અમેરિકા પોતાની પ્રતિબદ્ધતાઓ પૂરી નહીં કરે ત્યાં સુધી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ રહેશે : ઈરાન

 

જૂનના કરાર હેઠળની શરતો અમેરિકા સ્વીકારે નહીં ત્યાં સુધી જળમાર્ગ ખોલવાનો કે વાટાઘાટોમાં પાછા ફરવાનો કોઈ વિકલ્પ નથી : સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર કાલિબાફની સ્પષ્ટતા

 

 

(એજન્સી) બંદર અબ્બાસ/તેહરાન, તા.ર૦
જૂન મહિનામાં થયેલા કરાર હેઠળ અમેરિકા પોતાની તમામ પ્રતિબદ્ધતાઓ પૂરી નહીં કરે અને ઈરાનની શરતો નહીં સ્વીકારે ત્યાં સુધી વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વપૂર્ણ એવો ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (હોર્મુઝની સમુદ્રધૂની) જળમાર્ગ બંધ જ રહેશે, તેમ ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર કાલિબાફ દ્વારા રવિવારે જણાવવામાં આવ્યું છે. ઈરાનના સરકારી પ્રસારણકર્તા આઈઆરઆઈબી (IRIB) મુજબ, સંસદને સંબોધતા સ્પીકરે સ્પષ્ટ કર્યું હતું કે, ઈરાને મધ્યસ્થીઓ દ્વારા પોતાના તમામ નિયમો અને શરતો સામેના પક્ષ સુધી સ્પષ્ટપણે પહોંચાડી દીધી છે.
સંસદમાં બોલતા કાલિબાફે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “દુશ્મન દેશ એ વાત સારી રીતે જાણે છે કે છેતરપિંડી અને એકતરફી દબાણ કરવાનો રસ્તો હવે બંધ થઈ ચૂક્યો છે. જ્યાં સુધી અમારી શરતો પૂરી ન થાય, ઈરાની જનતાના કાયદેસરના અધિકારોને માન્યતા ન મળે અને અમેરિકા પોતાની પ્રતિબદ્ધતાઓ પૂર્ણ ન કરે, ત્યાં સુધી અગાઉની સ્થિતિ મુજબ વાટાઘાટોમાં પાછા ફરવાનો કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરીથી ખોલવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી.” નોંધનીય છે કે, ચાલુ વર્ષે ૨૮ ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલા બાદ મધ્ય પૂર્વમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી. આ હુમલાના જવાબમાં ઈરાને અમેરિકી સૈન્ય મથકો ધરાવતા આસપાસના ક્ષેત્રીય દેશો પર વળતા પ્રહારો કર્યા હતા. આ સાથે જ ઈરાને તેલ અને ગેસના આંતરરાષ્ટ્રીય પરિવહન માટે વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગોમાંથી એક એવા સ્ટ્રેટ ઓફ હોર્મુઝને સંપૂર્ણપણે બંધ કરી દીધો હતો. ત્યારબાદ જૂન મહિનામાં વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે લશ્કરી કામગીરી અટકાવવા અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ફરીથી વહાણવટો શરૂ કરવા માટે એક સમજૂતી સાધવામાં આવી હતી. જોકે, આ વ્યૂહાત્મક જળમાર્ગમાં નેવિગેશન અને સુરક્ષા વ્યવસ્થાઓને લઈને બંને દેશો વચ્ચે સર્જાયેલા ગંભીર મતભેદોને કારણે આ કરાર પાછળથી નિષ્ફળ ગયો હતો, જેને પગલે હાલમાં પણ આ સમુદ્રી માર્ગ પર અવરજવર બંધ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks