અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર મનપા સિવાય રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલો માટે કોરોનાની સારવારના દરો નક્કી કરાયા અગાઉ જે શહેરોમાં આ દરો નિર્ધારિત કરાયા નથી ત્યાં આ દરો અમલી રહેશે

અમદાવાદ, તા.ર૮
રાજ્યની ખાનગી હોસ્પિટલોમાં સ્વખર્ચે સારવાર લઈ રહેલા કોવિડ-૧૯ના દર્દીઓ પાસેથી મોટી રકમ વસૂલાતી હોવાની ફરિયાદો મળતાં રાજ્ય સરકારે ધ એપિડેમિક ડિસીઝ એક્ટ ૧૮૯૭ની જોગવાઈઓને આધીન રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને તેમના ખર્ચે આપવામાં આવતી સારવારના દરો નિયત કર્યા છે. આઈ.સી.યુ.ની સુવિધા વિનાની આરોગ્યલક્ષી સેવાઓ માટે વોર્ડમાં પ્રતિદિન રૂા.૫૭૦૦ અને હાઈ ડિપેન્ડન્સી યુનિટ-એચ.ડી.યુ.માં પ્રતિદિન રૂા.૮૦૭૫નો સીલિંગ રેટ નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે આઈ.સી.યુ.ની સુવિધા સાથેની આરોગ્યલક્ષી સારવાર માટે પ્રતિદિન-પ્રતિ બેડનો વોર્ડનો દર રૂા.૬૦૦૦, હાઈ ડિપેન્ડન્સી યુનિટ-એચ.ડી.યુ.નો દર રૂા.૮૫૦૦, આઈસોલેશનની સાથે આઈ.સી.યુ.ની સેવાના દર રૂા.૧૪,૫૦૦ અને વેન્ટિલેટર- આઈસોલેશન અને આઈ.સી.યુ. સાથેના દર રૂા.૧૯,૦૦૦ નક્કી કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આજે આ અંગેના આદેશો કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે નિયત કરેલા આ દર અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર મહાનગરપાલિકાના વિસ્તારોમાં લાગુ પડશે નહીં. કારણ કે, આ વિસ્તારોમાં આ પહેલાં-શરૂઆતથી જ ભાવો નિયત કરી દેવામાં આવ્યા છે. માં અને માં-વાત્સલ્ય યોજના અંતર્ગત જે ખાનગી હોસ્પિટલ એમ્પેનલ કરાયેલ છે એવી હોસ્પિટલોમાં માં અને માં-વાત્સલ્ય યોજનાના લાભાર્થી તરીકે જે દર્દીઓ સારવાર મેળવશે તેમને માં અને માં-વાત્સલ્ય યોજનાથી નિયત થયેલા દરો લાગુ પડશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, નિયત કરેલા આ દરોમાં ટોસિલિઝુમેબ અને રેમડેસિવીર ઈન્જેક્શન્સ તથા સેકન્ડરી બેક્ટેરિયલ ઈન્ફેક્શનની સારવારમાં જરૂરી દવાઓ અને પ્રોફિલેક્સિસમાં વપરાતી હાયર એનિબાયો ટિક્સનો સમાવેશ થતો નથી. એટલું જ નહીં, સ્પેશિયલ ડૉક્ટર વિઝીટ, લેબોરેટરી ચાર્જીસ તથા પ્રતિ ડાયાલિસિસના રૂા.૧૫૦૦ અને આઈસીયુમાં ડાયાલિસિસના રૂા.૩૫૦૦નો પણ આ દરોમાં સમાવેશ થતો નથી. નક્કી કરવામાં આવેલા આ દરોમાં બે ટાઈમનું ભોજન, સવારનો નાસ્તો, સાંજની ચા અને નાસ્તો તથા પી.પી.ઈ. કિટ્‌સ, એન-૯૫ માસ્ક, તમામ રૂટીન દવાઓ, રૂમ ચાર્જીસ અને નર્સિંગ ચાર્જીસનો સમાવેશ થાય છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks