અમરેલી, તા.૨૪
અમરેલીમાં રેશનિંગ દુકાનધારકો અને પુરવઠા વિભાગના અધિકારીઓની મિલી ભગતથી ગરીબ પ્રજાનો અનાજનો જથ્થો તો ઠીક પરંતુ શહેરના સુખી સંપન્ન માણસોના રેશનિંગનો જથ્થો પણ તેમના કાર્ડમાંથી ઉપાડી લઇ કોંભાંડ આચરતા સામાજિક કાર્યકર અને આરટીઆઈ એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડિયાએ આ કૌભાંડની તપાસ કરવા લેખિતમાં મુખ્યમંત્રીને રજૂઆત કરતા પુરવઠા ખાતાના અધિકારીઓમાં તથા દુકાનદારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. અમરેલીના સામાજિક કાર્યકર અને આરટીઆઈ એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડિયાએ આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને લેખિતમાં ફરિયાદ કરેલ છે કે, કેન્દ્ર અને રાજ્યની એનએફએસ યોજના અંતર્ગત શહેરના લોકોને મળતો અનાજનો જથ્થો બારોબાર વેચી કૌભાંડ આચરવામાં આવેલ છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, શહેરના સુખી સંપન્ન લોકો જેવા કે વેપારીઓ, ડોકટરો, વકીલો, પત્રકરો રાજકીય આગેવાનો બુદ્ધિજીવીઓ લોકોના રેશનિંગ કાર્ડમાંથી રેશનિંગ દુકાનધારકો અને પુરવઠા વિભાગની મિલી ભગતથી વર્ષોથી અનાજ જથ્થો ઘઉં, ચોખા ખાંડ, કેરોસિન સહિતનો રેશનિંગ સામગ્રી બારોબાર ઉપડી ગયેલ છે. સુખડિયાએ શહેરના નામાંકિત સુખી સંપન્ન લોકોના રેશનિંગ કાર્ડમાંથી અંગુઠા માર્યા વગર ડિસેમ્બર ૨૦૧૭નો રેશનિંગનો જથ્થો ઉપાડી ગયેલ છે તે પૈકી ૫૦ લોકોના નામ સાથે તેની યાદી મુખ્યમંત્રીને મોકલી છે અને રાજ્યના પુરવઠા વિભાગના અધિકારીઓ તેમજ એનઆઈસી સંચાલકો અને દુકાન ધારકોની મિલી ભગતથી સોફ્ટવેર સાથે છેડછાડ કરી આંખુ રાજ્યવ્યાપી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની પણ ફરિયાદ કરેલ છે. આ અંગે રેશનિંગ માફિયાઓ સામે કાયદેસર પોલીસ તપાસ કરાવી અનાજનો જથ્થો રિકવર કરી કાર્યવાહી કરવા મુખ્યમંત્રીને ફરિયાદ કરતા અધિકારીઓ અને રેશનિંગ ધારકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.