આખરે ૨૭ દિવસ બાદ લઘુમતી સમુદાયના ૧૦ લોકોનો જામીન પર છૂટકારો

(સંવાદદાતા દ્વારા)
માંગરોળ, તા.૧૬
૧૮ ફેબ્રુઆરીએ માંગરોળના બંદર વિસ્તારમાં કાટવીના વડલા પાસે ખારવા અને લઘુમતીઓ વચ્ચે થયેલી જૂથ અથડામણના ૨૭ દિવસ બાદ આખરે ગુરૂવારની સાંજના લઘુમતી સમુદાયના ૧૦ આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. આ બાબતે લોકોમાં અનેક પ્રકારની શંકા-કુશંકા અને ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ અથડામણને લઈને બંને પક્ષે સામસામે ફરિયાદો થઈ છે. જેમાં મુસ્લિમ સમાજના ૩૦ જ્યારે ખારવા સમાજના ૪૦થી વધુ ઈસમો પર નામ જોગ ફરિયાદ કરવામાં આવી છે. પરંતુ માંગરોળ મરીન પોલીસે લઘુમતી સમુદાયમાંથી ૧૦ તથા કથિત ઈસમોની ૩૦૭ જેવી ભારે કલમો અંતર્ગત અટક કરી હતી જ્યારે સામે પક્ષે ખારવા સમુદાયના ફક્ત ત્રણ જ ઈસમોની ૪૩૬ કલમ અંતર્ગત અટક કરવામાં આવી હતી અને તેમને પણ વહેલી તકે જામીન પર મુક્ત કરી દીધા હતા. આ તમામ આરોપીઓને માંગરોળ કોર્ટમાં રજૂ કરતી વખતે પણ મરીન પોલીસે એક તરફી વલણ અપનાવી મુસ્લિમ સમુદાયના ૧૦ આરોપીઓના ૩ દિવસના રિમાન્ડ માગ્યા હતા જ્યારે ખારવા ઈસમોના રિમાન્ડની માંગ જ ન કરતા અનેક પ્રશ્નો ઉઠયા હતા. બીજી બાજુ એક મહિના જેટલો સમય વીતી જવા છતાં લઘુમતી સમુદાયના ૧૦ આરોપીઓને જામીન ન મળતા પોલીસની એક તરફી કાર્યવાહી ઉપરાંત વકીલની કામગીરી અને મુસ્લિમો સમાજના અગ્રણીઓ પણ લોકોમાં ટીકા ટીપ્પણીઓનો ભોગ બન્યા હતા. સામાન્ય રીતે આવા કિસ્સાઓમાં બે-ચાર દિવસમાં જામીન મંજૂર થઇ જતા હોય છે. પરંતુ કેટલાક કહેવાતા અગ્રણીઓના ઓવર કોન્ફીડન્સના લીધે સરળ કેશમાં પણ ગૂંચવાડો ઊભો થઇ જતાં આરોપીઓને ૨૭ દિવસ સુધી જેલમાં ગોંધાઈ રહેવું પડયું હતું. જેના કારણે આરોપીઓના પરિવારજનો સહિત લોકોમાં અગ્રણીઓ પ્રત્યે નારાજગી વ્યાપી હતી. જો કે, આ પ્રકરણમાં પાછળથી જૂનાગઢના વકીલ યુસુફ કરૂડને કેશ સોપતાં ધારદાર દલીલો કરી હતી. જેમાં ભાજપના નેતા ચૂંટણી ધરીમાં રાજકીય કીન્નાખોરી રાખી સુલેમાન ભાઈના આખા પરિવારના સભ્યોના નામો ચડાવી દીધા છે. કોઈ ધારદાર હથિયારનો ઉપયોગ થયો ન હોવા છતાં પોલીસે ૩૦૭ની કલમ કેમ લગાવી દીધી ? આ દલીલો ગ્રાહ્ય રાખી સેસન્સ કોર્ટેના જામીન મંજૂર કર્યા હતા. બીજી બાજુ ૧૦ આરોપીમાના ઈકબાલ મધ્યાની સગી બહેનની ૧૪ વર્ષની દીકરીનું બુધવારે રાત્રે અકાળે મોત થયું હતું. ભાણજીના જનાઝામાં મામા શરીક થઈ જાય તે માટે આતુરતાથી રાહ જોવાઈ રહી હતી. આવા દુઃખદ સમયે રીઢા કેદીઓને પણ રજા મળી જતી હોય છે. પરંતુ માંગરોળ કોર્ટે સેસન્સ કોર્ટે નો જામીન ઓર્ડર હોવા છતાં ગુરૂવાર સાંજ સુધી રીલિઝ ઓર્ડર ન કરતાં ભાણજીના આખરી દીદાર પણ કરી શક્યા નહોતા. આ બાબતે કોર્ટે માનવતાને પણ ધ્યાને ન લીધી કે, પછી સ્થાનિક વકીલની રજૂઆતમાં દમ નહોતો તેવી પણ અનેક ચર્ચાઓ સાથે લોકોમાં રોષની લાગણી વ્યાપી ગઈ હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts