(એજન્સી) નવી દિલ્હી, તા.૬
ઇઝરાયેલના બિનનિવાસી યહુદીઓ અંગેના મંત્રાલય માટે મોઝેક યુનાઇટેડ ફાઉન્ડેશન દ્વારા હાથ ધરવામાં આવેલા એક ખાસ સર્વેક્ષણમાં એવું બહાર આવ્યું છે કે ઇઝરાયેલની બહાર વિદેશમાં વસતા ૩૨% જેટલા યુવા યહૂદીઓ હમાસ પ્રતિ સહાનુભૃતિ ધરાવે છે. સોમવારે સર્વેના તારણો જાહેર કરવામાં આવ્યા હતા જે દર્શાવે છે કે યહૂદી યુવા પેઢી જે દેશની બહાર વસી રહી છે એ માને છે કે ઇઝરાયેલ ગાઝા પટ્ટી વિસ્તારમાં નરસંહાર કરી રહ્યું છે એવું ઇઝરાયેલના યહૂદી સમાજની યુવા પેઢી માને છે. આ સર્વે પરથી એ સ્પષ્ટ દેખાય આવે છે કે અમેરિકામાં વસતા યહૂદી યુવાન યુવતીઓ અને અન્ય દેશોમાં વસતા યહૂદી યુવાનો અને યુવતીઓ વચ્ચે ગાઝા પરિસ્થિતિ તથા હમાસને લઈને ખૂબ જ મોટા પ્રમાણમાં મંતવ્ય અને અભિપ્રાયમાં ભેદભાવ જોવા મળ્યો છે. એવું જાણવા મળ્યું છે કે અમેરિકામાં વસતા ૩૭% યુવા યહૂદીઓ હમાસ સાથે સહાનુભૂતિ ધરાવતા દેખાયા છે જ્યારે અન્ય દેશોના યુવા યહૂદીઓમાં માત્ર સાત ટકા જ લડાકુ સંગઠન સાથે સહાનુભૂતિમાં દેખાયા છે. એ જ રીતે અમેરિકામાં રહેતા ૪૨% યુવાન યહૂદીઓ માને છે કે ઇઝરાયેલની સેના ગાઝામાં નરસંહાર કરી રહી છે. જ્યારે અન્ય દેશોમાં રહેતા માત્ર ૯ ટકા યહુદી યુવાનો આવું માને છે. લગભગ ૮૫ લાખ યહુદીઓ ઇઝરાયેલની બહાર અન્ય દેશોમાં વસે છે જેમાંથી અમેરિકામાં જ ૬૩ લાખ યહૂદીઓ વસે છે એવું એજન્સીએ આપેલા આંકડા દર્શાવે છે.