ચેન્નાઇ,તા. ૩૦
તમિળનાડુ રાજ્ય સરકારના અધિકારીઓની ટીમ અને આવકવેરા વિભાગના અધિકારીઓની ટીમે આજે સવારે તમિળનાડુના પૂર્વ મુખ્યપ્રધાન સ્વર્ગસ્થ જયલલિતાના આવાસની મુલાકાત લેતા રાજકીય વર્તુળોમાં અને તેમના સમર્થકોમાં ફરી સનસનાટી મચી ગઇ હતી. જો કે મોડેથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે મેમોરિયલ પ્રોજેક્ટના ભાગરૂપે જિલ્લા કલેક્ટર અને રેવેન્યુ અધિકારીઓની ટીમ પહોંચી હતી. તમિળનાડુ સરકારે પહેલાથી જ મેમોરિયલ તરીકે તેમના પ્રાંગણને ફેરવી નાંખવા માટેની જાહેરાત કરી છે. અધિકારીએ કહ્યુ હતુ કે આવકવેરા ટેક્સ અધિકારીઓની ટીમ સાથે રહી હતી. કારણ કે તેઓએ અગાઉ આ પ્રાંગણના કેટલાક રૂમમાં તપાસ કરી હતી. નિવાસસ્થાનની મુલાકાત અંગે પુછવામાં આવતા તેમણે આ મુજબની વાત કરી હતી. આઇટી વિભાગના અધિકારીએ કહ્યુ છે કે આઇટી એક્ટ હેઠળ અમે કોઇ પગલા લઇ રહ્યા નથી. સંયુક્ત નિરીક્ષણના ભાગરૂપે તપાસ કરવામાં આવી હતી. તેમણે કહ્યુ હતુ કે સીલ રૂમ અમે ખોલ્યા નથી. આવકવેરા વિભાગના અધિકારીઓએ બુધવારના દિવસે જેલમાં રહેલા અન્નાદ્રમુકના નેતા વીકે શશીકલા અને તેમના પરિવારના સભ્યો સાથે જોડાયેલા ૧૩ સ્થળો ઉપર ફરી દરોડાની કાર્યવાહી શરૂ થઇ હતી. આવકવેરા વિભાગે લોકરોમાં ઉંડી તપાસ કરી હતી. પ્રતિબંધાત્મક આદેશો હેઠળ આ તપાસ ચાલી હતી. આ લોકરો ઓપરેશન ક્લીનમની દરમિયાન વ્યાપક દરોડા વેળા મળી આવ્યા હતા. ચેન્નાઈ અને અન્ય સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. આરકેનગરની પેટાચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યાના ત્રણ દિવસ બાદ દરોડા પડાયા હતા. શશીકલાના ભત્રીજા ટીટીવી દિનાકરણે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જીતી હતી. ચેન્નાઈમાં મિડાસ, સાઈ ગ્રુપ ઓફ કંપની પર દરોડા પાડવામાં આવ્યા હતા. અત્રે નોંધનીય છે કે, ૯મીથી ૧૩મી નવેમ્બર દરમિયાન આવકવેરા વિભાગે અગાઉ શશીકલા, તેમના સગાસંબંધીઓ અને સમર્થકો સાથે જોડાયેલા ૧૮૭ સ્થળો ઉપર તપાસ કરી હતી. તમિળનાડુમાં ઇન્કમ ટેક્સ વિભાગની કેટલીક ટીમોએ અગાઉ એક સાથે દરોડાની કાર્યવાહી હાથ ધરતા ખળભળાટ મચી ગયો હતો. અન્નાદ્રમુકના નેતા શશીકલાના નિયંત્રણવાળા જયા ટીવીની ઓફિસ ઉપરાત, તેમના પરિવારના સભ્યો, સમર્થકો તેમજ પૂર્વ મુખ્યપ્રધાન જે જયલલિતાના કોદાંદ એસ્ટેટ સહિત રાજ્યભરમાં ૮૦ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દેશવ્યાપી પાડવામાં આવ્યા હતા.જેલમાં રહેલા શશીકલા અને તેમના સાથીઓની સાથે જોડાયેલા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આઇટીના અધિકારીઓએ માહિતી આપતા કહ્યુ હતુ કે અન્નાદ્રમુકના નેતા ટીટીવી દિનાકરણ , શશીકલાના ભાઇ દિવાકરણના કોટ્ટાઇ આવાસ અને તેમના સમર્થકોના આવાસ તેમજ અન્ય પ્રાંગણો પર દરોડા પાડવામાં આવ્યા હતા.