(સંવાદદાતા દ્વારા) માંગરોળ, તા.૫
ગણપતિની પ્રતિમાની સ્થાપના અને ત્યારબાદ પ્રતિમાનું વિસર્જન કરવાના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે આ તહેવાર શાંતિભર્યા માહોલમાં સંપન્ન થાય એ માટે પોલીસ વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે આજે તાલુકા મથક માંગરોળ ખાતે મામલતદાર કચેરીના સભાખંડમાં સુરત જિલ્લાના અધિક સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ હેતલબેન પટેલની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિ અને આયોજકોની એક બેઠક રાખવામાં આવી હતી. સુરત જિલ્લાના ડીવાયએસપી એમ.કે. વાળાએ જણાવ્યું કે, સુરતના જિલ્લા કલેક્ટરે ગણપતિની પ્રતિમાની સ્થાપના અને વિસર્જન સંદર્ભે ગઈ તા.૧૦મી ઓગસ્ટના રોજ એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે અને આ જાહેરનામામાં જે વિગતો દર્શાવી છે એનો ચુસ્તપણે આયોજકોએ અમલ કરવાનો રહેશે. આ પ્રસંગે ઉપસ્થિત સુરત જિલ્લાના અધિક સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ હેતલબેન પટેલે જણાવ્યું કે, વહીવટી તંત્ર દ્વારા વિસર્જનનો જે સમય આપવામાં આવ્યો હોય એ સમયમાં પ્રતિમાનું વિસર્જન કરવાનું રહેશે. એમણે અસામાજિક તત્ત્વોથી સાવચેત રહેવા અનુરોધ કરી, પોલીસ તંત્ર દ્વારા, સંપૂર્ણ સહકાર અપાશે. એવી ખાત્રી આપવામાં આવી હતી. માંગરોળમાં પીએસઆઈ એ.બી. મોરીએ વિસર્જન દરમિયાન જે નિયમોનો અમલ કરવાનો છે એની સમજૂતિ આપી હતી.