અન્ય બોર્ડ-નિગમો પાછળ કરોડોનો ખર્ચ કરતી ભાજપ સરકારે વકફ બોર્ડને ફદિયુંય ન આપ્યું !

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૧ર
ગુજરાત સરકારના વિવિધ વિભાગો હેઠળ આવતા બોર્ડ-નિગમો સહિતના સરકારી એકમો માટે સરકાર દ્વારા ફંડ-ગ્રાન્ટ વગેરે ફાળવવામાં આવતી હોય છે, જે પૈકીના બે-ચારને બાદ કરતા મોટાભાગના અન્ય તમામ એકમો (બોર્ડ-નિગમો)ના વહીવટ માટે સરકારને કરોડો રૂપિયાનું ભંડોળ આપવું પડતું હોય છે. જયારે મુસ્લિમ સમાજની ઐતિહાસિક સહિતની વિવિધ ધાર્મિક (મસ્જિદ-દરગાહ) સહિતની મિલકતોનો વહીવટ કરવા માટે રચાયેલા વકફ બોર્ડના તંત્ર માટે ગુજરાતની ભાજપ સરકાર ફદિયું ય ફાળવતી નથી. રાજયમાં કરોડો રૂપિયાની વકફની વર્ષો જૂની મિલકતોના વહીવટ થકી તેની આવકનો હિસ્સો વસૂલતી આ સરકાર આ મિલકતોના ડેવલપમેન્ટ સહિતની વિવિધ કામગીરી માટે છેલ્લા બે વર્ષમાં રૂપિયો પણ ભાજપ સરકારે ફાળવ્યો નથી તેવી હકીકત બહાર આવતા આશ્ચર્ય ફેલાવવા સાથે ભાજપ સરકારની નીતિ સામે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. એટલું જ નહીં વકફ બોર્ડમાં ઘણા સમયથી બોર્ડનું જ અસ્તિત્વ ન હોઈ તે અંગે રજૂઆતો બાદ હાઈકોર્ટનો ઓર્ડર હોવા છતાં હજુ સુધી સરકાર દ્વારા નવા બોર્ડ (સમિતિ)નું ગઠન કરવામાં ન આવતા તેનો મુદ્દો પણ આજે વિધાનસભામાં ઉઠાવાયો હતો.
વિધાનસભાના બજેટ સત્રમાં આજે કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા દ્વારા વકફ બોર્ડ અંગેના પૂછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં ભાજપ સરકારની નીતિ-રીતિની વિગતો બહાર આવી છે. છેલ્લા બે વર્ષમાં ગુજરાત વકફ બોર્ડને સરકાર દ્વારા કેટલી રકમ ફાળવવામાં આવી તે અંગેના પ્રશ્નના જવાબમાં ખુદ સરકારના કાયદા મંત્રીએ જણાવ્યું હતું કે કોઈ રકમ ફાળવવામાં આવી નથી. એટલે કે ગુજરાતની ભાજપ સરકાર વકફ બોર્ડના વહીવટ માટે રૂપિયાની સહાય કરતી નથી. તેવી વિગતો બહાર આવી છે. ત્યારે રાજય સરકારના જ ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ સહિતના અન્ય ઘણા બધા બોર્ડ-નિગમોના વહીવટ માટે ગુજરાત સરકાર દર વર્ષે નિયમિત નાણાંની ફાળવણી કરતી હોય છે જેમાં ગુજરાત એસ.ટી. નિગમ નામના સરકારી એકમ કે જે કાયમ માટે કરતું નિગમ છે તેની પાછી વર્ષે દહાડે સરકાર કરોડો રૂપિયાની ફાળવણી કરતી રહે છે એ સિવાયના અન્ય એકમો પાછળ પણ કરોડો રૂપિયા સરકાર ફાળવણી માટે આપી રહી છે ત્યારે વકફ બોર્ડને નાણાં ન ફાળવવાનું કારણ શું ? તેવો પ્રશ્ન ચર્ચામાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે વકફ બોર્ડ હેઠળ રાજયભરની સંખ્યાબંધ વર્ષો જુની મિલકતો નોંધાયેલી છે અને તેનો વહીવટ-દેખભાળ વગેરેનું કામ આ બોર્ડ દ્વારા કરવામાં આવે છે અને તે પેટે સરકાર દ્વારા નાણાં વસૂલવામાં આવે છે. આજે પૂછાયેલ પ્રશ્નના જવાબમાં મંત્રીએ વધુમાં કહ્યું હતું કે વકફની મિલકતો પૈકી આવક પ્રમાણે બે ટકાથી સાત ટકાના દરે નાણાની વસૂલાત કરાય છે. આમ સરકાર નાણાંની ફાળવણી કરતી નથી. ઉપરથી નાણાં વસૂલે છે અને તેના બદલામાં વકફની મિલકતો વર્ષોથી એની એ જ હાલતમાં છે જેનો કોઈ વિકાસ પણ કરવામાં આવતો નથી.
એટલું જ નહીં વકફ બોર્ડના ચેરમેન સહિતનું બોર્ડ (સમિતિ)ની અગાઉ મુદ્દત પૂર્ણ થતા વિખેરાઈ ગયા બાદ ઘણો લાંબો સમય થવા છતાં હજુ નવું બોર્ડ બનાવવામાં આવ્યું નથી. આ અંગે અગાઉ વારંવાર રજૂઆત છતાં ઉકેલ ના આવતા હાઈકોર્ટમાં રિટ કરાઈ હતી. જેમાં હાઈકોર્ટે પણ તાકીદના સમયમાં નવા બોર્ડની રચના કરવાનો આદેશ કર્યો હોવા છતાં હજુ સુધી તેની રચના કરાઈ ન હોવાનો મુદ્દો પણ આજે ઉપસ્થિત કરાતા તેના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે, આગામી ૧પ દિવસમાં નિમણૂકો કરીને બોર્ડને કાર્યરત કરવામાં આવશે. આ ઉપરાંત બોર્ડમાં મંજૂર મહેકમ સામે હજુ જગ્યાઓ ખાલી હોવાની બાબતે પણ મંત્રીએ આગામી સમયમાં તે માટે તજવીજ હાથ ધરવાનો જવાબ વાળ્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks