(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
અર્થવ્યવસ્થા પર સતત આલોચનાનો સામનો કરી રહેલી મોદી સરકાર પર હવે આરએસએસ સાથે સંકળાયેલ ભારતીય મજૂર સંઘે આકરા પ્રહારો કર્યા છે. ભારતીય મજૂર સંઘના અધ્યક્ષ સજી નારાયણને કહ્યું કે, આર્થિક મોર્ચા પર જો આ જ સ્થિતિ રહેશે તો ર૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં ભાજપની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. સજીએ ન્યૂઝ મેગેઝિન આઉટલુકના પોતાના એક લેખમાં મોદી સરકારની સખ્ત શબ્દોમાં નિંદા કરી છે. નારાયણને લખ્યું કે, વિકાસ અને રોજગાર મુદ્દે કેન્દ્રની ભાજપ સરકાર યુપીએ-૩ જેવી લાગી રહી છે. સંઘ સમર્થિત સંગઠનો તરફથી થઈ રહેલી નિંદાથી સ્પષ્ટરૂપે દેખાઈ રહ્યું છે કે આરએસએસનો એક સમૂહ મોદી સરકારની આર્થિક નીતિઓથી ખાસ ખુશ નથી. સંઘ ભારતીય મજૂર સંઘ અને સ્વદેશી જાગરણ મંચ જેવા મોર્ચા દ્વારા કેન્દ્રના કાનો સુધી પોતાનો સંદેશ પહોંચાડી રહ્યા છે. ત્યાં સુધી કે નવા નિર્ણયો પણ ગરીબો પર દબાણ કરી રહ્યા છે અને ધનાઢયોને ફાયદો આપી રહ્યા છે. જે લોકોને આ સરકારે કામ કરવા માટે પસંદ કર્યા છે તેઓ ઘણા નિરાશ છે. સજી નારાયણને જણાવ્યું કે, આ એનડીએ સરકારમાં એવા ઘણા લોકો છે જે યુપીએ સરકારનો ભાગ હતા. તે લોકો ગરીબો, ખેડૂતો, પછાત અને સામાન્ય લોકોના હિતમાં કામ નથી કરી રહ્યા. નારાયણને ઘોષણા કરી કે ભારતીય મજૂર સંઘ, મોદી સરકાર વિરૂદ્ધ ૧૭ નવેમ્બરે સંસદ ભવન બહાર પ્રદર્શન કરશે. તે આર્થિક નીતિઓ, લઘુમતી વેતન, અસંગઠિત ક્ષેત્રમાં મજૂરની સામાજિક સુરક્ષા, સમાન વેતન અને ખાનગીકરણ વિરૂદ્ધ અવાજ ઉઠાવશે.