Sports

૨૫ વર્ષ બાદ પ્રથમ વાર ભારતે દ. આફ્રિકામાં વનડે શ્રેણી જીતી

પોર્ટ એલિઝાબેથ,તા. ૧૪
પોર્ટ એલિઝાબેથ મેદાન ખાતે રમાયેલી છ વનડે મેચોની શ્રેણીની પાંચમી વન ડે મેચમાં ભારતે જોરદાર દેખાવ કરીને યજમાન આફ્રિકા પર ૭૩ રને શાનદાર જીત મેળવી હતી. આની સાથે જ ભારતે ૨૫ વર્ષમાં પ્રથમ વખત વનડે શ્રેણી જીતવામાં સફળતા મેળવી હતી. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમે નવો ઇતિહાસ સર્જયો હતો. ભારતીય ખેલાડીઓએ આફ્રિકાને તેની જમીન પર જ હાર આપીને શ્રેણી ૪-૧થી જીતી લીધી હતી. આફ્રિકામાં વનડે શ્રેણી જીતનાર કોહલીની ટીમ પ્રથમ ભારતીય ટીમ બની ગઇ હતી. દુનિયાની નંબર વન ટીમે સાબિતી આપી હતી કે તે શા માટે નંબર વન છે અને આ સ્થાન પર કેમ પહોંચ છે. જીતમાં કોહલીની ભૂમિકા મોટી ન હતી. તે ૩૬ રન કરીને આઉટ થયો હતો. જો કે બાકીની મેચોમાં તેની ભૂમિકા નિર્ણાયક રહી હતી. કોહલી દક્ષિણ આફ્રિકામાં વનડે શ્રેણી જીતનાર પ્રથમ ભારતીય કેપ્ટન પણ બની ગયોછે. પોર્ટ એલિઝાબેથ ખાતે રમાયેલી મેચમાં ભારતે પ્રથમ બેટિગ કરતા નિર્ધારિત ૫૦ ઓવરમાં સાત વિકેટે ૨૭૪ રન કર્યા હતા. ભારત તરફથી શાનદાર ફોર્મ હાંસલ કરીને રોહિત શર્માએ ફરી સદી કરી હતી. તે ૧૨૬ બોલમાં ૧૧ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી ૧૧૫ રન કરીને આઉટ થયો હતો. જવાબમાં આફ્રિકાની ટીમ ૪૨.૨ ઓવરમાં ૨૦૧ રન કરીને આઉટ થઇ ગઇ હતી. ભારતને દક્ષિણ આફ્રિકામાં શ્રેણી જીતવા માટે ખુબ ઇન્તજાર કરવાની ફરજ પડી છે. ભારતે વર્ષ ૧૯૯૨માં આફ્રિકાનો પ્રથમ વખત પ્રવાસ કર્યો હતો. બીજી બાજુ દક્ષિણ આફ્રિકાએ ટેસ્ટ શ્રેણી જીત્યાબાદ માનવામાં આવી રહ્યુ હતુ કે ભારતીય ટીમ વનડેમાં પણ હારશે પરંતુ દબાણ હેઠળ ટીમ ઇન્ડિયાએ જોરદાર વાપસી કરી હતી. ભારતીય ટીમના શાનદાર દેખાવના કારણે દેશના કરોડો ચાહકોમાં ખુશીનુ મોજુ ફરી વળ્યુ છે.