
૧૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ ૯૩ બેઠકો પર મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન, ગુજરાત, ગોવા અને કર્ણાટકની તમામ બેઠકો પર મતદાન પૂર્ણ
(એજન્સી) નવી દિલ્હી, તા. ૭
ચૂંટણી પંચે કહ્યું છે કે, મંગળવારે ૧૮મી લોકસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કાના મતદાનમાં ૬૧ ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. ૧૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા ૯૩ સંસદીય મતવિસ્તારોમાં યોજાયેલ મતદાન મોટાભાગે શાંતિપૂર્ણ રહ્યું હતું. ૧.૮૫ લાખ મતદાન મથકો પર સવારે ૭ વાગ્યે કડક સુરક્ષા વચ્ચે શરૂ થયેલું મતદાન સાંજે ૬ વાગ્યે પુરૂં થયું હતું. ત્રીજા તબક્કામાં લોકસભાની ૯૩ બેઠકોમાંથી ૨૫ ગુજરાતની, કર્ણાટકની ૧૪, મહારાષ્ટ્રની ૧૧, ઉત્તરપ્રદેશની ૧૦, મધ્યપ્રદેશની ૯, છત્તીસગઢની ૭, બિહારની પાંચ, પશ્ચિમ બંગાળ અને આસામની ચાર-ચાર બેઠકો પર ચૂંટણી યોજાઇ હતી. ગોવા, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાંથી બે-બે બેઠકો પર મતદાન થયું હતું.
ભાજપના ઉમેદવારોમાં જેનું ભાવિ ઈવીએમમાં સીલ થયું હતું તેમાં કેન્દ્રીય પ્રધાનો અમિત શાહ (ગાંધીનગર, ગુજરાત), જ્યોતિરાદિત્ય સિંધિયા (ગુના, મધ્યપ્રદેશ) અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ (વિદિશા) જ્યારે કોંગ્રેસમાંથી મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ મધ્યપ્રદેશના રાજગઢથી મેદાનમાં છે. ત્રીજા તબક્કાના અન્ય મુખ્ય ઉમેદવારોમાં ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ (મૈનપુરી, ઉત્તરપ્રદેશ) સંસદીય મતવિસ્તાર અને ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (છૈેંંડ્ઢહ્લ)ના વડા બદરૂદ્દીન અજમલ (ધુબરી, આસામ) બેઠકનો સમાવેશ થાય છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર સાંજે ૮ વાગ્યે અંદાજિત મતદાન ૬૧.૪૫ ટકા નોંધાયું હતું. આસામમાં સૌથી વધુ ૭૫.૨૬ ટકા મતદાન નોંધાયું હતું ત્યારબાદ ગોવામાં ૭૪.૨૭ ટકા અને પશ્ચિમ બંગાળમાં ૭૩.૯૩ ટકા મતદાન થયું હતું. ઉત્તરપ્રદેશમાં ૫૭.૩૪ ટકા મતદાન નોંધાયું હતું. મતદારોની સગવડતા માટે મતદાન મથકો પર પાણી, શમિયાણા, પંખા જેવી સગવડો સહિતની વ્યવસ્થા ગરમ હવામાનનો સામનો કરવા માટે કરવામાં આવી હતી. ૨૩ દેશોના ૭૫ પ્રતિનિધિઓ જેઓ ચૂંટણી પંચના આમંત્રણ પર ભારતમાં આવ્યા છે તેઓ મંગળવારે મતદાન પ્રક્રિયાના સાક્ષી બન્યા હતા. સામાન્ય ચૂંટણી ૧૯મી એપ્રિલથી ૧લી જૂન વચ્ચે સાત તબક્કામાં યોજાઈ રહી છે. પ્રથમ તબક્કાનું મતદાન ૧૯મી એપ્રિલે અને બીજા તબક્કાનું મતદાન ૨૬મી એપ્રિલે થયું હતું. પ્રથમ તબક્કામાં ૬૬.૧૪ ટકા અને બીજા તબક્કામાં ૬૬.૭૧ ટકા મતદાન નોંધાયું હતું. ચોથો તબક્કો ૧૩ મેના રોજ, પાંચમો તબક્કો ૨૦ મે, છઠ્ઠો તબક્કો ૨૫ મે અને સાતમો તબક્કો ૧ જૂનના રોજ યોજાનાર છે. પરિણામ ૪ જૂને જાહેર કરવામાં આવશે.