પ્રભાવી વ્યક્તિત્વ – મુહમ્મદ સઈદ શેખ
અબુ અબ્બાસ અબ્દુલ્લ્લાહ બિન હારૂન અરરશીદ સાતમો અબ્બાસી ખલીફા હતો. ઇસ ૮૧૩થી ૮૩૩ સુધી ખિલાફત સંભાળી. ઇસ્લામી જગતમાં વિજ્ઞાન અને એના વિકાસ માટેનો આશ્રય દાતા હતો. ‘બયતુલ હિકમહ’ (જ્ઞાન ગૃહ) માટે જાણીતો છે.
અલ મામુનનો જન્મ ૧૫ રબીઉલ અવ્વલ હિસ ૧૭૦/૧૪ સપ્ટેમ્બર ૭૮૬માં (‘ત્રણ ખલીફાઓની રાત્રિ) તરીકે પ્રસિદ્ધ રાતમાં કે જયારે ખલીફા અલ હાદીનું અવસાન થયું,ખલીફા હારૂન અરરશીદ ખલીફાપદે બિરાજયા અને એ જ રાતે અલ મામુનનો બગદાદમાં જન્મ થયો. એની માતા મરાજિલ એક ઈરાની દાસી હતી, એને જન્મ આપી તરત મૃત્યુ પામી હતી. એની સાવકી માતા ઝુબેદા (અબ્બાસી વંશ સાથે સંબંધ ધરાવતી હતી, ખલીફા અલ મન્સુરની પૌત્રી હારૂન અરરરશીદની પત્ની અને મુહમ્મદ(ભવિષ્યના અલ અમીનની માતા)એ એનો ઉછેર કર્યો હતો. એના પિતા પ્રસિદ્ધ ખલીફા હારૂન અરરશીદના અગિયાર પુત્રોમાં એ જયેષ્ઠ હતો.
અલ મામુને બગદાદમાં ક્લાસિકલ અરબીનું શિક્ષણ અલ કિસાઈથી, સાહિત્યનું જ્ઞાન અબુ મુહમ્મદ અલ યઝીદીથી પ્રાપ્ત કર્યું હતું. એણે સંગીત, કવિતા, ધાર્મિક હદીસ વિષયક જ્ઞાન પણ પ્રાપ્ત કર્યું હતું. ફીકહનું જ્ઞાન અલ હસન અલ લુલુઈ પાસેથી પ્રાપ્ત કર્યું હતું અને હનફી ન્યાયશાસ્ત્રમાં મહારત પ્રાપ્ત કરી હતી. એની જ્ઞાન પ્રીતિ તથા અને ઊંચી બુદ્ધિમતાના કારણે અબ્બાસી વંશનો સૌથી બુદ્ધિશાળી ખલીફા તરીકે પ્રસિદ્ધ થયો.
હારૂન અરરશીદે પોતાના પ્રથમ ઉત્તરાધિકારી તરીકે માતા પિતા બંને અબ્બાસી હોય એવા મુહમ્મદ (અલ અમીન)ને પોતાનો ઉત્તરાધિકારી નિયુક્ત કર્યો હતો. અલ મામુન પુખ્ત થયો ત્યારે ઈસ.૭૯૯ સુધી રાહ જોયા પછી એનું બીજા ઉત્તરાધિકારી તરીકે નામ જાહેર કરવામાં આવ્યું. ત્રીજા ઉત્તરાધિકારી તરીકે અલ કાસીમ (અલ મુતમીન)ને જાહેર કરવામાં આવ્યો. ઇસ ૮૦૨માં મક્કામાં હજ યાત્રા વખતે હારૂન અરરશીદે આ ત્રણે ઉત્તરાધિકારીઓના નામનું અનુમોદન કરી જાહેરમાં સ્વીકારવામાં આવ્યું કે હારૂન અરરશીદ પછી બગદાદમાં અલ અમીન ખિલાફત પદે બેસશે પરંતુ એનો ઉત્તરાધિકારી અલ મામુન રહેશે અને બગદાદ ઉપરાંત ખુરાસાન પર પણ શાસન કરશે અને અલ ફઝલ બિન સહલ અલ મામુનનો ગુરૂ બનશે અને એ જયારે ખલીફા પદે બેસે ત્યારે એના વઝીર તરીકે કાર્ય કરશે એવું નક્કી કરવામાં આવ્યું.
