આમોદની જનતાને એસ.ટી. બસ સેવાનો પૂરતો લાભ આપવામાં તંત્રની ઉદાસીનતા

(સંવાદદાતા દ્વારા) આમોદ, તા.રર
આમોદ શહેર પ૬ ગામો સાથે જોડાયેલ તાલુકા મથક છે. તેમ છતાં તેને એસ.ટી.નિગમ દ્વારા પૂરતી બસ સેવા ન મળતાં પ્રજાને હાડમારી વેઠવી પડે છે. જેમાં ખાસ કરીને નોકરિયાત, કાયમી અપડાઉન કરનારા લોકો તથા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આશ્ચર્યની વાત તો એ છે કે, આમોદ તાલુકા મથક હોવા છતાં કોઈપણ શિડ્યુલનું સંચાલન આમોદ બસ સ્ટેશનથી થતું નથી ! બસ સ્ટેશનનું બિલ્ડીંગ રપ વર્ષમનાં સાવ ભંગાર થઈ ગયું છે. ત્યાં નિત્ય કન્ટ્રોલરની હાજરી પણ હોતી નથી. ત્યારે એસ.ટી. તંત્ર આ અંગે ઘટતી કાર્યવાહી કરે તેવી લોકોની લાગણી અને માગણી પ્રવર્તે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હાલનું બસ સ્ટેશન બનાવવા આમોદના ગરાસિયા એસોસિએશને મફત જમીન આપેલી છે. તેનો પ્રજાકીય મહત્તમ ઉપયોગ ન થતું હોવાનું પ્રતિત થાય છે. આમોદથી જ પાલેજ, કરજણ, ગંધાર, દહેજ, વાગરા, દેનવા જેવા અસંખ્ય રૂટો ઓપરેટ કરવામાં આવે તો આમોદની હાલની વાહનવ્યવહારની સમસ્યા હલ થઈ શકેે એમ છે. અલબત્ત, ચાર રસ્તા અને તિલક મેદાનનું સ્ટેન્ડ ખસેડવું જરૂરી નથી.
વળી, આમોદ ચાર રસ્તે ભરૂચ અને વડોદરા તરફ જવા માટે એસ.ટી. નિગમે મુસાફરો માટે એક પણ પીકઅપ સ્ટેન્ડ બનાવ્યું નથી. જેથી ચોમાસામાં મુસાફરોની હાલત કફોડી થઈ જાય છે.
તાલુકાની પ્રજાની સુવિધા માટે આમોદ નગર વેપારી એસોસિએશને કેટલીક બસો શરૂ કરવા માગણી કરી છે. જેમાં આમોદ-ભરૂચ-આમોદ ઈન્ટરસિટી બસ શરૂ કરવા સવારે ૮ઃ૪પ વાગ્યે આમોદથી વડોદરા તથા બપોરે વડોદરાથી આમોદ બસ શરૂ કરવાની માંગ કરી છે.
ઉપરાંત આમોદથી મણિનગર બસ ભરૂચની એક્સપ્રેસ બસને આમોદ સ્ટોપેજ આપવા, વડોદરા-દહેજ રૂટ ઉપર વધુ બસો દોડાવવા, આમોદ-અમદાવાદ રાત્રિ બસને ફરજિયાત તિલક મેદાન સ્ટેન્ડે લાવવામાં આવે તેવી માગણીઓ કરવામાં આવી છે. તેમજ વિદ્યાર્થીઓ અને નોકરિયાતોને પાસ કઢાવવાની આમોદ ખાતે જ વ્યવસ્થા કરાવવા રજૂઆત કરવામાં આવી છે.
આમોદની એસ.ટી.ને લગતી ઉપરોક્ત બાબતોની વિભાગીય નિયામકને રજૂઆત કરવામાં આવી છે. જે વેળા આમોદ નગર વેપારી એસોસિએશન અને વેપારી ક્રેડિટ સોસાયટીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks