અમદાવાદમાં હવે બિલ્ડરોએ નાના-મોટા ફ્લેટ પર ડિસ્કાઉન્ટ આપવાનું શરૂ કર્યું

અમદાવાદ, તા. ૨૫
લોકડાઉનને કારણે બિલ્ડરો ભારે ભીંસમાં આવી ગયા છે. લોકો નવું ઘર ખરીદવામાં અચકાઈ રહ્યા છે, ત્યારે અમદાવાદમાં મોટી સંખ્યામાં ફ્‌લેટો વેચાયા વગરના પડી રહ્યા છે. હાલત એવી છે કે, મકાનો વેચવા માટે બિલ્ડરો હવે ગ્રાહકોને તગડું ડિસ્કાઉન્ટ પણ આપી રહ્યા છે. માત્ર ૧ કરોડથી વધુ કિંમત ધરાવતા જ નહીં, ૫૫ લાખથી ઓછી કિંમત ધરાવતા અને અફોર્ડેબલ હાઉસિંગની કેટેગરીમાં આવતા ફ્‌લેટસ પર પણ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. હાલ અમદાવાદમાં દસ હજારથી વધુ ફલેટ વેચાયા વિનાના પડ્યા છે. જેમાંથી ૭૦ ટકા અફોર્ડેબલ હાઉસિંગની કેટેગરીમાં આવે છે, જ્યારે ૩૦ ટકા લક્ઝરી ફલેટ્‌સ અને બંગ્લોઝ છે. પૂર્વ હોય કે પશ્ચિમ, અમદાવાદના બંને હિસ્સામાં આ મકાનો આવેલા છે. વેચાતા ના હોય તેવા મકાનોની સંખ્યા પણ વધી રહી છે. રેસિડેન્શિયલ માર્કેટ ત્રણ કેટેગરીમાં વહેંચી શકાય. જેમાં હાઈ એન્ડ ફલેટ્‌સ કે રેસિડેન્શિયલ યુનિટની કિંમત ૧.૬ કરોડથી ૮ કરોડ હોય છે. જ્યારે મિડ સેગમેન્ટનો ફલેટ ૬૦ લાખથી ૧.૬ કરોડની વચ્ચે આવે છે. ૫૫ લાખથી ઓછી કિંમત ધરાવતા ફલેટ્‌સને અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટમાં ગણવામાં આવે છે. હાઈ એન્ડ કેટેગરીમાં ઘણા ડેવલપર્સ હવે ૨૦ ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. જ્યારે મિડ કેટેગરીમાં પણ ૧૨-૧૫ ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. અફોર્ડેબલ હાઉસમાં પણ બિલ્ડરો હવે મોડેથી પેમેન્ટ આપવા ઉપરાંત ભાવતાલને લઈને વધુ ફલેક્સિબલ થઈ રહ્યા છે. એક બિલ્ડરના જણાવ્યા મુજબ અફોર્ડેબલ હાઉસની ડિમાન્ડ હંમેશા રહે છે. જોકે, હાલની સ્થિતિમાં મારા જેવા ઘણા ડેવલપર્સ પેમેન્ટ બાબતે વધુ ફલેક્સિબલ થયા છે. મોડા પેમેન્ટ આપવા ઉપરાંત હવે ગ્રાહકોને ડિસ્કાઉન્ટ આપવામાં પણ બિલ્ડરો અચકાતા નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks