(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૦
આધાર ડેટાબેઝ લીકની ખબરના થોડા દિવસો બાદ ઊભી થયેલી ગોપનીયતા ચિંતાઓનો ઉકેલ લાવવાના પ્રયાસરૂપે, ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ (યુઆઈડીએઆઈ) એ બુધવારે તેની સુરક્ષા માટેનું એક મોટું પગલું ઉઠાવ્યું. યુનિકે એક નવો અભિગમ રજૂ કર્યો છે. યુનિક ઓથોરીટીએ આધાર કાર્ડ ધારકો માટે ૧૨ આંકડાના નંબરને બદલે ૧૬ આંકડાવાળી ‘વર્ચ્યુઅલ આઈડી’ દાખલ કરી છે. આ નવી બે સ્તરીય સુરક્ષા સિસ્ટમ- વર્ચ્યુઅલ આઈડી બનાવવા તથા સીમિત કેવાયઈસી પણ જારી કરવામાં આવી છે. આ બન્ને ઉપાયો દ્વારા આધાર ઉપભોક્તાઓની ગુપ્તતા વધારે સારી રીતે જળવાઈ રહેશે. વર્ચ્યુઅલ આઈડીને કારણે કોઈ પણ આધાર નંબરની ચકાસણી સમયે તમારે તમારા આધાર નંબર નહીં આપવો પડે. આ રીતે આધાર ઓથેંટિકેશન પહેલા કરતાં પણ વધારે સુરક્ષિત બની રહેશે. વર્ચ્યુઅલ આઈડી ૧૬ આંકડાઓ વાળો એક નંબર હશે જે ઓથેંટિકેશન માટે આધાર નંબરની જગ્યાએ ઉપયોગ કરવામાં આવશે. આ નંબર અણીને સમયે કમ્પ્યુટર દ્વારા તાત્કાલિક જનરેટ થશે. યુનિકના એક અધિકારીએ કહ્યું કે કોઈ ઉપભોક્તા તેની ઈચ્છા મુજબના ઘણા આઈડી બનાવી શકે છે. નવું આઈડી બનાવ્યાં બાદ જુનુ આઈડી આપમેળે રદ થઈ જાય છે. તે ઉપરાંત યુનિક ઓથોરોટીએ સીમિત કેવાયસીનો અભિગમ પણ દાખલ કર્યો છે જે જરૂરિયાતને આધારે અથવા તો ઉપભોક્તાઓની સીમિત માહિતી અધિકૃત એજન્સીને પૂરી પાડશે. આ વર્ચ્યુઅલ આઈડી કામચલાઉ ધોરણે છે અને આધાર રજૂ કરનાર ખાનગી કે સરકારી સંસ્થાઓ ૧ માર્ચ, ૨૦૧૮ થી તેને સ્વીકારવાનું ચાલુ કરશે. લિમિટેડ કેવાયસી સુવિધા આધાર ઉપભોક્તાઓ માટે નથી પરંતુ એજન્સીઓ માટે છે. એજન્સીઓ આધાર માટે કેવાયસી માટે તમારા આધાર ડિટેલની વિગતો માં ગછે અને તેને સ્ટોર કરે છે. આ કદમ એવે ટાણે ઉઠાવવામાં આવ્યું છે કે જ્યારે એક દિવસ પહેલા આરબીઆઈ સહયોગ માટે તૈયાર કરવામાં આવેલી સંશોધન નોંધમાં આધાર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આરબીઆઈ સાથે સંબંધિત એક થિંક ટેન્કે કહ્યું કે હાલના સ્વરૂપમાં આધાર સાયબર અપરાધિઓ માટે ઘણુ સરળ નિશાન રહ્યું છે. થિંકટેન્કે કહ્યું કે આધારની સામે કેટલીક લઘુ અને અને લાંબા ગાળાના પડકારો છે. તેમાં જણાવ્યાનુસાર, ડેટાની ચોરી રોકવી સૌથી મોટો પડકાર છે. સંશોધન નોટમાં એવું પણ કહેવામાં આવ્યું કે આજનો યુગ પ્રતિસ્પર્ધાનો છે. જેનાથી નૈતિક મર્યાદાનો ભંગ થઈ રહ્યો છે. આધાર ડેટા પૂરી રીતે સુરક્ષિત નથી અને સાયબર અપરાધીઓ તેમાં ભંગાણ સર્જીને ડેટા ચોરી કરી શકે ઉલ્લેખનીય છે કે લગભગ ૧૫,૦૦૦ લોકોના એક સર્વેક્ષણમાં એવી વાત બહાર આવી હતી કે ૫૨ ટકા લોકો સરકારી એજન્સીઓ દ્વારા તેમના આધારની વિગતો પર ચિંતિત છે. થોડા સમય પહેલા આધાર ડેટાની લીકની ખબર આવી હતી. જેને ગંભીરતાથી લઈને યુનિક ઓથોરીટીએ આ મહત્વનું સુરક્ષા કવચ દાખલ કર્યું છે.
જો કોઈની પાસે આધાર ન હોય તો શું સરકાર
માટે તેનું અસ્તિત્વ નથી ? સુપ્રીમનો સવાલ
સુપ્રીમ કોર્ટે બુધવારે સરકારને એક મહત્વનો સવાલ પૂછ્યો. સુપ્રીમે કહ્યું કે જો કોઈની પાસે આધાર ન હોય તો શું સરકાર માટે તેનું અસ્તિત્વ નથી ? કોર્ટે ઉમેર્યું કે કોઈ ઘર વિહોણા વ્યક્તિ પાસે આધાર નંબર ન હોય તો સરકાર માટે તેનું અસ્તિત્વ ખરૂ કે નહીં. આધાર સાથે સંબંધ ન ધરાવતા એક કેસની સુનાવણી દરમિયાન કોર્ટે આ મુજબનો સવાલ ઉઠાવ્યો હતો. સુપ્રીમના જજોએ એવો સવાલ ઉઠાવ્યો કે ઘર વિહોણો કોઈ વ્યક્તિ કેવી રીતે આધાર નંબર મેળવી શકે. જો તેની પાસે આધાર ન હોય તો તેને માણસ ગણવામાં આવશે કે નહીં. જવાબમાં વકીલે કહ્યું કે વોટર આઈડી કાર્ડ જેવા બીજા પણ કાર્ડ છે. પરંતુ તે સવાલનો આકરો જવાબ આપતાં કોર્ટે કહ્યું કે વોટર આઈડી મેળવવા માટે ઘરના સરનામાની જરૂર પડે છે. તેની પાસે ઘર જ નથી તો પછી તે સાબિતી કેવી રીતે આપી શકશે. કોર્ટે એવું પણ જાણવા માંગ્યું હતું કે દેશમાં કેટલાક લોકોની પાસે આધાર કાર્ડ છે.