આજે દલિત, પાટીદાર, રાજપૂત સહિતનો સમાજ સંગઠિત થઈ રહ્યા છે, તો આપણે પણ જાગૃત થવું પડશે : ઈકબાલ ધોરીવાલા

(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૯,
જકાત, લીલ્લાહ મદ્રેસા અને મસ્જીદમાં આપે છે પરંતુ તેમાંથી અમુક હિસ્સો હવે શિક્ષણ ક્ષેત્રે આપવો જરૂરી છે, આ પણ એક પુણ્યનું કાર્ય છે. ભરૂચી પટેલો વિખરાયેલા મોતી હતા. પરંતુ વર્લ્ડ ભરૂચી વહોરા પટેલ ઓર્ગેનાઇઝેશન એ વિખરાયેલા મોતીને પરોવી માળા તૈયાર કરવાનું ઉમદા કાર્ય કર્યું છે. શિક્ષણનો વ્યાપ વધારવા માટે દાતાઓએ આગળ આવવું પડશે. તેમ આજે આ સંસ્થા દ્વારા યોજવામાં આવેલા પરામર્શ ૨૦૧૮ કાર્યક્રમમાં સંબોધન કરતા વડોદરા ખાતેની સંસ્થાના પ્રમુખ સાદિકભાઇ પટેલે જણાવ્યું હતું.
રવિવારના રોજ તાંદલજા દારૂલ ઉલુમ પાસે યોજાયેલા પરામર્શ ૨૦૧૮ કાર્યક્રમમાં સાદિક પટેલ સહિત મુખ્ય અતિથિ પદે યુનુસ અમદાવાદી જ્યારે અતિથિ વિશેષ તરીકે યુકેથી આવેલા ઇકબાલભાઇ ધોરીવાલા, ઇકબાલભાઇ પાદરવાલા, કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને અબ્દુલ્લા પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
વર્લ્ડ ભરૂચી વહોરા પટેલ આર્ગેનાઇઝેશન વડોદરાના પ્રમુખ સાદિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે,સંસ્થાએ છૂટા છવાયા સ્થાયી થયેલા પટેલોને સંગઠિત કર્યા છે. સંસ્થાનું કાર્ય ગામડામાંથી શહેરમાં ઉચ્ચ અભ્યાસ માટે અને નોકરી માટે આવતા યુવક-યુવતીઓને માટે શહેરોમાં હોસ્ટેલ, મુસાફર ખાના, કોમ્યુનિટી હોલ જેવી પાયાની સુવિધાની વ્યવસ્થા કરવી પડશે.આજના યુવા વર્ગમાં વાંચન ઓછુ થઇ ગયુ છે. આથી આપણે પુસ્તકાલયોની સ્થાપનાને પણ મહત્વ આપવું પડશે. આ પુસ્તકાલયોમાં દિની અને દુન્યવી પુસ્તકોના સહારે વિદ્યાર્થીઓ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. વર્તમાન યુગમાં જ્ઞાન ખુબજ જરૂરી છે. જ્ઞાન શિક્ષણના સહારે મેળવી શકાય છે. જ્ઞાન કિંમતી હથિયાર છે. આ સંસ્થા ભલે ભરૂચી પટેલોની છે. પરંતુ નાત જાતના ભેદ વગર સમાજના દરેક વર્ગને પણ મદદ કરશે.
સાદિક પટેલે અપીલ કરતા કહ્યું કે, અમારી પાસે હિંમત અને સુનિશ્ચિત આયોજન છે. પરંતુ નાણાંના અભાવને કારણે સેવાકીય કાર્યોમાં બાધા આવે છે. તેમની અપીલના પગલે કાર્યક્રમમાં ઉપસ્થિત દાતાઓએ દાનનો ધોધ વહાવ્યો હતો. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને અબ્દુલ્લા પટેલે ટૂંકા વક્તવ્યમાં જણાવ્યું હતું કે, વડોદરાની સંસ્થાએ સામાજિક ક્ષેત્રે ખુબ સારૂ કાર્ય કર્યું છે. તેમણે સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિને બીરદાવી હતી.
