અમેરિકાએ ઈરાનના તે ટાપુ પર હુમલો કર્યો જ્યાં ઈરાની દળો દરિયાઈ સુરંગો બિછાવવાની તૈયારી કરી રહ્યાં હતાં
(એજન્સી) તા.૩૧
ઈરાન અને અમેરિકાએ સોમવારની રાત્રિ દરમિયાન એક મહિનાથી વધુ સમય બાદ પ્રથમ વખત એકબીજા પર હુમલા કર્યા છે. બંને દેશો વચ્ચે થયેલી આ અથડામણથી છેલ્લા કેટલાક અઠવાડિયાંથી સૈન્ય શાંતિ બાદ ફરીથી વિનાશક સંઘર્ષ ભડકી ઊઠવાનું જોખમ ઊભું થયું છે. અમેરિકાએ જણાવ્યું હતું કે હોર્મુઝની સામુદ્રધુનીમાં દરિયાઈ સુરંગો બિછાવવાની તૈયારી કરી રહેલા ઈરાની રોકેટ પ્રક્ષેપકો પર અમેરિકાએ હુમલો કર્યો હતો. તેના જવાબમાં ઈરાને જોર્ડન અને સંયુક્ત આરબ અમીરાતમાં આવેલા અમેરિકન સૈન્ય ઠેકાણાઓ તરફ મિસાઇલો છોડીને વળતો હુમલો કર્યો છે.હોર્મુઝની સામુદ્રધુની મહત્ત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગ છે અને તે હવે પ્રાદેશિક તણાવ તથા રાજદ્વારી પ્રયાસોના કેન્દ્રમાં છે. આ હુમલાઓ એવા સમયે થયા છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે થોડા દિવસ પહેલાં જ હોર્મુઝની સામુદ્રધુનીને દરિયાઈ સુરંગોથી મુક્ત જાહેર કરી હતી. આ ઘટનાથી ઈરાન સામે સૈન્ય કાર્યવાહી કરતાં આર્થિક દબાણ વધારવા તરફ અમેરિકાની તાજેતરની નીતિમાં ફરી ફેરફાર થયો છે.
છેલ્લા છ મહિનાથી આ સંઘર્ષમાં અમેરિકા અને ઈરાન આ મહત્વપૂર્ણ જળમાર્ગ પર નિયંત્રણ માટે સતત સંઘર્ષ કરી રહ્યાં છે. આ જળમાર્ગ વૈશ્વિક ઊર્જા પુરવઠા માટે અત્યંતમહત્ત્વપૂર્ણ છે. ઈરાન નિયમિતપણે જહાજો પર હુમલા કરીને આ જળમાર્ગનું સંચાલન કરવાનો પોતાનો અધિકાર હોવાનો દાવો કરે છે. બીજી તરફ અમેરિકા જહાજોને માર્ગદર્શન આપીને અને ઈરાનના બંદરોની લશ્કરી નાકાબંધી કરીને દરિયાઈ પરિવહન ચાલુ રાખવા માટે મક્કમ છે. અમેરિકાએ રવિવારે ઈરાનના લારક ટાપુ પર આવેલા બે રોકેટ પ્રક્ષેપકોને નિશાન બનાવ્યા હતા. અમેરિકી મધ્ય કમાન્ડના પ્રવક્તા કેપ્ટન ટિમ હોકિન્સે જણાવ્યું હતું કે અમેરિકાએ ઈરાની દળોને સામુદ્રધુનીમાં સુરંગો સાથે રોકેટ છોડવાની તૈયારી કરતાં જોયા હતા.અમેરિકી મધ્ય કમાન્ડે જણાવ્યું કે મહત્ત્વપૂર્ણ જળમાર્ગમાં તાત્કાલિક જોખમ ઊભું કરી રહેલા ઈરાનના સુરંગ બિછાવનારા દળો સામે અમેરિકી સૈન્યએ મર્યાદિત અને ચોક્કસ કાર્યવાહી કરી હતી. અમેરિકી કમાન્ડે જણાવ્યું કે ઈરાને જોખમ ઊભું કર્યું હતું અને નાગરિક નાવિકો, વ્યાવસાયિક જહાજો તથા વૈશ્વિક વેપારના મુક્ત પ્રવાહની સુરક્ષા માટે અમેરિકી સૈન્યએ તે જોખમ દૂર કર્યું છે.દક્ષિણ ઈરાનમાં બંદર અબ્બાસ નજીક આવેલા નાના લારક ટાપુની આસપાસ વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. ઈરાનના સરકારી માધ્યમોએ ઈરાની સૈનિકો તથા નાગરિકોમાં જાનહાનિના અહેવાલ આપ્યા હતા. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને સોમવારે જણાવ્યું હતું કે તેમનો દેશ યુદ્ધ ઇચ્છતો નથી, પરંતુ આક્રમણ સામે તે ક્યારેય નિષ્ક્રિય નહીં રહે અને નિર્ણાયક જવાબ આપવાની ક્ષમતા ધરાવે છે. ઈરાનના શક્તિશાળી ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાડ્ર્સે અમેરિકાના હુમલાને ટ્રમ્પ વહીવટીતંત્રની “વ્યૂહાત્મક અને ઘાતક ભૂલ” ગણાવી હતી અને વળતો જવાબ આપવાની પ્રતિજ્ઞા લીધી હતી.
