જુનૈદ બાદ હવે બિહારથી દિલ્હી આવી રહેલી ટ્રેનમાં મહિલા સાથે મારપીટ

(એજન્સી) નવી દિલ્હી, તા. ૪
જુનૈદ હત્યાકાંડની ઘટના હજુ શાંત નથી થઇ ત્યાં તો બિહારથી દિલ્હી આવી રહેલી મહિલા સાથે ટ્રેનમાં ટોળા દ્વારા મારપીટની ઘટના બની છે. મારપીટ દરમિયાન આ મહિલા મદદ માટે બૂમો પાડતી રહી પરંતુ ત્યાં હાજર પોલીસે પણ તેની મદદ કરી નહોતી. પીડિતાનું નામ મોનિકા શેખર છે અને તે બિહારના સિવાનની રહેવાસી છે. આ મામલે મહિલાએ લખનઉ જીઆરપીમાં પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, બીજી જુલાઇની રાતે તે એસી સ્પેશિયલ ટ્રેનમાં પતિ સાથે સિવાનથી દિલ્હી માટે રવાના થઇ હતી. ગોરખપુરથી ગોંડા વચ્ચે કેટલાક પ્રવાસી તેની સીટ પર આવીને બેસી ગયા હતા. મોનિકાએ તેમને ત્યાંથી ઉઠી જવા કહ્યું ત્યારે તેઓએ તેની સાથે મારપીટ કરી હતી. આ દરમિયાન મોનિકાના પતિએ ટ્રેનમાં હાજર પોલીસની મદદ માંગી તેમ છતાં તેમણે તેની મદદ નહોતી કરી. જોકે, રેલવે મંત્રી સુરેશ પ્રભુએ સંબંધિત અધિકારીઓને હુમલાખોરો વિરૂદ્ધ કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે. પીડિત મહિલાએ ફેસબુક પર પોતાની વ્યથા દર્શાવી હતી. મોનિકાએ ટ્રેનોમાં સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા હતા. રેલવે અને તેની વ્યવસ્થાની ટીકા કરતા મોનિકાએ લખ્યું કે, ભગવાન કરે કોઇ પ્રવાસીને આવા દિવસો જોવા ન પડે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts