(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૪
આરએસએસના વિચારક સંગીત રાગીએ મંગળવારે ન્યૂઝ ૨૪ ચેનલ પર મૌલાનાને માર મારવાની ધમકી આપવામાં આવી હતી. આ શો પર તાજેતરમાં જમ્મુ-કાશ્મીરમાં શહીદ થયેલા સૈનિકો અંગે ચર્ચા થઇ રહી હતી. આશરે ૨૦ મિનિટની ચર્ચા દરમિયા રાગીએ આર્ટિકલ ૩૭૦ અને ૩૫ને હટાવવાની જરૂરીયાત પરભાર મુક્યો હતો અને તેને બંધારણીય છેતરપિંડી ગણાવી હતી. આ ચર્ચામાં ભાગ લેનારા મૌલાના સાજીદ રશીદીએ વચ્ચે જ રોકતા કહ્યું કે, તમારી સરકારમાં આ આર્ટિકલને નાબૂદ કરવાથી તમને કોણે રોકયા છે. સણસણતો જવાબ મળતા રાગીએ રશીદીને બ્લડી ઇડિયટ કહ્યા અને અભણ વ્યક્તિ કહ્યા હતા અને પાકિસ્તાની એજન્ટ પણ ગણાવ્યા હતા. ગુસ્સે ભરાયેલા રશીદીએ તેમને મર્યાદામાં રહેવાનું કહ્યું હતું. શોના એન્કર માનક ગુપ્તાએ પણ રાગીને આવા શબ્દપ્રયોગ ન કરવા કહેતા જણાવ્યું હતું કે, આરએસએસ વિચારકને મૌલાના વિરૂદ્ધ આવા શબ્દો બોલવાની પરવાનગી નથી આપતા.
આવી ભાષાના ઉપયોગ સામે ચર્ચામાં જોડાયેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાજીવ ત્યાગી અધવચ્ચેથી ચર્ચા છોડીને જતા રહ્યા હતા. આ ચર્ચાથી ગિન્નાયેલા એન્કર ગુપ્તાએ એક બ્રેક લેવાનું કહ્યું હતું. આ દરમિયાન રિટાયર્ડ મેજર જનરલ એસપી સિંહા મૌન રહ્યા હતા. જોકે, બ્રેક સમયે રાગીએ મૌલાના સામે પોતાનું જુતું ઉતારીને મારવાનો પ્રયાસ કર્યો હતો જે કેમેરામાં કેદ થઇ ગયું હતું. આ દરમિયાન પણ ભાજપ તરફી વલણ ધરાવતા મેજર જનરલ શાંત બેઠા હતા. ગુપ્તાએ ત્યારબાદ પણ રાગીને ચેતવણી આપી હતી બાદમાં ફરી ચર્ચા શરૂ કરી હતી.