મોહર્રમ હિસ ૧૯૮/ઈસ ૮૧૩માં ઘણા સંઘર્ષ પછી ખલીફા અલ અમીનના કતલ પછી મામુન ખિલાફત પદે બિરાજ્યો. પરંતુ એ બગદાદમાં છ વર્ષ પછી દાખલ થઇ શક્યો. ઇસ.૮૧૬માં મામુને અલી બિન મુસા બિન જાફર બિન મુહમ્મદ બિન અલી બિન અલ હુસેન રદી.ને પોતાના ઉત્તરાધિકારી તરીકે નિયુક્ત કર્યા અને ‘રઝાએ આલે મુહમ્મદ’ એમનું નામ રાખ્યું અને અબ્બાસીઓના કાળા રંગને ત્યાગી અલવીઓના લીલા રંગને પસંદ કર્યું. પોતાની પુત્રી ઉમ્મે હબીબના લગ્ન અલી રઝા સાથે કરી દીધા. ઈરાકમાં વિદ્રોહ થતા અલ મામુનને મર્વ છોડી ઈરાક જવું પડ્યું (ઇસ ૮૧૭), પરંતુ અરબોએ વઝીર અલ ફઝલને કતલ કરી દીધા અને જમાઈ ઈમામ અલી રઝાનું અચાનક અવસાન થઇ જતા સફર ૨૦૪/૧ ઓગસ્ટ ૮૧૯ના દિવસે અલ મામુન બગદાદમાં દાખલ થયો અને લીલાને બદલે ફરીથી કાળા રંગ પર પસંદગી ઊતારી અને ઉમ્મતના માર્ગદર્શક તરીકે પોતાની ભૂમિકા અદા કરવા પોતાનો લકબ ‘ઈમામ’ (એના પછીના ઉત્તરાધિકારીઓએ જાળવી રાખ્યા હતા.) જાળવી રાખ્યું. એની ધાર્મિક વિચારસરણી વિષે મતભેદ છે પરંતુ મોટા ભાગના ઈતિહાસકારો માને છે કે અલ મામુન શિયા હતો. કદાચ પ્રથમ શિયા ખલીફા.
એ મુતાઝીલાથી ખૂબ પ્રભાવિત હતો અને એમાંથી જ ખલ્કે કુર્આન (કુર્આન પણ એક ખલ્ક-સર્જન છે) એ માન્યતામાં માનતો, જેનો વિરોધ મોટાભાગના સુન્ની વિદ્વાનોએ કર્યો હતો.
અલ મામુનના અંતિમ વર્ષોમાં બાય્ઝેન્તીની (રોમનો) ફરીથી મુસલમાનો સાથે સંઘર્ષમાં ઊતરી આવ્યા હતા. માર્ચ ૮૩૦માં અલ મામુને પોતાના પુત્ર અલ અબ્બાસ સાથે રોમની વિરૂદ્ધ લશ્કર લઈને લડ્યો. આવનાર બે વરસો સુધી એણે સક્રિય ભૂમિકા નિભાવી અને અંતે મુસ્લિમો લુલુઆ કિલ્લા પર કબજો કરવામાં સફળ થઈ ગયા. રાજા થીઓફિલોસ સંધી કરવા માંગતો હતો પરંતુ મામુને એની વિનંતી ઠુકરાવી દીધી અને ૮૩૩માં એણે ફરીથી બાય્ઝેન્તીની પ્રદેશો પર હુમલા શરૂ કર્યા પરંતુ આ જ વર્ષે તાર્સુસ નજીક (આજના તુર્કીના પોઝાન્તી નગર પાસે) એનું અવસાન થયું. એની કબર અદાનામાં તાર્સુસ જામેઅ મસ્જિદમાં છે.
