(સંવાદદાતા દ્વારા)
આમોદ, તા.૧૪
ભરૂચ જિલ્લાના આમોદમાં પાછલા આશરે ૪ દિવસથી એક ધારી વરસાદ વરસી રહ્યો છે જેને કારણે આમોદ પંથકના માર્ગોની પરિસ્થિતિ ઘણી દયનીય બની હતી. બીજી તરફ આમોદથી દહેજ માર્ગ ઉપર આછોદ ગામ નજીક નાનો પુલ તોડીને તેને નવો બનાવવા માટે ડાયવર્જન આપવામાં આવ્યું હતું. પરંતુ તે ઘણું નીચું હોવાથી તેના ઉપર આ મૂશળધાર વરસતા વરસાદને કારણે પાણી ફરી વળતા વાહનવ્યવહાર ઠપ થઈ જવા પામ્યો છે. તેમજ આમોદથી બુવા ગામને જોડતો રસ્તો આવેલો છે જ્યાંથી આમોદ જઈ શકાય પરંતુ તે રસ્તા ઉપર પણ પાણી ફરી વળતાં આછોડ વાસીઓ ઘેરા સંકટમાં મૂકાય ગયા છે તેમજ બુવા ગામ તેમજ આમોદ તાલુકાના પુરસા અને કાંકરિયા ગામે પણ પૂરસાથી આમોદ જવાનો માર્ગ ઉપર પાણી ફરી વળતા તેમનું પણ જનજીવન ખોરવાય ગયું છે. આ સતત એકધારા વરસી રહેલા વરસાદના કારણે ચારે બાજુ જે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે તેનું મુખ્ય કારણ મછાસરા ગામે જે મત્સ્ય ઉદ્યોગ માટે તળાવો બનાવવામાં આવ્યા છે તેને કારણે આ પાણી આગળ ઝડપથી નહીં વધતા પાણીનો ઘેરાવો થઈ રહેતો હોવાની લોકચર્ચાએ ભારે જોર પકડતા લોકોમાં મત્સ્ય ઉદ્યોગ માટે તળાવો બનાવનારાઓ સામે રોષ ભભૂકતો હોવાના સમાચાર આમોદ પંથકમાં સાંપડી રહ્યા છે. આમોદથી વાગરા જતો રોડ ઉપર પાણી ફરી વળતા વાહનવ્યવહાર ખોરવાયો છે. બુવા ગામમાં પણ પાણી ફરી વળ્યાના દૃશ્યો જોવા મળી રહ્યા છે. આખે આખું ગામ જળબંબાકાર થઈ ગયું છે.