નવી દિલ્હી, તા.૧૮
ભારતીય ઓપનર અભિષેક શર્માએ અફઘાનિસ્તાન સામેની ત્રીજી અને આખરી ટી-૨૦માં માત્ર ૩૦ જ બોલમાં સદી ફટકારીને સનસનાટી મચાવી દીધી હતી. આ સાથે અભિષેકે આઇસીસીના પૂર્ણકાલીન સભ્ય દેશ તરફથી તેમજ પૂર્ણકાલીન સભ્ય દેશની સામે સૌથી ઝડપી ટી-૨૦ સદીનો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો. તેણે ભારત તરફથી ફાસ્ટેસ્ટ ટી-૨૦ સદીનો રોહિતનો રેકોર્ડ પણ તોડ્યો હતો. અભિષેકે તેની તોફાની ઈનિંગમાં ૧૧ છગ્ગા અને નવ ચોગ્ગા સાથે કુલ ૩૪ બોલમાં ૧૦૮ રન ફટકાર્યા હતા. ભારતે આ સાથે અફઘાનિસ્તાનને હરાવીને શ્રેણી ૩-૦થી જીતી લીધી હતી. અભિષેકે તેની ઈનિંગમાં ૧૦૨ રન તો ચોગ્ગા-છગ્ગાની મદદથી જ નોંધાવ્યા હતા. આઇસીસીના પૂર્ણકાલીન સભ્ય દેશ તરફથી, અન્ય પૂર્ણકાલીન સભ્ય દેશ સામેની ટી-૨૦માં સૌથી ઝડપી સદીનો ન્યુઝીલેન્ડના ફિન એલનનો વર્લ્ડ રેકોર્ડ અભિષેકે ત્રણ બોલના અંતરથી તોડી નાંખ્યો હતો. એલને ૨૦૨૬ના ટી-૨૦ વર્લ્ડ કપમાં કોલકાતા ખાતે રમાયેલી સાઉથ આફ્રિકા સામેની સેમિ ફાઈનલમાં ૩૩ બોલમાં સદી ફટકારી હતી. આઇસીસીના પૂર્ણકાલીન સભ્ય દેશ તરફથી સૌથી ઝડપી સદી ફટકારવાના રેકોર્ડમાં એલનની સાથે ઝિમ્બાબ્વેનો સિકંદર રઝા પણ બીજા ક્રમે ધકેલાયો છે. રઝાએ ગામ્બિયા સામેની ૨૦૨૪માં રમાયેલી ટી-૨૦માં ૩૩ બોલમાં સદી ફટકારી હતી. અભિષેકે ભારત તરફથી સૌથી ઝડપી સદીનો રોહિત શર્માનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. રોહિતે ૨૦૧૭માં ઈન્દોર ખાતે શ્રીલંકા સામેની ટી-૨૦માં ૩૫ બોલમાં સદી ફટકારી હતી. ટેસ્ટ, વન ડે અને ટી-૨૦ રમવાનો દરજ્જો ધરાવતા દેશોને આઇસીસીના પૂર્ણકાલીન સભ્ય દેશો કહેવાય. ઓવરઓલ આંતરરાષ્ટ્રીય ટી-૨૦ના ઈતિહાસમાં અભિષેકની ૩૦ બોલમાં સદીને ફાસ્ટેસ્ટ સદીઓની યાદીમાં ત્રીજો ક્રમ મળ્યો છે. ઈસ્ટોનિયાનો સાહિલ ચૌહાણ ૨૭ બોલમાં સદી (વિ. સાયપ્રસ, ૨૦૨૪) પ્રથમ અને તુર્કીયેનો મુહમ્મદ ફહાદ ૨૯ બોલમાં સદી (વિ. બલ્ગેરિયા, ૨૦૨૫) પછી ત્રીજા ક્રમે છે.