(એજન્સી) તા.૯
મકાબી તેલ અવીવ અને એજેક્સ વચ્ચેની યુરોપા લીગની મેચ પછી ગઈકાલે રાત્રે એમ્સ્ટરડેમમાં ઇઝરાયેલના ફૂટબોલ ચાહકોએ ભારે હોબાળો મચાવ્યો હતો, ખાનગી મિલકતમાંથી પેલેસ્ટીન ધ્વજ ફાડી નાખ્યા હતા અને જાતિવાદી સૂત્રો પોકાર્યા હતા. ઇઝરાયેલના ચાહકોએ પસાર થતા લોકો સાથે અથડામણ કરી, સંપત્તિને નુકસાન પહોંચાડ્યું અને પેલેસ્ટીન ધ્વજને પણ આગ લગાડી. સોશિયલ મીડિયા પર ફરતા વીડિયોમાં મક્કાબી સમર્થકો ખાનગી મિલકતને નુકસાન પહોંચાડતા, સ્થાનિક ટેક્સી ડ્રાઈવર પર હુમલો કરતા અને પોલીસ સાથે અથડામણ કરતા જોવા મળે છે. ફૂટબોલ પત્રકાર લેયલા હેમેડે જણાવ્યું કે ‘ઈઝરાયેલી ક્લબ મક્કાબી તેલ અવીવના ગુંડાઓએ એમ્સ્ટરડેમની શેરીઓમાં કૂચ કરી હતી. તેઓએ ઘરોમાંથી પેલેસ્ટીન ધ્વજ ચોરી લીધા હતા અને પેલેસ્ટીન ધ્વજને આગ પણ લગાવી હતી.’ જો કે, ઇઝરાયેલી અધિકારીઓએ હુમલાઓને ‘ઇઝરાયેલી નાગરિકો સામેની હિંસા’ તરીકે દર્શાવી હતી. વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ‘એમ્સ્ટરડેમમાં ઇઝરાયલી નાગરિકો સામે ખૂબ જ હિંસક ઘટના’ની નિંદા કરી. તેમણે શહેરમાં ઇઝરાયલીઓને મદદ કરવા માટે બચાવ વિમાનો તૈનાત કરવાની જાહેરાત કરી અને વચન આપ્યું કે ‘એમ્સ્ટરડેમમાં અમારા નાગરિકો પરના હુમલાની કઠોર છબીઓને અવગણવામાં આવશે નહીં.’ નેતન્યાહુએ ડચ સરકારને ઇઝરાયલી નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે ‘તોફાનીઓ સામે મજબૂત અને ઝડપી કાર્યવાહી’ કરવા પણ માંગ કરી છે. ઇઝરાયેલના વિદેશ મંત્રાલયે જાહેરાત કરી છે કે વિદેશ મંત્રી ગીડોન સા’ર થોડા કલાકોમાં નેધરલેન્ડની મુલાકાત લેશે. તેમની મુલાકાત દરમિયાન તેઓ ડચ વિદેશ મંત્રી કાસ્પર વેલ્ડકેમ્પ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓને મળવાના છે. સા’ર એમ્સ્ટરડેમમાં ઇઝરાયેલના નાગરિકો અને ડચ યહૂદી સમુદાયના સભ્યોને પણ મળશે.