શ્રદ્ધાળુઓ માટે ઠંડા પીણાની વ્યવસ્થા કરાઈ
(સંવાદદાતા દ્વારા)
અંકલેશ્વર, તા.૧૬
અંકલેશ્વર શહેરમાં આજે અષાઢી બીજની રથયાત્રા હર્ષોલ્લાસ અને ભક્તિસભર માહોલમાં નીકળી હતી. આ પર્વે શહેરમાં કોમી એકતા અને ભાઈચારાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. રથયાત્રા જ્યારે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને સેલારવાડ વિસ્તારમાં પહોંચી, ત્યારે ત્યાંના મુસ્લિમ સમાજ ના યુવાનો દ્વારા રથયાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુસ્લિમ બિરાદરોએ રથયાત્રામાં જોડાયેલા હજારો શ્રદ્ધાળુઓ માટે ગરમીમાં રાહત આપતા ઠંડા પીણાંની સુંદર વ્યવસ્થા કરી હતી. આ પ્રસંગે હિન્દુ અને મુસ્લિમ ભાઈઓએ એકબીજાને ગળે મળીને રથયાત્રાની શુભેચ્છાઓ પાઠવી હતી, જેનાથી સમગ્ર વિસ્તારમાં કોમી સૌહાર્દની સુવાસ પ્રસરી ગઈ હતી. આ પ્રસંગે સ્થાનિક મુસ્લિમ આગેવાન વસીમ ફડવાલાએ જણાવ્યું હતું કે, “અમારા શહેરમાં અને સમગ્ર દેશમાં હંમેશાં કોમી એકતા અને શાંતિનો માહોલ જળવાઈ રહે તે ખૂબ જરૂરી છે. આવનારા તમામ તહેવારો હિન્દુ-મુસ્લિમ ભાઈઓ સાથે મળીને હર્ષોલ્લાસથી ઉજવે અને પરસ્પર પ્રેમ તથા ભાઈચારો જળવાઈ રહે તેવી અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ.” આ ભગીરથ સેવામાં મુસ્લિમ સમાજના આગેવાનો વસીમ ફડવાલા, મુસ્તાક ચીકીવાલા, શૌકત ચીકીવાલા, સાદિક શેખ, જાનુ લસ્સીવાળા, સાદીકભાઈ લારીવાલા, જબ્બાર ભાઈ મંડપવાળા, શબ્બીર ગેરેજવાળા તેમજ સેલારવાડ યંગ કમિટીના ઉત્સાહી યુવાનોએ ખડેપગે હાજર રહીને પ્રશંસનીય સેવા આપી હતી. અંકલેશ્વરની આ પરંપરાએ સાબિત કર્યું છે કે તહેવારો ભલે ગમે તે ધર્મના હોય, પણ માનવતા અને ભાઈચારો જ સાચો ધર્મ છે.