અમદાવાદ, તા. ૨૫
શહેરના ઉજાલા સર્કલ પર આવેલી મયુર પેલેસ હોટેલ એન્ડ ગેસ્ટહાઉસમાં સેક્સ રેકેટ ચાલતું હોવાનો પર્દાફાશ થયો છે. ગઈકાલે મોડીરાત્રે દરોડા પાડીને દેહવિક્રય માટે બહારથી યુવતીઓ બોલાવતી મહિલા જ્યોતિ પટ્ટણી અને હોટેલના મેનેજર સુરેશ પટેલની ધરપકડ કરી છે. દરોડા દરમિયાન દેહવેપાર માટે લવાયેલી એક યુવતી છોડાવી હતી.
પોલીસને બાતમી મળી હતી કે વેજલપુર વિસ્તારની રહેવાસી જ્યોતિ ઉર્ફે જ્યોત્સના પટ્ટણી હોટેલ મયુર પેલેસમાં દેહવેપાર માટે બહારથી યુવતીઓ લાવતી હતી. જેને આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલીને આ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. મહિલા દલાલ, હોટેલ મેનેજર અને હોટેલના લાઈસન્સ ધારક વિરૂદ્ધ અસલાલી પોલીસ સ્ટેશનમાં ઈમોરલ ટ્રાફિકીંગ પ્રિવેન્સન એક્ટ ૧૯૫૬ની કલમ ૩,૪,૫ મુજબ ગુનો નોંધાવ્યો છે. ઉલ્લેખનિય છે કે, નાતાલ અને ૩૧ ડિસેમ્બરને લઈને સુરક્ષા અને ગેરકાયદેસર પ્રવૃતિઓને લઈને પોલીસે ફાર્મ હાઉસો તથા હોટલ, ગેસ્ટહાઉસમાં ચેકિંગની પ્રક્રિયા હાથધરી છે.