અંકલેશ્વરની આદર્શ શાળા દ્વારા ૮૦૦ કરતાં વધુ વિદ્યાર્થીઓની ૧૬ લાખની ફી માફ કરી દેવાઈ

અંકલેશ્વર, તા.૧પ
અંકલેશ્વરની લાયન્સ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓના એક કરોડ ૨૦ લાખ રૂપિયા એક સત્રની ટ્યૂશન સિવાય અન્ય સ્કૂલ ફી માફ કરી વાલી જગત માટે રાહત કરી હતી. અંકલેશ્વરની વધુ એક સ્કૂલ જગત માટે રાહતરૂપ સમાચાર લાવી છે. અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક આવેલ ક્રિશિકા ટ્રસ્ટ સંચાલિત આદર્શ અંગ્રેજી માધ્યમ શાળા દ્વારા વિદ્યાર્થીઓની સંપૂર્ણ ત્રણ મહિનાની ફી માફ કરી આપી છે. નર્સરીથી લઈ ધો.૮ સુધી અભ્યાસ કરતા ૮૯૪ વિદ્યાર્થિની ત્રણ મહિનાની સ્કૂલ ફી રૂા.૧૬ લાખ દસ હજાર માફ કરી શિક્ષણ વેપાર નહીં પરંતુ સેવાનું કાર્ય છે તે સાબિત કરી બતાવ્યું છે. વધુમાં ટ્રસ્ટી ગણ મીડિયાને માહિતી આપતા ઉમેરે છે કે, શાળામાં એડમિશન (પ્રવેશ) મેળવનાર વિદ્યાર્થીને પણ ત્રણ મહિનાની ફી માફ કરી આપવાની જાહેરાત કરી હતી. તેમજ કોરોના વાયરસને લઈને ચાલી રહેલ ઓનલાઈન ક્લાસીસની સેવા પણ નિઃશુલ્ક આપવામાં આવશે. ટ્રસ્ટીગણ વધુ માહિતી આપતા જણાવે છે કે, શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના માતા-પિતા મૃત્યુ પામ્યા હોય તો તેનો તમામ અભ્યાસ ખર્ચ પણ ટ્રસ્ટી ગણ ઊઠાવશે. ટ્રસ્ટી મંડળના પ્રમુખ જીતેન્દ્ર કુમાર ઉર્ફે વિક્રમ સર દ્વારા જણાવ્યા મુજબ અમારો ઉદ્દેશ વિદ્યાર્થી અભ્યાસ કરી સારી કારકિર્દી બનાવી પોતે સક્ષમ થાય તે જ છે. જો કે, શાળા દ્વારા ત્રણ મહિનાની ફી માફી મુદ્દે જાહેરાત કરવામાં આવતાં શાળાના ટ્રસ્ટીના પૂર્વ વિદ્યાર્થી તોફાની બિંદ તેમજ કામદાર સમાજના અગ્રણી રજનીશસિંઘ દ્વારા શાળાના ટ્રસ્ટીને ફૂલહાર પહેરાવી તેમના આ કાર્ય બદલ શુભેચ્છા પાઠવી હતી અને સન્માનિત કરી ટ્રસ્ટીગણનો ઉત્સાહ વધાર્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks