(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
અનેક વરિષ્ઠ આર્મી અધિકારીઓએ શૌર્યચક્ર વિજેતા ૩૯ વર્ષીય અધિકારીના નિધન પછી તેમના માતા-પિતાને અંતિમવિધિમાં સામેલ થવા માટે ૨૬૦૦ કિ.મી.થી વધુની બાય રોડ સફર કરવાની ફરજ પડતાં આક્રોશ ઠાલવ્યો છે. તેઓ અમૃતસરથી બેંગ્લુરૂ જવા નીકળ્યા છે. તદ્ઉપરાંત સૂત્રો અનુસાર સરકારે તેમના માટે કોઈ પ્રાઈવેટ એરક્રાફ્ટની પણ સુવિધા કરી આપી ન હતી. પૂર્વ આર્મી ચીફ વી.પી.મલિકે ટિ્વટ કરીને કહ્યું કે, ભારે સહાનુભૂતિ ! તમારી સફર સારી રહે તેવી કામના. આ દુઃખદ છે કે, સરકારે તમારી મદદ ન કરી. વિશેષ પરિસ્થિતિનો લાભ આપવાની જરૂર હતી.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના કારણે દેશ લોકડાઉનની સ્થિતિનો સામનો કરી રહ્યો છે. આ કપરી સ્થિતિમાં પોતાના પ્રાણ ગુમાવનાર જાંબાઝ દીકરાના માતા-પિતાની હાલત કફોડી બની છે. ભારત માતાનો વીર સપૂત જેની બહાદુરીના કિસ્સા પડઘાતા હતા, તેનું મોત થતાં માતા-પિતા પર જાણે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ છે. અમે વાત કરી રહ્યા છીએ કર્નલ નવજોત સિંહ બલની, જે શૌર્યચક્ર વિજેતા હતા અને માત્ર ૩૯ વર્ષની વયે જ કેન્સરના કારણે મોતને ભેટ્યા છે.
ભારત માતાનો એક એવો વીર સપૂત, જેની બહાદુરીના કિસ્સા લોકો ગામવાસીઓ માટે પ્રેરણાદાયક હતા. લોકડાઉનના કારણે દુકાન, સ્મશાન, કબ્રસ્તાન, બધુ જ ભેંકાર ભાસી રહ્યું છે ત્યારે માતા-પિતાની નજરો આ જાંબાઝના મૃતદેહને જોવા માટે તરસી રહી છે. માત્ર ૩૯ વર્ષના આ ઓફિસરે કેન્સરના કારણે ગુરૂવારે દુનિયામાંથી વિદાય લીધી હતી.
માતા-પિતા જીવતા હોય અને જ્યારે દીકરાનો મૃતદેહ નજર સમક્ષ આવે તો કાળજુ ચીરાઈ જતું હોય છે. મીડિયા રિપોટ્ર્સ અનુસાર, આર્મી ઓફિસરના વૃદ્ધ માતા-પિતા પોતાના દીકરાના અંતિમ સંસ્કાર કરવા માટે આશરે ૨૦૦૦ કિલોમીટરનું અંતર બાય રોડ કાપી રહ્યા છે. તેમના આ સાહસી દીકરાએ અનેક જંગ જીતી પરંતુ કેન્સર સામે જિંદગીની જંગ હારી ગયો. હાલ તો નવજોતના માતા-પિતા દીકરાના મૃતદેહથી ઘણાં જ દૂર છે. આંગળી પકડીને ચાલવાનું શીખવનાર પિતા, સવારે જલદી ઉઠીને લંચ બોક્સ બનાવનાર પોતાની માતા, દીકરાના મૃતદેહને છાતિસરસો ચાંપીને ખૂબ જ રડવા ઈચ્છે છે પણ. લોકડાઉને આ માતા-પિતાને મજબૂર કર્યા છે ધીરજ રાખવા માટે. આ સાહસિક માતા-પિતા પ્લેનના બદલે રસ્તાનો માર્ગ પસંદ કરીને ગુરૂગ્રામથી બેંગ્લુરૂ આવી રહ્યા છે. જેથી તે દીકરાના અંતિમ સંસ્કાર કરી શકે.
હકીકતમાં ભારતમાં હાલ કોરોના વાયરસના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં સરકારી ઓફિસરો પણ તેમના માટે એરક્રાફ્ટની વ્યવસ્થા ન કરી શક્યા. કર્નલ નવજોત સિંહ બલ વર્ષ ૨૦૦૨માં સેનામાં જોડાયા હતા. તેમને શૌર્ય ચક્ર પણ મળ્યુ હતું. તેઓ ભારતીય આર્મીમાં બે પેરા રેજિમેન્ટનો ભાગ હતા અને આશરે એક વર્ષ પહેલાં તેમને કેન્સરની જાણ થઈ હતી.