના સંદર્ભમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જનકુમાર સામે ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણો હત્યા કેસમાં પોતાનો ચુકાદો ૧૨ ફેબ્રુઆરી સુધી મુલતવી રાખ્યો છે. ખાસ ન્યાયાધીશ કાવેરી બાવેજાએ ચુકાદો આગામી ૧૨ તારીખ સુધી મુલતવી રાખ્યો હતો. સરકારી વકીલ મનિષ રાવત દ્વારા કરવામાં આવેલી વધારાની રજૂઆતો સાંભળ્યા પછી ખાસ ન્યાયાધીશ બાવેજાએ ૩૧ જાન્યુઆરીએ ચુકાદો અનામત રાખ્યો હતો. આ પહેલા ફરિયાદ પક્ષે ૮ જાન્યુઆરીએ બચાવ પક્ષના વકીલ દ્વારા ઊઠાવવામાં આવેલા કેટલાક મુદ્દાઓ પર વધુ દલીલ કરવા માટે સમય માંગ્યો હતો. કુમાર હાલમાં શીખ વિરોધી રમખાણોના બીજા કેસમાં તિહાર જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. આ કેસ ૧ નવેમ્બર, ૧૯૮૪ના રોજ જસવંત સિંહ અને તેમના પુત્ર તરૂણદીપ સિંહની હત્યા સાથે સંબંધિત છે. પંજાબી બાગ પોલીસ સ્ટેશને કેસ નોંધ્યો હતો અને ત્યારબાદ તપાસ એક ખાસ તપાસ ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. ૧૬ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ કોર્ટે કુમાર સામે આરોપો ઘડ્યા હતા, જેમાં તેમની સામે ‘પ્રથમ દૃષ્ટિએ’ કેસ નોંધાયો હતો. ફરિયાદ પક્ષના જણાવ્યા મુજબ ઘાતક શસ્ત્રોથી સજ્જ એક વિશાળ ટોળાએ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યાનો બદલો લેવા માટે શીખોની મિલકતોનો મોટા પાયે લૂંટફાટ, આગચંપી અને નાશ કર્યો હતો. ફરિયાદ પક્ષનો આરોપ છે કે, ટોળાએ ફરિયાદી જસવંતની પત્નીના ઘર પર હુમલો કર્યો હતો, જેમાં તેના પતિ અને પુત્રની હત્યા કરી હતી, ઉપરાંત વસ્તુઓ લૂંટી લીધી હતી અને તેમના ઘરને આગ લગાવી દીધી હતી. કુમાર પર કેસ ચલાવતા કોર્ટના આદેશમાં ‘પ્રથમ દૃષ્ટિએ અભિપ્રાય છે કે, તે માત્ર સહભાગી જ નહોતા પણ ટોળાનું નેતૃત્વ પણ કર્યું હતું’ તેવું પ્રસ્થાપિત કરવા માટે પૂરતી સામગ્રી મળી. ૩૧ ઓકટોબર, ૧૯૮૪ના રોજ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની તેમના બે શીખ અંગરક્ષકો દ્વારા હત્યા બાદ ફાટી નીકળેલા શીખ વિરોધી રમખાણોમાં લગભગ ૩૦૦૦ લોકો, જેમાં મોટાભાગે શીખ હતા, માર્યા ગયા હતા. કુમાર (૭૯) ૩૧ ડિસેમ્બર, ૨૦૧૮ના રોજથી જેલમાં છે, જ્યારે તેમણે દક્ષિણ પશ્ચિમ દિલ્હીના પાલમ કોલોનીમાં રાજ નગર ભાગ-૧ વિસ્તારમાં ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણો સંબંધિત બીજા કેસમાં દિલ્હી હાઇકોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા બાદ અને આજીવન કેદની સજા ફટકારવામાં આવ્યા બાદ આત્મસમર્પણ કર્યું હતું, જેમાં ૧-૨ નવેમ્બર, ૧૯૮૪ના રોજ પાંચ શીખોની હત્યા કરવામાં આવી હતી અને રાજ નગર ભાગ-૨માં એક ગુરૂદ્વારા સળગાવી દેવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપવાનો ઇન્કાર કર્યો છે.