
ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલન્જર્સ બેંગ્લોર વચ્ચે પ્રારંભિક મુકાબલો
નવી દિલ્હી, તા.ર૧
ધોનીના સંન્યાસને લઈ કયારેય સમાપ્ત નહીં થનારી અટકળો. ૧૬ વર્ષથી ટાઈટલ નહીં જીતી શકવાની વિરાટ કોહલીની કસક, જીવન પાસેથી બીજી તક મેળવી મેદાન પર ઉતરી રહેલો રિષભ પંત અને કેપ્ટનશીપ છીનવાઈ જવાની રોહિત શર્માની પીડા, આ બધી કહાણીઓ શુક્રવારથી શરૂ થઈ રહેલા આક્રમક ક્રિકેટના મહાસમરને વધારે રોચક બનાવવા માટે પૂરતી રહેશે. ધોની ૪ર વર્ષની ઉંમરમાં પણ આઈપીએલનો સદાબહાર કપ્તાન છે અને તેને જ્યારે પૂછવામાં આવશે કે શું આ તેની અંતિમ ટુર્નામેન્ટ છે તો કદાચ એકવાર ફરી તે હસવા માંડશે. તેનો વાસરદાર ગણાતો વિકેટકીપર બેટ્સમેન પંત ભયંકર કાર અકસ્માતમાં જીવતદાન મેળવી મેદાન પર પરત ફરી રહ્યો છે. પોતાની બિન્દાસ મુંબઈયા અંદાજની પાછળ પીડા છુપાવનાર રોહિત વાનખેડે સ્ટેડિયમ પર ઊતરશે. પણ આ વખતે કપ્તાન નહીં હોય દર્શકોનો ફેવરિટ રોહિત પોતાના બેટથી દર્શકોને મંત્રમુગ્ધ કરવા આતુર હશે કિંગ કોહલીની નજર ટાઈટલ પર હશે. જેના માટે તે ૧૬ વર્ષથી રાહ જોઈ રહ્યો છે. એક જ ટીમ માટે શરૂથી રમી રહેલા આઈપીએલના એકમાત્ર ખેલાડી કોહલીનું ઝનૂન તેની ટીમ સાથે ટોનિકનું કામ કરશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મહિલા ટીમે હાલમાં જ મહિલા પ્રીમીયર લીગનું ટાઈટલ જીત્યું છે. ઓછામાં ઓછા ૧૦થી ૧ર ખેલાડી પસંદગીકારો સામે પોતાની ઉપયોગિતા સાબિત કરવા માટે આતુર હશે જેથી અમેરિકા અને વેસ્ટઈન્ડિઝમાં રમાનાર ટી-ર૦ વિશ્વકપની ટિકિટ મેળવી શકે. પૂરી દુનિયાને ક્રિકેટના રંગમાં રંગનાર આ વાર્ષિક ઈવેન્ટમાં અમુક ખેલાડી પુનરાગમન કરશે તો અમુક નવા ખેલાડી ચમકશે. અમુક સફળતાના શિખરે પહોંચશે તો અમુકની કારકિર્દી પૂરી થઈ જશે.
એક ઓવરમાં આ રમતમાં નસીબ બદલાઈ જાય છે દરેક મેચ બાદ ખેલાડીઓને સોશિયલ મીડિયાના રૌદ્ર સ્વરૂપનો સામનો કરવો પડે છે. પૈટ કમિન્સ (સનરાઈઝ હૈદરાબાદ) અને મિચેલ સ્ટાર્ક (કોલકાતા નાઈટ રાઈડર્સ) જેવા મોંઘા વેચાયેલા ખેલાડીઓ ઉપર અપેક્ષા મુજબનું પ્રદર્શન કરવાનું ભારે દબાણ હશે. એકવાર ફરી ચેન્નાઈ સુપર કિંગ્સ છઠ્ઠા ટાઈટલનું પ્રબળ દાવેદાર હશે. રચિન રવિન્દ્રને ધોનીની કેપ્ટનશીપમાં પોતાના ટેલેન્ટને ચમકાવવાની તક મળશે ઝડપી બોલિંગનો દારોમદાર દીપક ચહર પર હશે. ટીમમાં ઋતુરાજ ગાયકવાડ, મોઈનઅલી અને રવિન્દ્ર જાડેજા જેવા ધુરંધર પણ છે. બીજી બાજુ ર૦ર૦ સુધી પાંચ ટાઈટલ અને ગત ત્રણ વર્ષથી ટ્રોફી નહીં જીતી શકવાથી મુંબઈ ઈન્ડિયન્સને કપ્તાન બદલવા માટે લાચાર કરી દીધું. હાર્દિક પંડ્યા સામે ફક્ત ટાઈટલ જીતવાનું જ નહીં પણ ડ્રેસિંગ રૂમમાં બધાના દિલ જીતવાની પણ જવાબદારી હશે.