(એજન્સી) તા.૬
સઉદી અરબના ઈસ્લામિક મામલાઓ, દાવા અને માર્ગદર્શન મંત્રાલયે આ વર્ષે મુસ્લિમ દેશોના અવાકફ મંત્રીઓનું સંમેલન આયોજિત કરવામાં આવ્યું છે. જેનો વિષય છે ‘ઉદારવાદના સિદ્ધાંતો અને મૂલ્યોના પ્રચારમાં અવાકફ મંત્રાલયોની ભુમિકા. મક્કામાં આયોજિત બે દિવસીય કાર્યક્રમમાં ૬ર દેશોના અવાકફ મંત્રી, મુફતી અને ઈસ્લામી સંસ્થાઓના પ્રમુખ એક સાથે આવ્યા. પેનલે વિવિધ વિષયો પર ચર્ચા કરી, જેમાં ઉગ્રવાદ અને આતંકવાદનો સામનો કરવો, ધર્મોપદેશોમાં ઉગ્રવાદને રોકવો, સહ-અસ્તિત્વ અને સહિષ્ણુતાને પ્રોત્સાહન આપવું, મુસ્લિમો અને ઈસ્લામની વિરૂદ્ધ નફરતનો સામનો કરવો, ધાર્મિક પ્રવચનને સમજવું અને યોગ્ય માહિતી વિના ફતવા જારી કરવાના જોખમ સામેલ હતા. ઓમાનના પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરતા ડો.મોહમ્મદ સઈદ અલ-મામારીએ મૂલ્ય અધોગતિ, નૈતિક પછાત અને સમાજ પર ધ્રુવીકરણ અને ઘૃણાની અસરના વૈશ્વિક પડકારો પર ભાર આપ્યો. તેમણે સમાજની સુરક્ષા અને નૈતિક મૂલ્યોને જાળવી રાખવા માટે ઈસ્લામી અધિકારીઓની વચ્ચે સહયોગનું આહ્વાન કર્યું. સંમેલને પેલેસ્ટીની મુદ્દા માટે ઈસ્લામી જગતના સમર્થનનો પણ પુનરોચ્ચાર કર્યો. તેમજ પેલેસ્ટીનીઓને તેમના કાયદેસર અધિકાર મેળવવાની જરૂરિયાત પર પ્રકાશ નાખ્યો, જેમાં પૂર્વ જેરૂસલેમને પોતાની રાજધાની તરીકે એક સ્વતંત્ર રાજ્યની સ્થાપના પણ સામેલ છે. તેણે આંતરરાષ્ટ્રીય સમુદાયને ગાઝામાં ચાલી રહેલા નરસંહારની વિરૂદ્ધ પેલેસ્ટીનીઓનું સમર્થન કરવાનો આગ્રહ કર્યો.