(સંવાદદાતા દ્વારા) વીરપુર, તા.૨૩
૨૪ માર્ચ એટલે કે, આજે વિશ્વ ટીબી દિવસ છે ત્યારે મહિસાગર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ટીબી સપ્તાહ ઉજવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત જાગૃતિ લાવવા માટે જિલ્લા આરોગ્ય અધિકારી સ્વપ્નિલ શાહ અને વીરપુરના સરપંચ દિપીકાબેન સોની દ્વારા લીલીઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા માહિતી પુસ્તિકા તથા પેમ્પલેટ વેચી લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. ચોંકાવનારી વાત છે કે, દેશમાં એમડીઆર (મલ્ટિ ડ્રગ્સ રેસીસ્ટન્ટ ટીબી) અને એક્સડીઆર (એક્સ્ટ્રીમ ડ્રગ્સ રેસીસ્ટન્ટ) ટીબી બાદ હવે ટીડીઆર એટલે કે ટોટલ ડ્રગ્સ રેસીસ્ટન્ટ ટીબીનાં દર્દીઓ જોવા મળી રહ્યા છે ત્યારે મહિસાગર જિલ્લામાં વર્ષ ૨૦૦૧૭માં ૧૫૯૬૯ દર્દીઓને તપાસ્યા હતા. જેમાંથી ૨૦૯૩ કેસ ટીબીના નોંધાયા હતા. જેમાં લુણાવાડા ૫૦૯, સંતરામપુર ૫૬૧, કડાણા ૨૧૩, ખાનપુર ૨૦૩, વીરપુર ૨૦૧, બાલાસિનોર ૪૦૬ કેસ નોંધાયા હતા જ્યારે વસ્તીની દૃષ્ટિએ જોઈએ તો સૌથી વધુ બાલાસિનોર અને વીરપુર તાલુકામાં કેસ જોવા મળ્યા છે અને હાલ દરેક દર્દીને દવા-ગોળી આપી સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. મહિસાગર જિલ્લા આરોગ્ય અધિકારી સ્વપ્નિલ શાહે જણાવ્યું હતું કે, હઠીલા ટીબીની લેબોરેટરી કરવા માટે પહેલાં અમદાવાદ અને ગોધરા જવું પડતું હતું અને ૫૦૦૦ રૂપિયા આપવા પડતા પણ હવે એ મશીન લુણાવાડા સિવિલ કેમ્પસ એટલે કે કોટેજ હોસ્પિટલ ખાતે આવી ગયું છે અને દર્દીઓને બિલકુલ ફ્રી ચાર્જમાં લેબોરેટરી કરી આપવામાં આવે છે.
ટીબીના દરેક દર્દીને દર મહિને ૫૦૦ રૂપિયા મળશે
પ્રધાનમંત્રી મંત્રી દ્વારા ૨૦૨૫ સુધીમાં ટીબી નાબૂદ કરવાનું અભિયાન હાથ ધરાયું છે ત્યારે ટીબીના કોઈ પણ જ્ઞાતિના દર્દી હોય કે ગમે તેટલી આવક હોય દરેક દર્દીને દર મહિને ૫૦૦ રૂપિયા ચૂકવવામાં આવશે.