દિલ્હી પોલીસે અદાલતને જણાવ્યું કે, ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોના સંદર્ભમાં નોંધાયેલા ૬૫૦ કેસમાંથી ફક્ત ૩૬૨ કેસોમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી
(એજન્સી) તા.૧૧
રાષ્ટ્રીય રાજધાનીમાં ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોના કેસોમાં નિર્દોષ છૂટકારા સામે અપીલ દાખલ ન કરવા અંગે દિલ્હી પોલીસને ગંભીર પ્રશ્નો પૂછતા સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું કે, આ કાર્યવાહી ગંભીરતાથી થવી જોઈએ. જસ્ટિસ અભય એસ. ઓકાની આગેવાની હેઠળની બેન્ચે દિલ્હી પોલીસનું પ્રતિનિધિત્વ કરતા એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીને કહ્યું કે, ઘણા કેસોમાં તમે દિલ્હી હાઇકોર્ટ દ્વારા પસાર કરાયેલા આદેશને પડકાર્યો નથી. SLP દાખલ કરવાથી હેતુ પૂરો થતો નથી. તમે અમને કહો કે અગાઉ દાખલ થયેલા કેસોમાં શું કોઈ વરિષ્ઠ વકીલો દલીલ કરવા માટે રોકાયેલા હતા ? તે કામ ગંભીરતાથી થવું જોઈએ, ફક્ત કરવા ખાતર નહીં. તે ગંભીરતાથી અને નિષ્ઠાપૂર્વક કરવું જોઈએ. અમે એવું નથી કહેતા કે પરિણામ ચોક્કસ રીતે આવવું જોઈએ. આ બેન્ચમાં જસ્ટિસ ઉજ્જલ ભૂયાન પણ સામેલ હતા, શિરોમણી ગુરૂદ્વારા પ્રબંધક સમિતિના પૂર્વ સભ્ય કાહલોન દ્વારા દાખલ કરાયેલી પીઆઈએલની સુનાવણી કરી રહ્યા હતા જેમની અરજી પર સુપ્રીમ કોર્ટે ૨૦૧૮માં ન્યાયાધીશ (નિવૃત્ત) એસ.એન. ઢીંગરાના નેતૃત્વમાં એક એસઆઈટીની રચના કરી હતી, જેમાં ૧૯૯ કેસોની તપાસ બંધ કરી દેવામાં આવી હતી. કોર્ટની ટિપ્પણીઓ વરિષ્ઠ વકીલ એચ.એસ. ફૂલકા દ્વારા રમખાણોના પીડિતો વતી આરોપ લગાવ્યા બાદ આવી છે કે, દિલ્હી પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલો માત્ર એક ઔપચારિકતા હતી. દિલ્હી હાઇકોર્ટે ચુકાદો આપ્યો હતો કે, આ કેસને ઢાંકવામાં આવ્યો હતો અને રાજ્યએ યોગ્ય રીતે કેસ ચલાવ્યો ન હતો. ભાટીએ જણાવ્યું હતું કે, છ કેસોમાં અપીલ દાખલ કરવા માટે પત્રો લખવામાં આવ્યા હતા, તેથી બેન્ચે આ મામલાની વધુ સુનાવણી આગામી સોમવાર એટલે કે ૧૭ ફેબ્રુઆરીના રોજ મુલતવી રાખી છે. ૩૧ ઓકટોબર, ૧૯૮૪ના રોજ તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા બાદ ફાટી નીકળેલા શીખ વિરોધી રમખાણોમાં લગભગ ૩૦૦૦ લોકો માર્યા ગયા હતા. પુરાવાના અભાવે દિલ્હી પોલીસે ફરીથી ટ્રાયલનો ઇન્કાર કર્યો છે. એક નવા સ્ટેટસ રિપોર્ટમાં દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોના સંબંધમાં નોંધાયેલા ૬૫૦ કેસમાંથી ફક્ત ૩૬૨ કેસોમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી અને ફક્ત ૩૯ કેસોમાં જ દોષિત ઠેરવવામાં આવ્યા હતા જ્યારે બાકીના ૩૨૩ કેસોમાં આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. તેમાં કહેવામાં આવ્યું છે કે, એવો કોઈ કેસ નથી જેમાં ટ્રાયલ પેન્ડિંગ હોય. સ્ટેટસ રિપોર્ટ મુજબ ૨૬૭ કેસ અજ્ઞાત રહ્યા અને ૨૬૬ કેસોમાં કોર્ટે તેને સ્વીકાર કર્યો જ્યારે બાકીનો એક કેસ જે પોલીસ સ્ટેશન સુલતાનપુરીનો છે, તે દિલ્હી સરકાર પાસે અભિપ્રાય માટે પેન્ડિંગ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ૧૮ કેસ રદ કરવામાં આવ્યા હતા જ્યારે બે કેસ અન્ય કેસ સાથે જોડવામાં આવ્યા હતા. નાંગલોઈના એક કેસની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી હતી, જેણે ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો અને ૧૨ ડિસેમ્બર, ૨૦૧૭ના રોજ એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જિતેન્દ્ર સિંહ દ્વારા તેને સ્વીકારવામાં આવ્યો હતો. કાહલોન દ્વારા દાખલ કરાયેલી અરજી પર કાર્યવાહી કરતા સુપ્રીમ કોર્ટે જાન્યુઆરી ૨૦૧૮માં ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોના ૧૮૬ કેસોની ફરીથી તપાસ કરવા માટે ન્યાયાધીશ (નિવૃત્ત) એસ.એન. ઢીંગરાના નેતૃત્વમાં એક વિશેષ તપાસ ટીમ (SIT)ની નિમણૂક કરી હતી. ૨૭ જાન્યુઆરીએ ફૂલકાએ SIT રિપોર્ટના આધારે એક ટેબ્યુલેટેડ ચાર્ટ રજૂ કર્યો હતો જેમાં દિલ્હી પોલીસની નિષ્ક્રિયતા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, છ વ્યક્તિઓની હત્યાની ક્યારેય તપાસ કરવામાં આવી ન હતી અને ઓછામાં ઓછા બે કેસમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી, પરંતુ એક કેસમાં કેસ રદ કરવા સામે કોઈ SLP દાખલ કરવામાં આવી ન હતી. તેમણે કહ્યું હતું કે, જે SHOએ કથિત રીતે શીખોની લાઇસન્સવાળી બંદૂકો છીનવી લીધી હતી અને શીખો પર હુમલો કરવા માટે ટોળાને ઈશારો કર્યો હતો તેને છઝ્રઁના હોદ્દા પર બઢતી આપવામાં આવી હતી.