National

૨૦૨૦ દિલ્હી હિંસા : ૨૯૪ FIR, ૮૦૦થી વધુ લોકોની ધરપકડ, પોલીસ હજી વધુ શકમંદોને શોધી રહી છે

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૪
જ્યારે સમગ્ર દેશ કોવિડ-૧૯ સાથે લડવામાં વ્યસ્ત છે ત્યારે દિલ્હી પોલીસે ફેબ્રુઆરી ૨૦૨૦માં ઉત્તર પૂર્વ દિલ્હીમાં થયેલા રમખાણોના કેસો સાથે સંકળાયેલા લોકોની ધરપકડનું અભિયાન શરૂ કર્યું છે. પોલીસે અત્યાર સુધીમાંં પશ્ચિમ ઉત્તરપ્રદેશ સહિત અનેક સ્થળોએથી ૮૦૦થી વધુ લોકોની ધરપકડ કરી છે. આમાંથી મોટાભાગના લોકો મુસ્લિમ છે. જો કે, આ રમખાણોમાં મુસ્લિમોને જ જાનમાલનું સૌથી વધુ નુકસાન વેઠવું પડ્યું હતું. ક્રાઈમ બ્રાંચે તેની હસ્તક રહેલા હત્યાના ૪૨ કેસોમાં ૧૮૨ શકમંદોની ધરપકડ કરી છે જ્યારે ઉત્તરપૂર્વ જિલ્લા પોલીસે રમખાણો સંબંધિત અન્ય કેસોમાં ૬૨૦ લોકોની ધરપકડ કરી છે. પોલીસ હજી વધુ શકમંદોને શોધી રહી છે. આ રમખાણોમાં ૫૩ લોકોની હત્યા થઈ હતી જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા હતા. આ રમખાણોમાં જીવ ગુમાવનાર ૫૩ લોકોમાંથી ૩૬ મુસ્લિમ હતાં જ્યારે ૧૫ હિન્દુ હતાં. આ ઉપરાંત હજી ૩૦ લોકો ગુમ છે. સામાજિક કાર્યકરો મુજબ રમખાણો દરમ્યાન ઘરો સળગાવી દેવામાં આવતા ૫૦૦૦થી વધુ લોકો વિસ્થાપિત થયા હતા. અને લોકડાઉનના કારણે તેમના ઘરોનું રિપેરીંગ કામ ન થઈ શકતા તેઓ હજુ સુધી પાછા ફરી શક્યાં નથી. નોંધનીય છે કે, તાજેતરમાં જ વિવિધ મુસ્લિમ સંગઠનોના અગ્રણીઓએ દિલ્હી પોલીસ કમિશનરને અપીલ કરી હતી કે લોકડાઉન દરમ્યાન મુસ્લિમોની હેરાનગતિ કરવામાં ન આવે. આ મુસ્લિમ આગેવાનોએ પોલીસવડાને કહ્યું હતું કે, પોલીસ દિલ્હીમાં સી.એ.એ. / એન.આર.સી. વિરોધી દેખાવોમાં ભાગ લેનારા મુસ્લિમ યુવકો અને કર્મશીલો વિરૂદ્ધ રમખાણોના કેસ દાખલ કરી રહી છે. શકમંદોને નવ પોલીસ સ્ટેશનોમાં દાખલ કરવામાં આવેલી ૨૯૪ એફ.આઈ.આર. સંદર્ભે શકમંદોની ધરપકડ કરવામાં આવી રહી છે. આ નવ પોલીસ સ્ટેશનોની હદમાં રમખાણો થયાં હતાં, જેમાં ખુરેજી ખાસ, વેલકમ, નવા ઉસ્માનપુર, ભજનપુરા, જાફરાબાદ, દયાલપુર, જ્યોતિનગર, ગોકુલપુરી અને કરાવાલનગર સામેલ છે.