અમદાવાદમાં જમીઅતે ઉલ્માએ ગુજરાતના મહત્ત્વપૂર્ણ કાર્યક્રમમાં જનરલ સેક્રેટરી મુફ્તી અ.કય્યુમ મનસુરીનું આહ્‌વાન લોકસભા ચૂંટણીમાં ૧૦૦ ટકા અને એકતરફી મતદાન કરવા મુસ્લિમો કટિબદ્ધ બને

આપણે સાચા મોમિન બનીશું તો આપણી પ્રગતિ થઈને જ રહેશે : મુફ્તી અબુબકર ડાભેલ

શૈતાની તાકાતો સામે ટકવું છે તો રૂહાની તાકાત જરૂરી : મૌ. ઉવેશ, ભરૂચ

ચૂંટણીમાં મતોના વિભાજનને લઈ મુસ્લિમોની સ્થિતિ બહુ ખરાબ થઈ છે : સુહેલ તિરમીઝી

ભાજપની પેજ પ્રમુખની પેટર્ન અપનાવી ઘરે ઘરે જઈ લોકોને મતદાન માટે પ્રેરિત કરીએ : એડવો. ગુલાબખાન પઠાણ

આજે આપણી રાજકીય સ્થિતિ અછૂત થઈ ગઈ છે, રાજકીય પાર્ટીઓ પણ આપણી પાસે આવતા ગભરાય છે : એડવો. ઈકબાલ શેખ

ભાવનગરમાં સહાયનો મુસ્લિમ અને ગેરમુસ્લિમ બધા જ લાભ લે છે
દર ત્રણ મહિને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

જમીઅતની ભાવનગરની ટીમના અગ્રણીએ જણાવ્યું હતું કે, આખા વર્ષમાં અમે બે રીતે કામ કરીએ છીએ. વિવિધ મેડિકલ ક્લિનિક ખોલીએ છીએ અને દવા સહિતની વસ્તુઓ જરૂરતમંદોને સસ્તા ભાવે આપીએ છીએ. તો બીજી તરફ બ્લડ ડોનેશન થાય તે માટે અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ. તદુપરાંત ગરીબો, વિધવાઓને રાશન સહિતની મદદ પણ કરીએ છીએ. તો વળી ધો.૧૦-૧ર સહિતના તેજસ્વી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આર્થિક સહાય પણ કરીએ છીએ.

કલોલમાં પણ જમીઅતે ઉલ્મા વિવિધ સેવાલક્ષી કાર્યો કરે છે

કલોલથી આવેલ જમીઅત ઉલ્માએ ગુજરાતની ટીમ વતી અગ્રણીએ જણાવ્યું હતું કે, અમે અમારા વિસ્તારોમાં ગરીબો અને વિધવાઓને સહાય કરીએ છીએ. તેમને રોકડ રકમ તેમજ રાશનની કિટ આપીએ છીએ. વળી વર્ષ દરમિયાન સાત-આઠ વખત કિટનું વિતરણ કરીએ છીએ. તદુપરાંત જે હોશિયાર વિદ્યાર્થીઓ છે. તેમને સ્કૂલ ફી, ટ્યુશન ફી સહિતનો ખર્ચ પણ પુરો પાડીએ છીએ. તદુપરાંત તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન પણ કરીએ છીએ. વળી, કોઈ ગેરમુસ્લિમ જરૂરતમંદ હોય તો અમે તેની પણ સહાય કરીએ છીએ. વળી કોમી એકતા અને ભાઈચારો વધે એના માટે અમે દરેક કોમના લોકોને સાથે લઈ વિવિધ કાર્યક્રમો કરીએ છીએ.

