કરફ્યુના પ્રથમ દિવસે જ કામ વિના બહાર નિકળવું લોકોને ભારે પડ્યું

અમદાવાદ, તા.૨૧
કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ શુક્રવાર રાત્રે ૯ વાગ્યાથી કરફ્યુનો અમલ શરૂ થયો છે. ત્યારે કરફ્યુ હોવા છતા કેટલાક લોકો વગર કામે બહાર લટાર મારવા નીકળી પડ્યા હતા.
તો કેટલાક લોકો કરફ્યુ ભંગ કરીને બિન્દાસ્ત બહાર નીકળતા પોલીસે કાયદાનું હથિયાર ઉગામ્યુ હતું. કરફ્યુના પ્રથમ દિવસે જ પોલીસે અમદાવાદમાં વગર કામે બહાર ફરવા નીકળેલ ૨૦૦થી વધુ લોકોની અટકાયત કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરમાં શુક્રવારે રાત્રિના નવ વાગ્યાથી પોલીસ કાફલા સાથે ફ્લેગ માર્ચ કરી રહી છે. ઉપરાંત મોટાભાગના ચાર રસ્તા ઉપર બેરીકેટ લગાવીને પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા તમામ વાહન ચાલકોને પૂછપરછ કરવામાં આવી રહી છે કે તેઓ કયા કારણોસર બહાર નીકળ્યા છે. અરે જો યોગ્ય કારણ ન જણાય તો તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. આ પ્રકારે શહેરમાં વાત કરીએ તો બિનજરૂરી રીતે બહાર નીકળતા લોકો સામે પોલીસે ૨૧૫ કેસ દાખલ કર્યા છે. અને ૨૪૩ આરોપીઓની અટકાયત કરી છે. તો બીજી તરફ વાત કરીએ તો હવે લગ્ન પ્રસંગ માટે આ સમયગાળા દરમિયાન પોલીસની મંજૂરી લેવી પણ ફરજિયાત બનાવાયું છે જેના માટે અમદાવાદ શહેરમાંથી ૨૫ અરજીઓ પોલીસ પરમીશન માટે આવી છે.