અંકલેશ્વરમાં મેઘાના વિરામ બાદ સ્થાનિકોએ જાતે જ સફાઈ હાથ ધરી

 

અંકલેશ્વર, તા.૨૪
અંકલેશ્વરમાં બારે મેઘ ખાંગા થતાં માત્ર બે કલાકમાં ૫ ઈંચ જેટલો વરસાદ વરસી જતાં સમગ્ર શહેર જળબંબાકાર બની ગયું હતું. વરસાદે વિરામ લીધા બાદ હવે લોકોએ પાલિકાતંત્રની રાહ જોયા વિના જાતે જ સાફ-સફાઈ શરૂ કરી દીધી છે. અંકલેશ્વરમાં વરસેલાં ૫ ઈંચ કરતાં વધારે વરસાદે નોટીફાઈડ એરિયા તથા નગરપાલિકાની પ્રિમોનસૂન કામગીરીની પોલ ખોલી નાંખી હતી. ભારે વરસાદના કારણે ગટરો ચોકઅપ થઈ જતાં મોટાભાગના વિસ્તારોમાં ઘૂંટણસમાણા પાણી ભરાય ગયા હતા. નીચાણવાળા વિસ્તારમાં રહેતાં લોકોને ઘરોમાંથી પાણી ઉલેચવાની પણ ફરજ પડી હતી. અંકલેશ્વરના હાંસોટ રોડ પર આવેલી જલારામનગર તેમજ આસપાસ આવેલી સોસાયટીમાં પણ પાણીનો ભરાવો થયો હતો. ગુરૂવારના રોજ વરસાદે વિરામ લેતાં સોસાયટીના રહીશોએ જાતે જ સાફ-સફાઈ શરૂ કરી દીધી હતી. જ્યારે અંકલેશ્વર શહેરમાં ગતરોજ મેઘાના રૌદ્ર સ્વરૂપને પગલે ત્રણ રસ્તા સ્થિત માર્કેટ કમિટી શોપિંગના બેઝમેન્ટમાં આવેલ અંદાજિત ૩૦થી ૪૦ દુકાનોમાં ચિક્કાર પાણી ભરાઈ જતાં વેપારીઓને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું. જ્યાં પાણી ભરાતા બપોરથી રાત સુધી પાણીને કાઢવા માટે મશીનો મૂકી પાણી કધાયું હતું. ત્યારબાદ આજરોજ દુકાનોમાં ગંદકી અને કિચડ સાફ કરવા દુકાનદારો જાતે સાફ સફાઈ શરૂ કરી હતી. આવી જ પરિસ્થિતિ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં ઘરો તથા દુકાનોમાં ઊભી થતાં ત્યાં પણ સ્થાનિક રહીશોએ સાફ-સફાઈ હાથ ધરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks