અંકલેશ્વર, તા.૬
અંકલેશ્વરની રાજપીપલા ચોકડી પાસે આવેલ પાર્કિંગમાંથી ગત ફેબ્રુઆરી માસમાં ૬ લાખની કિંમતના ટ્રેલરની થયેલ ચોરીમાં વડોદરાના બે રિઢા વાહન ચોરોને શહેર પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વરની મીરાનગરમાં રહેતા ટ્રેલર ચાલક રાધેશ્યામ ચૌહાણે ગત તા.૫મી ફેબ્રુઆરીના રોજ પોતાનું ટ્રેલર રાજપીપલા ચોકડી નજીક આવેલ પાર્કિંગમાં પાર્ક કર્યું હતું. દરમ્યાન ટ્રેલરની ચોરી થતાં રાધેશ્યામ ચૌહાણે અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. શહેર પોલીસે ૬ લાખની કિંમતના ટ્રેલરની ચોરી અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમ્યાન અમદાવાદ ક્રાઈમ બ્રાંચ પોલીસે મોટા વાહનોની ચોરીમાં વડોદરાના બદરૂદ્દીન ઉર્ફે અનવર મયુદ્દીન સૈયદ અને અબ્દુલ કાદર અસલમ દીવાનની ધરપકડ કરી હતી. બંનેની સઘન પૂછપરછ દરમ્યાન તેઓએ અંકલેશ્વરની રાજપીપલા ચોકડી પાસેના પાર્કિંગમાંથી ટ્રેલરની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે અંકલેશ્વર શહેર પોલીસને જાણ કરતા શહેર પોલીસે બદરૂદ્દીન ઉર્ફે અનવર મયુદ્દીન સૈયદ અને અબ્દુલ કાદર અસલમ દીવાનનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.