Ahmedabad

૨૬ વર્ષની ઉંમરે ભરૂચથી રાજકીય કારકિર્દીની શરૂઆત કરનાર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ગાંધી પરિવારના વિશ્વાસુ રહ્યા

રાજકીય પરિવારમાંથી આવતા હોવા છતાં તેમના સંતાનોને રાજકારણથી દૂર રાખ્યા

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૨૫
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલ હવે આ દુનિયામાં રહ્યા નથી. જો કે, તેઓ છેલ્લે સુધી ગાંધી પરિવારના ભરોસાપાત્ર રહ્યા હતા. કોંગ્રેસમાં મજબૂત પક્કડ બનાવી રાખનાર અહમદ પટેલ ખૂબ જ શરમાળ પ્રકારના નેતા હતા અને છેલ્લા ચાર દશકાથી વધુ લાંબા રાજકીય કારકિર્દી છતાં તેમણે પોતાના પરિવારને રાજકારણથી દૂર રાખ્યો હતો. સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર રહેલા અહમદ પટેલ પોતે એક રાજકીય પરિવારમાંથી આવતા હતા. તેમણે ૧૯૭૬માં ગુજરાતના ભરૂચથી સ્થાનિક ક્ષેત્રે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી અને ઝડપથી જ તેઓ ઈન્દિરા ગાંધીના નજીકના બની ગયા હતા. બાદમાં તેઓ રાજીવ ગાંધીની નજીકના અને ખાસ રહ્યા હતા. શરમાળ સ્વભાવ ધરાવતા અને મૃદુભાષી અહેમદ પટેલની રાજકીય કારકિર્દી ખૂબ જ સફળ રહી હતી. જો કે, રાજકીય બાબતોથી તેમણે પરિવારને દૂર રાખ્યો છે. પુત્ર ફૈઝલ પટેલ રાજકારણથી દૂર રહ્યા છે અને તેમનો બિઝનેસ છે. તેમની પુત્રી મુમતાજ પટેલના લગ્ન વકીલાત કરનાર ઈરફાન સિદ્દીકીની સાથે થયા છે. મોહમ્મદ ઈશાકજી પટેલ અને હવાબેન મોહમ્મદભાઈના ઘરમાં ૧૯૪૯માં જન્મેલા અહમદ પટેલના પિતા પણ કોંગ્રેસમાં હતા. પિતા ભરૂચ તાલુકા પંચાયતના સભ્ય હતા અને ક્ષેત્રમાં નામાંકિત નેતા હતા. અહમદ પટેલની રાજકીય કારકિર્દી બનાવવામાં પિતાની ખૂબ મદદ મળી હતી. ઈન્દિરા ગાંધીની હત્યા પછી રાજીવ ગાંધી ૧૯૮૪માં લોકસભાની ૪૦૦ સીટની બહુમતી સાથે સત્તામાં આવ્યા એ સમયે અહમદ પટેલ સાંસદ હોવા ઉપરાંત તેમને પાર્ટીના સંયુક્ત સેક્રેટરી બનાવવામાં આવ્યા હતા. બાદમાં તેમને કોંગ્રેસના જનરલ સેક્રેટરી પણ બનાવવામાં આવ્યા હતા. અહમદ પટેલનું કદ માત્ર એટલા માટે નથી કે તેઓ ત્રણ વખત લોકસભામાં કોંગ્રેસના સાંસદ રહ્યા અને પાંચ વખત કોંગ્રેસ તરફથી રાજ્યસભા સાંસદ રહી ચૂક્યા છે. તેમને આ કદ ગાંધી પરિવાર સાથેની નજીકતાથી પ્રાપ્ત થયું છે. વર્ષ ૧૯૭૭માં જ્યારે હારના ઘાનો સામનો કરી રહેલાં ઈન્દિરા ગાંધીને અહમદ પટેલ અને તેમના સાથી સનત મહેતાએ પોતાના ચૂંટણીક્ષેત્ર ભરૂચમાં બોલાવ્યા ત્યારથી ઈન્દિરા ગાંધીની પરત ફરવાની કહાનીની શરૂઆત થઈ હતી. જો કે, અહમદ પટેલ કોંગ્રેસની પ્રથમ પંક્તિમાં ૧૯૮૦ અને ૧૯૮૪ની વચ્ચે આવ્યા, જ્યારે ઈન્દિરા ગાંધી પછી જવાબદારી સંભાળવા માટે પુત્ર રાજીવ ગાંધીને તૈયાર કરવામાં આવી રહ્યા હતા. ત્યારે શરમાળ સ્વભાવના અહમદ પટેલ રાજીવ ગાંધીની નજીક આવ્યા. જો કે, નરસિમ્હા રાવ વડાપ્રધાન બન્યા તો ગાંધી પરિવારની નજીક હોવા છતાં તેમને સાઈડલાઈન કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય સિવાય અહમદ પટેલને તમામ પદો પરથી હટાવવામાં આવ્યા. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે રાજીવ ગાંધી ફાઉન્ડેશનને બજેટમાંથી ૨૦ કરોડ રૂપિયાનું ફન્ડ આપ્યું હતું. જો કે, સોનિયા ગાંધીએ એનો અસ્વીકાર કર્યો અને અહમદ પટેલના ખભે રાજીવ ગાંધી ફાઉન્ડેશન માટે ફંડ એકત્રિત કરવાની જવાબદારી આવી પડી હતી. તત્કાલીન વડાપ્રધાન નરસિમ્હા રાવે મંત્રીપદની ઓફર કરી તો એને પટેલે વિનમ્રતાથી ઠુકરાવી દીધી હતી. અહમદ પટેલ ગુજરાતમાંથી લોકસભા ચૂંટણી પણ હારી ગયા અને તેમને સરકારી રહેઠાણ ખાલી કરવા માટે સતત નોટિસ મળવા લાગી. તેમના મિત્ર નજમા હેપતુલ્લાએ ઘણાં સરકારી રહેઠાણોના વિકલ્પો શોધ્યા. જો કે, એના માટે રાવ સરકારની મંજૂરી મળે એ જરૂરી હતું. અહમદ પટેલે નજમા હેપતુલ્લાનો આભાર માન્યો, પરંતુ મદદ સ્વીકાર કરવાનો ઈન્કાર કર્યો. પટેલના સમર્થકો કહે છે કે, જો નજમા હેપતુલ્લાની મદદ તેઓ સ્વીકારી લેત તો એનો અર્થ થાત કે નરસિમ્હા રાવ પાસે મદદ માગવી. એમ કહેવામાં આવે છે કે, એક વખત તેમણે તિરસ્કારની રીતે કહ્યું હતું કે, તે વ્યક્તિ પાસે હું મદદ માગું ? અહમદ પટેલ ખૂબ ધાર્મિક હોવાનું કહેવામાં આવે છે. આ પણ એક કારણ હતું કે તેઓ નરસિમ્હા રાવના સમયમાં તેઓ પોતાને અળગા અનુભવતા હતા. પટેલ બાબરી મસ્જિદ વિધ્વંસમાં નરસિમ્હા રાવની ભૂમિકાને ક્યારેય માફ કરી શક્યા નહીં.

અહેમદ પટેલની ચાર દાયકાની રાજકીય સફર
૧૯૭૬માં ભરૂચમાં તાલુકા પંચાયતના સભ્ય બન્યા.
૧૯૭૭માં ૨૬ વર્ષની વયે લોકસભાના સાંસદ બન્યા.
૧૯૭૭થી ૧૯૮૨ સુધી ગુજરાત યુથ કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા.
૧૯૮૩થી ૧૯૮૪ સુધી AICC જોઈન્ટ સેક્રેટરી રહ્યા.
૧૯૮૫થી ૧૯૮૬ સુધી AICC માં જનરલ સેક્રેટરી રહ્યા.
૧૯૮૫માં પૂર્વ પીએમ રાજીવ ગાંધીના સંસદીય સચિવ બન્યા.
૧૯૮૬માં ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ બન્યા.
૧૯૯૧માં કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં સ્થાન.
૧૯૯૬માં AICC ના કોષાધ્યક્ષ બન્યા.
૨૦૦૦માં સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર બન્યા.
૨૦૦૬માં વકફ સંયુક્ત સંસદીય સમિતિના સભ્ય રહ્યા.
ગુજરાત કોંગ્રેસ કમિટીના સૌથી યુવા અધ્યક્ષ બન્યા હતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadGujarat

    વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

    રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
    Read more
    Ahmedabad

    અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચતા જ ATSએ તેમની કરી ધરપકડISIS સાથે સંકળાયેલ શ્રીલંકાના ચાર શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી લેવાયા

    ATSના ડીવાયએસપીને ૧૮ મેએ બાતમી મળ…
    Read more
    AhmedabadGujarat

    માવઠાના માર બાદ અગનભઠ્ઠીમાં શેકાયું ગુજરાત : સુરેન્દ્રનગરમાં પારો ૪૪.૭ ડિગ્રી

    ડીસામાં ૪૪.૪, અમદાવાદમાં ૪૪.ર અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.