અતિથિ વિશેષ તરીકે યુકેથી આવેલા ઇકબાલભાઇ ધોરીવાલાએ કહ્યું કે, એક જ વર્ષમાં વડોદરાની ટીમે કરેલી કામગીરી જોઇ લાગી રહ્યું છે કે, આપણે જોયેલા સપના પૂર્ણ થશે. તાજેતરમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં દરેક સમાજની તાકાત જોવા મળી છે એ સમાજની સામે સરકારે ઝૂકવું પડ્યું હતું. સમાજ મજબૂત હોવો જરૂરી છે.
તેમણે એમ પણ કહ્યું કે, આજે દલિત, પાટીદાર, રાજપૂત સહિતનો સમાજ સંગઠિત થઇ રહ્યા છે. તો આપણે પણ જાગૃત થવું પડશે. આપણની કોમના લોકો દેશ વિદેશમાં સ્થાયી થયેલા ધનવાન લોકો છે. ધનનો યોગ્ય રીતે ઉપયોગ થાય તેવું કાર્ય કરી બતાવવું પડશે તો દાતાઓ દાન આપવામાં પાછી પાની નહીં કરે. પહેલી ડિસેમ્બર ૨૦૧૭ ના રોજ બોલ્ટનમાં સંસ્થાની ઓફિસ શરૂ કરવામાં આવી છે. જ્યારે ઇકબાલભાઇ પાદરાવાલાએ જણાવ્યું હતું કે, આપણા વડવાઓએ અમદાવાદ તેમજ મુંબઇમાં હોસ્ટેલ અને મુસાફરખાના બનાવ્યા છે પણ ત્યાર પછી જે કામ થવું જોઇએ તે થયું નથી. જે કામ અટકી ગયું હતું તે હવે આપણે સંગઠીત થઇ હવે નવી પેઢીને સાથે રાખી તેમના ભાવિને ઉજળુ બનાવવા માટે આપણે કાર્ય કરવું પડશે.
યુનુસભાઇ અમદાવાદીએ જણાવ્યું હતું કે,પોતાનામાં રહેલા દુષણો સામે તેમજ સમાજમાં રહેલા દુષણો સામે લડવું અને આ દુષણોને દુર કરવા તે પણ એક જેહાદ છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજના લોકોએ સંગઠનને બળ પુરૂ પાડવું પડશે. લગ્ન સહિતના પ્રસંગોમાં અઢળક ખર્ચ ન કરતા સંગઠનને સહાય કરવી જોઇએ. શિક્ષણ પાછળ ખર્ચ કરવો જોઇએ. જ્યારે આ સંમેલનમાં મૌલાના અબ્દુલકાદીર શેઠ કાવીવાલાએ ખિદમતે ખલ્ક ઉપર પ્રવચન આપ્યું હતું.
આ પ્રસંગે આ સંગઠનની વેબસાઇડનું લોચીંગ તેમજ વિઝન ૧૦-૧૦ પણ રજુ કરવામાં આવ્યું હતું. સંસ્થાનો વાર્ષિક અહેવાલ વડોદરાના સંગઠનના સેક્રેટરી નાસીરભાઇએ રજૂ કર્યો હતો. આભારવિધિ સલીમભાઇએ કરી હતી. જ્યારે સંમેલનનું સંચાલન મુસ્તાક શેરપુરાવાલાએ કર્યું હતું. આ પ્રસંગે વિદેશથી પધારેલા યુકેથી પધારેલા હબીબભાઇ ભુતા, જામ્બીયાથી પધારેલા યુસુફ અહેમદ દાદાભાઇ, કેનેડાથી પધારેલા ઐયુબભાઇ મીયાંજી, મોહંમદભાઇ રાંદેલ, ફારૂકભાઇ પટેલ (ભરૂચ), ઇબ્રાહીમભાઇ ફુદીનાવાલા (સુરત) તેમજ વડોદરા સંસ્થાના હોદ્દેદાર મૌલાના ઐયુબભાઇ પટેલ,ગુલામભાઇ વાડીવાલા, ચીસ્તીયા મસ્જીદના ટ્રસ્ટી પટેલ ઇબ્રાહીમભાઇ, ઇલીયાસભાઇ રોયલ, બસીર પટેલ, મકસુદભાઇ પટેલ સહિતના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં વ્હોરા પટેલ સમાજના લોકો ઉપસ્થિત રહ્યાં હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks