(એજન્સી) નવી દિલ્હી, તા.ર૪
દિલ્હી હાઈકોર્ટે ‘આપ’ને આજે થોડી રાહત આપી હતી. હાઈકોર્ટે જણાવ્યું છે કે, ગેરલાયક ‘આપ’ ધારાસભ્યોના ‘લાભના પદ’નો નિર્ણય જ્યાં સુધી નહીં કરાય ત્યાં સુધી ચૂંટણી પંચે દિલ્હીમાં પેટા ચૂંટણીઓની જાહેરાત કરવી નહીં.
દિલ્હી હાઈકોર્ટે ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકારને નોટિસો મોકલાવી જવાબ માંગ્યો છે અને આગામી સુનાવણી ર૯મી જાન્યુઆરીએ રાખી છે.
ગેરલાયક ઠરાવેલ આઠ ધારાસભ્યોએ હાઈકોર્ટમાં એમની સામે લીધેલ પગલાંને પડકાર્યો છે અને દિલ્હી હાઈકોર્ટમાં આ બાબત ફરીથી અરજી કરી જણાવ્યું છે કે, અમોએ કોઈ લાભનું પદ મેળવ્યું નથી. અમારી સામે રાજકીય દ્વેષથી ભાજપ દ્વારા પગલાં લેવાયા છે.
૧૯મી જાન્યુઆરીએ ચૂંટણી પંચે ‘આપ’ના ર૦ ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવા ભલામણ કરી હતી. જે ભલામણને રાષ્ટ્રપતિએ સ્વીકારી હતી. ર૦મી જાન્યુઆરીએ કાયદા વિભાગે નોટિફિકેશન બહાર પાડી ર૦ ધારાસભ્યોને જીએનસીટીડી કાયદાની કલમ ૧પ(૧)એ હેઠળ દોષી ઠરાવી ગેરલાયક ઠરાવ્યા હતા.
વકીલ પ્રશાંત પટેલે ચૂંટણી પંચ સમક્ષ ર૧ ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવા માગણી કરતી અરજી દાખલ કરી હતી. એમની ઉપર આક્ષેપ મૂકયો હતો કે એ સંસદીય સચિવનો હોદ્દો ધરાવે છે જે બંધારણ મુજબ લાભનો હોદ્દો છે.