આધુનિક ચેસ્ટીટી બેલ્ટ : એક ભારતીય યુવતીએ હાઇટેક એન્ટી-રેપ અન્ડરવેરની શોધ કરી

(એજન્સી) તા.૧૬
યુકેના ન્યાય, ગૃહ અને રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર મંત્રાલયના જણાવ્યા અનુસાર ઇંગ્લેંડ અને વેલ્સમાં દર પાંચ મહિલાએ એક મહિલા યૌન અપરાધનો અથવા તે માટેના પ્રયાસનો ભોગ બને છે. નેશનલ સેક્સ્યુલ વાયલન્સ રિસોર્સ સેન્ટરના જણાવ્યા અનુસાર અમેરિકામાં દર ૯૮ સેકન્ડે કોઇને કોઇ મહિલા પર સેક્સ્યુલ હુમલો થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો દિવસમાં ૮૮૦ કરતા વધુ મહિલાઓ યૌન શોષણ કે યૌન અપરાધનો ભોગ બને છે. ૧૯૯૮થી અત્યાર સુધીમાં અમેરિકામાં ૧૭.૭૦ કરોડ મહિલાઓ બળાત્કારનો ભોગ બની છે. આ આંકડા ચિંતાજનક છે જે માટે ચોક્કસપણે કોઇ કાર્યવાહી કરવી જોઇએ. કાનૂની પગલાં દ્વારા નહીં પરંતુ સ્વબચાવની કેટલીક ટેકનિક શીખીને તેમજ પોતાના રક્ષણ માટે કેટલીક ચીજવસ્તુઓ સાથે રાખીને તેનો સામનો કરી શકાય.
આવી આઈટમમાં એક છે બળાત્કાર પ્રતિરોધક અંતઃવસ્ત્રો એટલે કે એન્ટિ-રેપ અન્ડરવેર. ભારતની એક મહિલાએ બળાત્કારના હુમલા કે પ્રયાસોને દૂર રાખવા માટે આવું અન્ડરવેર તૈયાર કરીને એક તત્કાળ ઉકેલ શોધી કાઢ્યો છે. આ અન્ડરવેરમાં જીપીએસ સિસ્ટમ પણ હોય છે અને તેની કિંમત ૬૮ ડોલરની આસપાસ થાય છે. ભારતમાં પણ બળાત્કારની સંખ્યા અને યૌન અપરાધો વધતા જાય છે. ૨૦૧૨માં ૨૪૯૨૩ બળાત્કાર થયા હતા જે ૨૦૧૬માં વધીને ૩૮૯૪૭ને આંબી ગયા હતા.
આ સંદર્ભમાં ઉત્તર ભારતના ફરુખાબાદના એક ગરીબ પરિવારમાંથી આવતી સિનુ કુમારીએ યૌન અપરાધો સામે રક્ષણ મેળવવાના સાધનરુપે એક બિનખર્ચાળ ડિવાઇસ શોધી કાઢી છે. આ રેપ પ્રૂફ અન્ડરવેરમાં એક સ્માર્ટ લોક હોય છે જે પાસવર્ડ વગર ખુલી શકે નહીં. તે જીપીએસ ટેકનોલોજીથી પણ સજ્જ હોય છે કે જેના કારણે તે ધારણ કરનારનું લોકેશન પોલીસ કે તેના કુટુંબીજનો સુધી મોકલી શકાય છે. ગુલાબી કલરનું આ અન્ડરવેર બુલેટપ્રૂફ હોય છે અને ચપ્પાથી પણ તેને કાપી શકાશે નહીં. સિનુ કુમારીએ જણાવ્યું હતું કે તેમાં રાખવામાં આવેલ સ્માર્ટ લોક પાસવર્ડ વગર ખુલી શકશે નહીં એ જ રીતે જ્યારે કોઇ મહિલાની છેડતીનો પ્રયાસ થશે તો જીપીએસ ડિવાઇસ પીડિતાના સગાસંબંધીઓને તેમજ પોલીસને મેસેજ મોકલશે અને જીપીએસ પરથી પોલીસને લોકેશન મળી જશે અને પોલીસ તાબડતોબ ઘટનાસ્થળ પહોંચી જશે. આ અન્ડરવેરમાં એક વીડિયો કેમેરો પણ મૂકવામાં આવ્યો છે જે અપરાધીની તસવીર અને ઓળખ ઝડપી લેશે. આ અન્ડરવેરના શોધક સિનુકુમારીએ જણાવ્યું હતું કે મહિલાએ આ અન્ડરવેર દરરોજ પહેરવાની જરુર નથી. જ્યારે તે ક્યાંય એકલી પ્રવાસમાં જાય કે તેને વાતાવરણ કે સ્થિતિ અસુરક્ષિત જણાય તો તે તેને પહેરી શકે છે. આ અન્ડરવેર ચેસ્ટીટી બેલ્ટની ગરજ સારે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks