(એજન્સી) તા.૧
સુપ્રીમ કોર્ટે ગત સોમવારે જેમને કોર્ટની અવમાનનાના આરોપસર દોષિત ઠરાવી રૂા.૧નો દંડ કર્યો હતો તે ખ્યાતનામ એડવોકેટ અને સામાજિક કાર્યકર એવા પ્રશાંત ભૂષણની સાથે સુપ્રીમ કોર્ટમાં જ્યારે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે દેશનું અંગ્રેજી પ્રિન્ટ મીડિયા પ્રશાંત ભૂષણની સાથે અડીખમ દિવાલ બનીને ઊભું હતું અને તેમને જરૂરી એવો તમામ સાથ-સહકાર અને ટેકો આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ સર્વશ્રી અરૂણ મિશ્રા, બી. આર. ગવઇ અને ક્રિશ્ના મુરારીની બેન્ચે પ્રશાંત ભૂષણને કોર્ટનું અપમાન કરવા બદલ રૂા.૧નો દંડ કર્યો હતો અને સાથે એવી તાકીદ પણ કરી હતી કે જો ભૂષણ ૧૫ સપ્ટેમ્બર સુધી આ દંડની રકમ ભરવામાં નિષ્ફળ જશે તો તેમને ત્રણ મહિનાની કેદની સજા કરવામાં આવશએ અને આગામી ત્રણ વર્ષ સુધી વકીલાત કરવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવશે.
પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટની ટીકા કરતી બે ટિ્વટ કરી હતી જેના કારણે તેમની સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી શરૂ કરાઇ હતી. કોર્ટ કાર્યવાહી દરમ્યાન કોર્ટે તેમને દોષિત પણ ઠરાવ્યા હતા પરંતુ તે સાથે તેમને માફી માંગી લેવાની પણ વાત કરી હતી. જો કે, સિદ્ધાંતોના પાક્કા એવા ભુષણે પોતાની ટિ્વટ બદલ માફી માંગવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો તે સમયે દેશના ચાર પ્રતિષ્ઠિત અંગ્રેજી અખબારો, ધ હિન્દું, ધ ટાઇમ્સ ફ ઇન્ડિયા, હિંદુસ્તાન ટાઇમ્સ અને ઇન્ડિયન એક્સપ્રેસે પ્રશાંત ભુષણને મજબૂત ટેકો અને સમર્થન આપ્યા હતા.
આ ચાર અકબારોમાં રોજ રોજ લખાતા તંત્રીલેખોમાં પ્રતિબિંબિત થયું હતું કે, તેઓ વિચાર અને વાણીની અભિવ્યક્તિની સ્વતંત્રતાના મજબૂત હિમાયતી અને ટેકેદાર છે. પ્રશાંત ભૂષણે ટેમના ટિ્વટ દ્વારા તેમના વિચારો વ્યક્ત કર્યા હતા તે બદલ તેમને બિનજરૂરી રીતે કોર્ટ કાર્યવાહીમાં ઢસેડવા બદલ ધ હિંદુ અને ઇન્ડિયન એક્સપ્રેસ જેવા અખબારોએ તો સુપ્રીમ કોર્ટની આલોચના પણ કરી હતી. પ્રશાંત ભૂષણે તેમની બે ટિ્વટમાં સુપ્રીમ કોર્ટે તાજેતરમાં કેટલાંક કેસોમાં આપેલા ચુકાદા અને છેલ્લા ચાર મુખ્ય ન્યાયમૂર્તિઓની ભૂમિકા વિશે ટીકા કરી હતી. તેમની આ બે ટિ્વટને સિવિલ સોસાયટી, દેશની લોકશાહીના હિતચિંતક નાગરિકો અને અંગ્રેજી પ્રિન્ટ મીડિયાએ વિચાર-વાણીની અભિવ્યક્તિની સ્વતંત્રતા ગણાવી હતી. ભૂષણે કોર્ટની માફી માંગવા જ્યારે બે વાર ઇન્કાર કર્યો અને કોર્ટને તેમની સજા બદલવા અને માત્ર રૂા. ૧નો દંડ કરવા મજબૂર કરી ત્યારે પણ ભૂષણને દેશભરમાંથી લાખો લોકોનો ટેકો મળ્યો હતો.