વડોદરા, તા.૨૩
શહેર નજીક આવેલ નેશનલ હાઇવે ઉપર ગુરૂવારે મોડીરાત્રે રાત્રી પેટ્રોલીંગ કરી રહેલાં હોમગાર્ડ જવાનની સરકારી બાઇકને પુરપાટ ઝડપે જતાં અજાણ્યા વાહને ટક્કર મારતા તેમણું મોત નિપજ્યું હતું. હીટ એન રનની આ ઘટના અંગે બાપોદ પોલીસે છોટા હાથી ટેમ્પા ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત થતી વિગત અનુસાર શહેરનાં કિશનવાડી રામ ફળિયામાં રહેતો મનીષ બંસીલાલ રોહિત (ઉ.વ.૨૫) બાપોદ પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે નોકરી કરે છે. ગુરૂવારે રાત્રે નેશનલ હાઇવે ઉપર વાઘોડીયા ચોકડીથી આજવા ચોકડી તરફ બાઇક ઉપર પેટ્રોલીંગ કરી રહ્યો હતો. તે વખતે છોટા હાથી ટેમ્પાનાં ચાલકે બાઇકને ટક્કર મારતાં સરકારી બાઇક સાથે મનીષ રોડ પર પટકાયો હતો. ગંભીર ઇજાને કારણે તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ અકસ્માત અંગેની જાણ બાપોદ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે છોટા હાથી ચાલક સામે ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.