હિંમતનગર, તા.પ
વિજયનગર તાલુકાના અભાપુર ખાતે આવેલ લોકભારતી આશ્રમ શાળાની ગ્રાન્ટ ચાઉં કરી જવાના કૌભાંડનો પર્દાફાશ થયા બાદ આ અંગે ન્યાયી અને નિષ્પક્ષ તપાસ કરવા વિમુક્ત જાતિ કલ્યાણ મંડળ દ્વારા તાજેતરમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાયા બાદ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોને સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા સહયોગ આપવા માટે લેખિત જાણ કરાઈ છે.
આ અંગેની વિગત એવી છે કે અભાપુર ખાતે આવેલ લોકભારતી આશ્રમ શાળાની દશ વર્ષથી વધુની ગ્રાન્ટ પેટે ખોટા દસ્તાવેજો ઊભા કરીને સંસ્થાના બની બેઠેલા દિલીપચૌધરીએ રૂા.૯૪ લાખથી વધુની રકમ ઓળવી જવાના કારસો રચીને તેમાં ખેડબ્રહ્માના આશ્રમ શાળા અધિકારી બી.એફ. ચૌધરીના મેળાપીપણાથી તમામ દસ્તાવેજો ઉચ્ચ કક્ષાએ મોકલ્યા હતા. જે અંગે વિમુક્ત જાતિ કલ્યાણ મંડળના પ્રમુખ બી.એફ. વાઘેલાને ખબર પડતા તેમણે આ અંગે સંલગ્ન વિભાગોમાં લેખિત રજૂઆત કરી હતી.
ત્યારબાદ બી.એફ. વાઘેલાએ અમદાવાદ સ્થિત લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોમાં કરેલી રજૂઆત બાદ તંત્ર ચોકી ઉઠ્યું હતું અને તરત જ આ અંગે સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના સચિવને લેખિત જાણ કરી અભાપુર સ્થિત લોકભારતી આશ્રમ શાળાના બની બેઠેલા મંત્રી દિલીપ ચૌધરી વિરૂદ્ધની તપાસમાં તકેદારી અધિકારીની નિમણૂક કરી આ કેસમાં લાંચ રૂશ્વત વિરોધ બ્યુરોને સહકાર આપવા તાકીદ કરી છે અને જરૂર પડે સરકારી નાણાંનો વ્યય થતો અટકાવવા માટે તાકીદે પગલાં લેવા જણાવાયું છે.