સોમવાર સવારે ઈરાને દાવો કર્યો હતો કે તેણે જોર્ડન અને સંયુક્ત આરબ અમીરાતમાં અમેરિકી સૈન્ય દ્વારા ઉપયોગમાં લેવાતા ઠેકાણાઓને નિશાન બનાવ્યાં હતાં. ઈરાનના સરકારી માધ્યમોએ એવા દૃશ્યો પ્રસિદ્ધ કર્યા હતા જેમાં ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાડ્ર્સ દ્વારા જોર્ડનમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો તરફ મિસાઇલો છોડવામાં આવી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. જોર્ડનની સશસ્ત્ર સેનાએ જણાવ્યું હતું કે તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ દેશની હવાઈ સીમામાં પ્રવેશેલી આઠ મિસાઇલોને અટકાવીને નષ્ટ કરી હતી. સૈન્યના જણાવ્યા અનુસાર આ મિસાઇલો નાગરિકો અથવા મિલકત માટે કોઈ જોખમ ઊભું કરે તે પહેલાં જ નિષ્ક્રિય કરી દેવામાં આવી હતી.
સંયુક્ત આરબ અમીરાતે તેના પ્રાદેશિક જળક્ષેત્ર ઉપર એક ડ્રોન શોધી કાઢ્યું હતું. આ પહેલાં ઈરાનના સરકારી માધ્યમોએ દાવો કર્યો હતો કે ઈરાનના રિવોલ્યુશનરી ગાડ્ર્સે ત્યાં અમેરિકી સૈનિકોની હાજરી ધરાવતા એક મથકને નિશાન બનાવ્યું હતું. સંયુક્ત આરબ અમીરાતે આ મથકને નિશાન બનાવવામાં આવ્યું હોવાનો ઇન્કાર કર્યો હતો. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે દેશ પોતાના જવાબ આપવાના સંપૂર્ણ અધિકારને જાળવી રાખે છે.જોકે છેલ્લા કેટલાક મહિનામાં હુમલાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો, જ્યારે ઈરાને અન્ય અરબ દેશો પર હુમલા ચાલુ રાખ્યા હતા. ટ્રમ્પ વહીવટીતંત્રે જણાવ્યું હતું કે અમેરિકી મધ્ય કમાન્ડે ગયા અઠવાડિયે આંતરરાષ્ટ્રીય જહાજોના માર્ગોમાંથી દરિયાઈ સુરંગો દૂર કરવાની કામગીરી પૂર્ણ કરી હતી. ટ્રમ્પે જણાવ્યું હતું કે નવી સુરંગો બિછાવનાર કોઈપણ જહાજ અથવા નૌકાને તાત્કાલિક નષ્ટ કરવામાં આવશે અને ઈરાનને આ અંગે જાણ કરી દેવામાં આવી છે. અમેરિકી દળો આ વિસ્તાર પર નજર રાખી રહ્યાં છે અને આ મહત્ત્વપૂર્ણ જળમાર્ગમાંથી વેપારનો પ્રવાહ જાળવી રાખવા માટે તૈયાર છે.
યુદ્ધ શરૂ થયાને છ મહિના થઈ ગયા હોવા છતાં અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટો અટકી ગઈ છે. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે હાલમાં બંને દેશો વચ્ચે કોઈ વાટાઘાટો ચાલી રહી નથી. પરંતુ ઈરાન અને ઓમાન હોર્મુઝની સામુદ્રધુનીમાંથી દરિયાઈ પરિવહન ફરી શરૂ કરવા માટેની સંભવિત વ્યવસ્થા અંગે ચર્ચા કરી રહ્યાં છે.
કતાર સહિતના પ્રાદેશિક મધ્યસ્થીઓએ આ વાટાઘાટોને સમર્થન આપ્યું છે. સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિના સલાહકાર અનવર ગર્ગાશે સોમવારે જણાવ્યું હતું કે આજે વાસ્તવિક રાજકીય ઉકેલો, જે સંકટના રાજકીય અને આર્થિક બંને પાસાંઓને ઉકેલી શકે તેની જરૂર છે.રવિવારનો હુમલો ૨૯ જુલાઈ પછી ઈરાન પર અમેરિકાનો પ્રથમ સીધો હુમલો હતો. તે દિવસે અમેરિકાએ અગાઉના દિવસે અમેરિકી સૈન્ય મથકો પર થયેલા હુમલાના પ્રયાસનાજવાબમાં મોટા પાયે હુમલાઓ કર્યા હતા. તાજેતરના અઠવાડિયાઓમાં ટ્રમ્પે સૈન્ય કાર્યવાહી કરતાં ઈરાન પર આર્થિક દબાણ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમેરિકાના નાણાં મંત્રાલયે ઈરાન સાથેના આર્થિક સંબંધો ઘટાડવાનો ઇન્કાર કરનારા દેશો સામે નવા પ્રતિબંધો લાદવાની ધમકી આપી છે. અમેરિકાના નાણાં મંત્રી સ્કોટ બેસન્ટે જણાવ્યું હતું કે મંત્રાલય ઈરાન સામે દર અઠવાડિયે નવા ગૌણ આર્થિક પ્રતિબંધો જાહેર કરે તેવી શક્યતા છે. શરૂઆતમાં આ પ્રતિબંધો બેંકો પર કેન્દ્રિત રહેશે.અમેરિકાએ ઈરાન પર હુમલા કર્યા બાદ રવિવારે વૈશ્વિક તેલના ભાવમાં વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય માપદંડ ગણાતું બ્રેન્ટ ક્રૂડ તેલનો ભાવ ૨.૮ ટકા વધીને પ્રતિ બેરલ ૯૦.૫૭ ડોલર થયો હતો. અમેરિકી ક્રૂડ તેલનો ભાવ પણ ૨.૭ ટકા વધીને પ્રતિ બેરલ ૮૫.૬૪ ડોલર થયો હતો.