મૃત્યુ પહેલા એને પોતાના પુત્રને નહિ પરંતુ ભાઈ અલ મોતસીમને પોતાનો ઉત્તરાધિકારી જાહેર કર્યો હતો. મામુનના સમયમાં કાબુલ અને તુર્કસ્તાનના પ્રભાવશાળી લોકોએ ઇસ્લામ કબૂલી લીધું હતું.
અલ મામુન રાજકારણ, બુદ્ધિ, સમજદારી, નિપુણતા, ન્યાય બહાદુરી, સખાવત, દરિયાદિલી અને સાદગી જેવા ગુણોમાં સંપૂર્ણ હતો. એ દુનિયાના પ્રસિદ્ધ શાસકોમાંથી એક હતો. એની ગણના એના સમયના વિદ્વાન તરીકેની હતી. એ કુર્આન, તફસીર, સાહિત્ય, શાયરી, તબીબ શાસ્ત્ર, ફિલસુફી, જ્યોતિષ અને ગણિતશાસ્ત્ર જેવી વિદ્યાઓમાં નિષ્ણાત હતો. ફિલસુફીના ગ્રંથોના અધ્યયન અને વિવિધ કોમના વિદ્વાનો સાથેની સંગતે એને એક સ્વતંત્ર વિચારક બનાવી દીધો હતો.
અલ મામુને રૈયતની સુખાકારી માટેના ઘણા કાર્યો કર્યા. અલ મામુને સીરિયા અને ઈજિપ્તની યાત્રા કરી ત્યાં પગ મૂકનાર પ્રથમ અબ્બાસી ખલીફા તરીકેનું માન મેળવ્યું. એણે કેટલાંક પ્રદેશોમાં કર ઘટાડયા. રૈયત ના ખરજ (કર)માં ઘટાડો કર્યો. એણે પોતાના અધિકારીઓને રૈયત સાથે ન્યાય અને નમ્રતાથી વર્તવાનો આદેશ આપ્યો હતો. અત્યાચાર કરનાર અધિકારીને સજા આપવામાં આવતી. એ કહેતો કે વિદ્રોહ હમેશા અધિકારીઓના અત્યાચારના કારણે ઉદ્ભવે છે. એ શત્રુઓને માફ કરી દેવા જેટલું સામર્થ્ય ધરાવતો હતો. એના દરબારમાં કોઈ જરૂરતમંદ ક્યારેય ખાલી હાથ પાછો ફરતો નહતો. એ માનતો હતો કે ધન દોલત કવિઓ, લેખકો, વિદ્વાનો અને જરૂરતમંદો પાછળ ખરચવામાં જ એની ખરી મહત્તા હોય છે. એ પોતે વિદ્વાન હોવાની સાથે વિદ્વાનો અને સાહિત્યકારોનો મોટો આશ્રયદાતા હતો. એનું સૌથી મોટું કાર્ય ઇસ ૮૩૩માં બય્તુલ હિક્માહની સ્થાપના ગણાય છે. આમાં લગભગ બધા જ ધર્મના વિદ્વાનોને કોઈ પણ જાતના ભેદભાવ વિના માત્ર એમની કાબેલીયતના આધારે રાખવામાં આવતા હતા. અહીં પ્લેટો, એરીસ્ટોટલ, ગેલન, ટોલેમી જેવા મહાન ફિલસૂફો, ગણિતશાસ્ત્રીઓ અને તબીબોના ગ્રંથોનો અનુવાદ કરવામાં આવતો. ગ્રીક અને પર્શિયન કલાસીકલ ગણિત અને વિજ્ઞાનના ગ્રંથોને અરબી અને સીરિયા ભાષામાં અનુવાદ કરવામાં આવતો. એ માટે એને હુનૈન ઇબ્ને ઇશાક, ઇશાક ઇબ્ને હુનૈન, હજાજ બિન યુસુફ કુફી, કુસ્ત બિન લુકા બલ્બાકી, અબુ હસ્સાન, સુલેમાન, મુહમ્મદ બિન મુસા અલ ખવારીઝ્મી, યાકુબ બિન ઇશાક અલ કિન્દી, યુહાનના બિન મ્સ્વીયાહ, સહલ બિન હારૂન, અબુ જાફર યાહ્યા બિન અદી, અલી બિન અબ્બાસ બિન એહમદ જોહરી, ઇબ્ને અલ બત્રિક જેવા અનુવાદકો રોકયા હતા. વિજ્ઞાનના વિકાસ માટે એણે એ સમયના મહાન વૈજ્ઞાનિકો અને ગણિત શાસ્ત્રીઓને કાયમી ધોરણે રાખ્યા હતા. મુહમ્મદ, એહમદ અને હસન બિન મુસા કે જેમને મુસા ભાઈઓ તરીકે ઓળખવામાં આવે છે, તેઓ અહીં એન્જિનિયર, ગણિતશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિક તરીકે કાર્ય કરતા હતા. મામુનના સમયમાં ખગોળશાસ્ત્રમાં ખૂબ પ્રગતિ થઇ. શુમાસીયામાં એક વેધશાળા પણ સ્થાપી હતી. સનદ બિન અલી, ખાલીદ બિન અબ્દુલ માલિક મારૂઝી, યહાં બિન મન્સુર અને અબ્બાસ બિન સઈદ જોહરીએ ખગોળીય કોષ્ટકોની રચના કરી હતી. મુસા અલ ખ્વારીઝ્મીએ જે ખગોળીય કોષ્ટકો રચ્યા એ એટલા સચોટ હતા કે કોપરનિકસ અને ટાયકો બ્રાહે જેવા પછીથી આવનારા ખગોળશાસ્ત્રીઓએ એનો ઉપયોગ કરી પોતાના મોડેલ્સને સુધાર્યા હતા. મુસા અલ ખાવારીઝ્મીએ અલ મામુનની ફરમાઈશ પર બીજગણિત (અલ્જીબરા)ની શોધ કરી હતી. આગળ જતા એમાંથી અલગોરિધમની વિભાવના જન્મી જેનો ઉપયોગ આજના આધુનિક મેટાવર્સ યુગમાં પણ કરવામાં આવે છે. અલ ખ્વારીઝ્મીએ હિંદુ અંકો (ખરેખર તો હિન્દી કે ભારતીય અંકો) તથા શૂન્યની મદદથી અરબી અંકો પ્રચલિત કર્યા. એમણે એસ્ત્રોલેબ તરીકે ઓળખાતા સાધનની મદદથી તારાઓ અને ખગોળીય પદાર્થોના સ્થાન પણ નક્કી કર્યા હતા. અલ મામુનના વૈજ્ઞાનિકોએ પૃથ્વીનું પરિઘ પણ માપ્યું હતું, જે ૨૦,૧૬૦ માઈલ હતું, જે આજના આધુનિક પ્રમાણસર ચોક્કસ નથી પરંતુ એમની વૈજ્ઞાનિક અધ્યયન પ્રતિ પ્રતિબદ્ધતા દર્શાવે છે. મામુનના ખિલાફત કાળમાં જ ફારસી શાયરીનો ઉદ્ભવ થયો અને એમાંથી પછી ઉર્દૂ શાયરી ઉદ્ભવી.
આમ મામુન અરરશીદ એક મહાન ખલીફા હતો જેણે સભ્યતા, સંસ્કૃતિ, વિજ્ઞાન અને સાહિત્યમાં અને વિશેષ કરીને ગણિત તથા વિજ્ઞાનના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યો. એના માનમાં ચંદ્રના એક ખાડા(ષ્ઠટ્ઠિીંિ)નું નામ છઙ્મદ્બટ્ઠર્દ્બહ રાખવામાં આવ્યું છે.