આણંદમાં આભ ફાટ્યું : ૨૪ કલાકમાં મુશળધાર ૧ર.પ૯ ઈંચ વરસાદ ખાબક્યો

 

(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા. ૧૩
આણંદ શહેર સહિત જિલ્લાભરમાં છેલ્લા ૨૪ કલાકમાં આભ ફાટયું તેમજ મુશળધાર વરસાદ પડયો છે, જેમાં આણંદ શહેરમાં માત્ર ૨૪ કલાકમાં ૧૨.૫૯ ઈંચ વરસાદ ખાબકતા અનેક નિચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે અને માર્ગો પર પાણી ભરાઈ જતા તેમજ ભાલેજ રોડ પર આવેલી વિવિધ સોસાયટીઓમાં પાણી ભરાતા લોકોનાં મકાનોમાં પાણી પ્રવેશી ગયા હતા અને જેનાં કારણે લોકો ભારે હાલાકીમાં મુકાઈ ગયા હતા અને ભારે વરસાદનાં કારણે જનજીવન પણ ભારે પ્રભાવિત થયું હતું. આણંદ શહેરમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૨.૫૯ ઈંચ જેટલો મુશળધાર વરસાદ તુટી પડતા શહેરમાં અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા,શહેરમાં ગોયા અને વડા તળાવ ઓવરફલો થતા તળાવનાં પાણી ગામડી વડ,જલારામ મંદીર,સ્વામિનારાયણ મંદીર તેમજ નવા બસસ્ટેન્ડ,બેઠક મંદીર માર્ગ પર ભરાતા આ વિસ્તારમાં ઢીંચણ થી કમર સમાણા પાણી ફરી વળ્યા હતા.જયારે ગોયાતળાવ અને વડાતળાવ ઓવરફલો થતા બન્ને તળાવની વચ્ચે આવેલા માર્ગ તેમજ રોકડીયા હનુમાન મંદીર માર્ગ પર ફરી વળતા બન્ને તળાવો એકાકાર થઈ ગયા હતા, જ્યારે સો ફુટ રોડ પર ઈન્દીરા સ્ટેચ્યુ પાસે તેમજ ૮૦ ફુટ રોડ વરસાદી પાણીથી જળબંબાકાર થઈ ગયા હતા.
શહેરમાં સૌથી વધુ ખરાબ હાલત ભાલેજ રોડ પર આવેલી વિવિધ સોસાયટીઓની થઈ હતી,જેમાં સોસાયટી તરફ જતા માર્ગો પર કમર સમાણા પાણી ભરાઈ ગયા હતા,ગામડી ગામનું તળાવ ઓવરફલો થતા તેમજ કાંસનાં પાણી આગળ વહન નહીં થતા કોહીનુર સોસાયટી, હિના પાર્ક સોસાયટી, ઈસ્માઈલનગર કબ્રસ્તાનની પાછળ આવેલી સોસાયટી, ઉમરી નગર, જકાતનાકાથી નવા કબ્રસ્તાન તરફ જવાનાં માર્ગ પર શાનમ પાર્ક, શાહેઆલમ પાર્ક અતિક પાર્ક, બિસ્મિલ્લા સોસાયટી, નયા વતન સોસાયટી સહિતની વિવિધ સોસાયટીઓમાં માર્ગો પર પાણી ભરાઈ જતા લોકો ભારે હાલાકીમાં મુકાઈ જવા પામ્યા હતા તેમજ અનેક પરિવારોનાં મકાનોમાં પાણી પ્રવેસી જતા અનાજ તેમજ ધરવખરી કપડા ગોડદા પલળી જતા ભારે નુકસાન થવા પામ્યું છે, તેમ છતાં એક પણ સરકારી અધિકારી આ વિસ્તારની મુલાકાતે કે લોકોની સ્થિતિ જોવા આવેલ નથી જેને લઈને લોકોમાં તંત્ર વિરૂદ્ધ ઉગ્ર આક્રોશ પ્રવર્તી રહ્યો છે. ભારે વરસાદમાં વધતા જતા પાણીને લઈને લોકોને આખી રાત જાગતા વિતાવવી પડી હતી. જ્યારે શહેરમાં કેટલાક સ્થળોએ વૃક્ષો પણ ધરાશાયી થયા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks