(એજન્સી) દિસપુર, તા.રપ
આસામમાં નેશનલ રજિસ્ટર ફોર સિટીઝન્સ (એનઆરસી)ના અંતિમ ડ્રાફ્ટના પ્રકાશનની તારીખ નજીક આવવાની સાથે જ રાજ્યના લાખો લઘુમતીઓમાં આતંકનો ડર વધતો જઈ રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ અને મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે વિશ્વાસ અપાવ્યો છે કે, કાયદેસર રીતે ભારતમાં આવનારા લોકોને કોઈ તકલીફ નહીં પડે અને ત્યારબાદ તેમને નાગરિકતા સાબિત કરવાની તક મળશે. તેમ છતાંય લોકોમાં રહેલો ભય ઓછો થઈ રહ્યો નથી.
લગભગ ત્રણ વર્ષથી એનઆરસીને અપડેટ કરવાની પ્રક્રિયા ચાલુ રહ્યા બાદ, હવે ૩૦ જુલાઈએ તેનો અંતિમ ડ્રાફ્ટ પ્રકાશિત કરવામાં આવશે. આ ડ્રાફ્ટમાં જેનું નામ નહીં હોય તેમને ગેરકાયદેસર નાગરિક માનવામાં આવશે. લાખો લોકો માત્ર ૩૦ જુલાઈની રાહ જોઈ રહ્યાં છે. આ પહેલાં આ ડ્રાફ્ટને ૩૦ જૂનના રોજ પ્રકાશિત કરવાનો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે રાજ્યમાં કુદરતી આપત્તિને ધ્યાનમાં રાખીને તેની સમયમર્યાદા એક મહિના સુધી વધારી દીધી હતી. એનઆરસીમાં જેઓના નામનો ઉલ્લેખ નહીં હોય, તેમને વિદેશી જાહેર કરી દેવામાં આવશે અને આસામમાંથી હાંકી કાઢવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આસામમાં સુપ્રીમ કોર્ટના આદેશને આધારે અને તેની દેખરેખ હેઠળ વર્ષ ર૦૧પમાં એનઆરસીને અપડેટ કરવાનું કામ શરૂ થયું હતું. બે વર્ષ જેટલા લાંબા સમયગાળા સુધી ચાલેલી જટિલ ક્વાયત બાદ ગત ૩૧ ડિસેમ્બરે એનઆરસીના ડ્રાફ્ટનો ફર્મો પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જેમાં ૩.ર૯ કરોડમાંથી માત્ર ૧.૯ કરોડ લોકોનાં જ નામ સામેલ હતા.