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧૮
આગામી લોકસભાની ચૂંટણીમાં મુસ્લિમ સમાજની ભૂમિકા, ‘ગુજરાત ટુડે’ દૈનિકને સપોર્ટ તથા નવા સભ્યોની નોંધણી ઝુંબેશ ગાઝાના મુસ્લિમો માટે દુઆ સહિતના મુદ્દાઓને લઈ જમિઅત ઉલમાએ ગુજરાત (મૌ.અર્શદ મદની) દ્વારા આજે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના જનરલ સેક્રેટરી મુફતી અબ્દુલ કૈય્યુમ મનસુરીએ મુસ્લિમ સમાજની આજે રાજકીય રીતે સ્થિતિ બહુજ ખરાબ છે. તેની પાછળના કારણોની છણાવટ પણ કરી હતી અને જણાવ્યું હતું કે આપણા સમાજમાં કામ ઓછું અને બૂમાબૂમ ભીડભાડ વધુ હોય છે. આપણે મતોના વિભાજન ના થવા દઈ ૧૦૦ ટકા વોટિંગ કરીશું તો મતોનું નુકસાન થશે નહીં અને પરિણામ સારૂં આવશે સારી કામગીરી જ આપણી ઓળખ છે. કામ કરતા રહીશું તો લોકો આપણી સાથે જોડાતા રહેશે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આગામી ચૂંટણીમાં આપણે ઝુંબેશ રૂપે ઘરે ઘરે જઈ ૧૦૦ ટકા વોટિંગ માટે લોકોને સમજાવવી પડશે. અને મતોનું વિભાજન ના થાય એક તરફ જ બધા મતો પડે તેવા પ્રયાસો કરવાના છે. પછી પરિણામ જે આવે આપણે ઈચ્છીએ તેનાથી વિપરીત પરિણામ આવે તો પણ આપણે જરાય દુઃખી થઈશું નહીં આપણે આપણી મહેનત-પ્રયાસો કરતા રહીશું. જે ફેસલો આવે જરાય ડરવાની જરૂર નથી. બધુ ખતમ થઈ જશે અમને મુલ્કથી ભગાવી દેવાશે, કત્લેઆમ થશે. કેમ્પોમાં નાખી દેશે તેવું બધુ કઈ થશે નહીં. તેમણે ઉમેર્યું કે ખિદમત એટલે કે લોકોના કામો કરીએ ભલે નામ ન હોય કામ કરીશું તો લોકો જોડાશે. સેન્ટ્રલ વકફ કમિટીના પૂર્વ સભ્ય અને એડવોકેટ ઈકબાલ શેખે જણાવ્યું હતું કે, ડરવું નહીં, નિરાશ થવું નહીં, કોઈપણ સંજોગોમાં ઈસ્લામ હંમેશા રહેશે, પ્રયત્નો કરતા રહેવા જોઈએ. સફળતા જરૂર મળશે. દેશમાં ચૂંટણીઓ આવતી રહે છે જો કે, આ ચૂંટણી અત્યંત મહત્વપૂર્ણ અને વિશેષ છે. દેશના લોકશાહીના ભવિષ્ય માટે આ ચૂંટણી મહત્ત્વપૂર્ણ છે. તલવારથી શાસન બદલી શકાતું નથી, પરંતુ મતદાનથી તે બદલી શકાય છે. મતદાનનો હક મળ્યો તે વખતે ઘણી જદ્દોજહદ થઈ હતી. તે બાદ મુસ્લિમોને ભાગીદાર બનાવી બધા હક આપવામાં આવ્યા હતા. ત્યારે હવે આ બધુ છીનવાના પ્રયાસો થઈ રહ્યા છે માટે મતોનો મળેલો અધિકાર વ્યર્થ જવા ન દો. આપણી સ્થિતિ રાજકારણમાં અછુત જેવી થઈ ગઈ છે. આજે પોલિટીકલ પાર્ટીઓ પણ આપણી પાસે આવતા ગભરાય છે. કોંગ્રેસ પણ મુસ્લિમો સાથે જોરશોરથી રહે તો હિન્દુઓના મત તેમને ના મળે, સમાજવાદી પાર્ટી પણ હવે આપણાથી કતરાય છે આવી સ્થિતિ ઉભી થઈ છે.
ભરૂચના મૌલાના ઉવૈશએ જણાવ્યું હતું કે કુર્આનની આયતમાં તમે ડરો નહીં પરંતુ તમે જયારે મોમીન છો. કહ્યું છે તો તે માટે આપણે પુરા મોમીન બનવું પડશે. દરેક કામની સાથે દીનનું કામ પણ જરૂરી છે અને આ બધા કામમાં રૂહાની તાકાત બહુ જરૂરી છે. આપણા બુઝુર્ગો તે માટે વિશેષ પ્રયાસો કરતા હતા અને રૂહાની તાકાત થકી શ્રેષ્ઠ કામો કરતા હતા. જયારે શૈતાની તાકાતો સામે ટકવું છે તો આપણામાં રૂહાની તાકાત જરૂરી છે. નમાઝ, ઝકાત, સુન્નત દરેકના જીવનમાં હશે તો દેશમાં કોઈ તમારૂં બગાડી શકશે નહીં.
‘ગુજરાત ટુડે’ને પ્રસિદ્ધ કરતા લોકહિત સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ અને એડવોકેટ સુહેલ તિરમીઝીએ જણાવ્યું હતું કે, હાલનો સમય કોમ્યુનિકેશનનો છે. કોમ્યુનિકેશન મહત્વપૂર્ણ છે. આજે આપણી સ્થિતિ પોલીટીકલી બહુ જ ખરાબ છે. અગાઉ મુસ્લિમ સમાજના રાષ્ટ્રપતિ-મુખ્યમંત્રીઓ પણ આવી ચૂકયા છે. આજે વોર્ડ લેવલ સુધી સિમિત થઈ ચૂકયા છીએ. આપણા સમાજના મતોના વિભાજન થવાને કારણે આપણી સ્થિતિ ખરાબ થઈ છે. તેમણે ચૂંટણી અંગે જણાવ્યું હતું કે દેશમાં મુસ્લિમો ૧પ ટકા જેટલા છે. તેમને એક કરવામાં જોડવામાં બાકીના ૮પ ટકા આપણાથી દૂર થઈ ન જાય તે જોવું જોઈએ. માત્ર મુસ્લિમ સમાજના મતોથી જીતી ન શકાય, અન્ય સમાજના મત પણ મેળવવા જરૂરી છે. મત તેવાઓને આપો જે જીતી શકે, સરકાર બનાવી શકે. હિન્દુ-મુસ્લિમ સમાજના બધાના મતો મળે તો જ જીતી શકાય અને સરકાર પણ બની શકે. દેશમાં વિવિધ ફેરફારો થઈ રહ્યા છે. કાયદાઓમાં ફેરફાર સાથે નવા કાયદા વગેરે આવી રહ્યા છે ધીમે ધીમે આપણા પર્સનલ લો પણ જતા રહેશે તે દિશામાં આગળ વધી રહ્યા છીએ. કોમન-કોડ આવતા આ બધુ ખતમ થઈ જશે. ચૂંટણી આવી રહી છે ત્યારે આપણે લોકોને જાગૃત કરવા પડશે, સરકારની યોજનાઓ લોકોને જણાવી તેનો વધુને વધુ લોકો લાભ લે તે માટે પ્રયાસો કરવા પડશે. તેમણે ‘ગુજરાત ટુડે’ દૈનિક અંગે જણાવ્યું હતું કે ‘ગુજરાત ટુડે’ સત્ય બોલવાવાળું અખબાર છે. આ પહેલા અન્ય અખબારો બેફામ રીતે લખતા હતા. ‘ગુજરાત ટુડે’ આવવાથી અને તેના થકી સત્ય બહાર આવવાથી તેઓ હવે કાબૂમાં છે. સંભાળીને લખે છે તેમણે શિક્ષણ મુદ્દે કહ્યું કે માત્ર શિક્ષણથી કામ નહી ચાલે, દીન-ઈસ્લામની મહોબ્બત પણ તેની સાથે જરૂરી છે. સેકયુલર હિન્દુભાઈઓ આપણા માટે ઘણું બધુ કરતા આવ્યા છે જસ્ટિસ સહિતની વિવિધ પોસ્ટ પર રહેલા આ લોકો આપણા માટે જોખમ વહોરીને નિર્ણાયક કામો કરતા રહ્યા છે. તો તેની સામે આપણા સમાજના જ હોદ્દેદારો સમાજની વિરૂદ્ધમાં નિર્ણયો-કામગીરી કરતા રહ્યા છે. ત્યારે આવી સ્થિતિમાં સેકયુલર હિન્દુભાઈઓ મુસ્લિમોથી દૂર થઈ જશે. તેઓ વિચારશે કે અમે જોખમ લઈ મુસ્લિમોને ન્યાય અપાવવા સંઘર્ષ કરીએ છીએ અને અમુક મુસ્લિમ લોકો નાણાની લાલચમાં પોતાના સમાજની જ વિરૂદ્ધમાં નિર્ણય કરે છે.
ડાભેલના મુફતી અબુબકરએ જણાવ્યું હતું કે આપણે સાચા મોમીન બનીશું તો આપણી બુલંદી (પ્રગતિ) આવશ્યક જ છે. આપણા કાર્યક્ષેત્રમાં જેટલું છે તેટલું કરીએ તે માટેના સારા પ્રયાસો કરીએ, ઈવીએમ આપણા કાર્યક્ષેત્રની વાત નથી. તો તેના માટે શા માટે રોદણા રોવા આપણે પૂરી મહેનત કરવાની છે તેમ તેમણે ઈવીએમ સેટિંગ મુદ્દે જણાવ્યું હતું અને વધુમાં ઉમેર્યું કે, આવું થતું હોય તો પણ તેની પરવા કરવી નહીં. પૂરા ભરોસા સાથે ઈમાનદારીપૂર્વક આપણે મહેનત કરીએ તો સફળતા મળશે જ ૧૦-૧પ વ્યકિતઓની ટીમ બનાવી દરેક વિસ્તારમાં જાય અને ચૂંટણીમાં મતદાન માટે મહેનત કરે સમય બહુ ઓછો છે. એડવોકેટ ગુલાબખાન પઠાણે વર્તમાન સમયના મોબલિંચિંગ સહિતના વધતા બનાવોને લઈને જણાવ્યું હતું કે દેશમાં સ્થિતિ ખરાબ છે. ક્રિમિનલ કાયદામાં ફેરફારો થયા, ઘણું બધુ બદલી રહ્યું છે ત્યારે આપણે બધાએ તે માટે વિચારવું પડશે. ભાજપની પેજ પ્રમુખની સ્કીમ બહુ સારી છે તેનાથી પ્રેરિત થઈ આપણે આપણા વિસ્તારમાં તે પ્રમાણે મતદાન માટે એકએક ઘરે જઈ ૧૦૦ ટકા મતદાનના પ્રયાસો કરવા પડશે. અબરારભાઈએ ચૂંટણી અંગેના કાર્ડ, ઈવીએમ મુદ્દે માહિતગાર કર્યા હતા અને ઈવીએમમાં સેટિંગની વાત ખોટી હોવાનું જણાવી તેના બદલે ૧૦૦ ટકા મતદાન માટે પ્રયાસો કરવા જણાવ્યું હતું. ચૂંટણીમાં મહોલ્લા-વિસ્તારમાં સેવાભાવી લોકોએ શાખા બનાવી ઘરે ઘરે જઈ ૧૦૦ ટકા મતદાન માટે પ્રયાસો કરવા પડશે સમાજની મહિલાઓનું મતદાન બહુ ઓછું થાય છે તો તેમણે સેવાભાવી મહિલાઓને સામેલ કરી પ્રયાસો કરવા જોઈએ.
ઈમરાનભાઈ (જીપીએન)એ પણ ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે દરેક મુસ્લિમ પાસે બધા જ ડોકયુમેન્ટ હોવા જરૂરી છે અને તેના માટે જમિઅત પ્રયાસો કરી રહી છે તેમ જણાવી કહ્યું કે ટીમ બનાવી આ માટે દરેક મહોલ્લામાં ઝુંબેશ રૂપે કામગીરી કરવી જરૂરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks